10 જૂને થયા કોર્ટ મેરેજ, ધામધૂમથી લગ્ન થાય એ પહેલા જ પ્લેન ક્રેશમાં થયુ મૃત્યુ, પુત્ર ગુમાવનાર પિતાની આંખમાંથી સુકાતા નથી આંસુ- Video
અમદાવાદમાં 12 જૂને જે કરુણાંતિકા સર્જાઈ એ પ્લેન દુર્ઘટનાએ અનેક પરિવારોને એવા ઉજરડા આપ્યા છે જે ક્યારેય રૂઝાવાના નથી. ગુજરાત અને ગુજરાત બહારના અનેક એવા કમભાગી પરિવારોએ તેમના વ્હાલસોયા સ્વજનોને ગુમાવ્યા છે, જેઓ ક્યારેય પરત આવવાના નથી.
અમદાવાદમાં 12 જૂને ગુરુવારની બપોરે જે ગોજારી પ્લેન દુર્ઘટના સર્જાઈ તેમાં અનેક લોકો કાળનો કોળિયો બની ગયા. ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીના પરિવાર સહિત અનેક પરિવારોએ આ દુર્ઘટનામાં તેમના વ્હાલસોયા સ્વજનોને ગુમાવ્યા છે. આ દુર્ઘટનાએ લોકોને એટલી હદે કારમો ઘા આપ્યો છે કે તેની કળ વળતા કદાય વર્ષોના વર્ષો લાગી જાય. આવા જ વડોદરાના કમભાગી પરિવારે આ પ્લેનક્રેશમાં તેમના સૌથી મોટા પુત્રને ગુમાવ્યો છે. મહેશ્વરી પરિવારના મોભી tv9 સમક્ષ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા. એ અભાગી પિતાએ તેમના સૌથી મોટા વર્ષિય પુત્રને ગુમાવ્યો છે. પરિવારના આધાર સમાં અને ત્રણ નાના ભાઈઓના આ મોટાભાઈને યાદ કરીને કરીને પરિવારના સદસ્યોના આંખમાંથી આંસુ સુકાઈ નથી રહ્યા. કરુણતા તો એ છે કે માતા-પિતા અને ત્રણેય સંતાનો એટલી હદે આઘાતમાં છે કે કોણ કોના આંસુ લૂછે, કોણ કોને હિંમત આપે તે મોટો સવાલ છે.
છેલ્લા ચાર વર્ષથી લંડન રહેતો ભાવિક પરિવારને મળતા આવ્યો હતો. ત્યારે પરિવારે તેના લગ્ન કરવાનું નક્કી કર્યું અને ભાવિકના દસમી જૂનના રોજ કોર્ટ મેરેજ પણ થયા. પરિવારને હતું કે પુત્ર ફરિવાર લંડનથી પરત ફરશે ત્યારે તેના ધામધૂમથી લગ્ન કરાવીશું. પરંતુ પરિવારના આ ઓરતા અધુરા જ રહી ગયા.પરિવારના 4 પુત્રોમાથી સૌથી મોટા પુત્રના મોતથી પરિવાર પર આભ ફાટી પડ્યું અને પુત્રના લગ્નના સ્વપન જોતા માતા-પિતા દીકરાના મૃત્યુથી ઘેરા આઘાતમા સરી પડ્યા છે.
પિતા ધ્રુસકે ધ્રુસકે રડતા જણાવે છે કે બે વર્ષ પહેલા જ પુત્રએ તેમની 25 મી મેરેજ એનીવર્સરી ધામધૂમથી ઉજવી હતી. પુત્રના 10 જૂને કોર્ટ મેરેજ થયા હતા અને હવે બીજીવાર લંડનથી પરત આવે એટલે ધામધૂમથી લગ્ન કરવાના હતા પરંતુ એ પહેલા જ પુત્રને કાળ ભરખી ગયો. પિતાની આંખોમાંથી આંસુ સુકાઈ નથી રહ્યા. સૌથી મોટા પુત્રને ગુમાવનાર આ પિતાનું દુ:ખ કોઈ વહેંચી શકે એમ નથી.