પ્લેનક્રેશ બાદ દીકરાને બચાવવા માતાએ લગાવી મોતની દોડ, હાલ માતા ICUમાં જીવન મરણ વચ્ચે ખાઈ રહી છે ઝોલા- Video
ગુરુવારે અમદાવાદમાં જે કરુણાંતિકા સર્જાઈ તેમા અનેક લોકોએ તેમના સ્વજનો ગુમાવ્યા છે, અનેક પરિવારોએ તેમના વ્હાલસોયાને ગુમાવ્યા છે. પુરી જિંદગી વિતી જાય તો પણ કળ ન મળે તેવા ડામ અમદાવાદમાં સર્જાયેલી પ્લેનક્રેશની દુર્ઘટનાએ અનેક પરિવારોને આપ્યા છે.
અમદાવાદમામં ગુરુવારે થયેલી પ્લેનક્રેશ કરુણાંતિકામાં એક બાદ એક એવા કમકમાટી ઉપજાવે તેવા હતભાગી લોકોના ચિત્તાર સામે આવી રહ્યા છે. ગઈકાલે પ્લેનક્રેશ થયુ અને તેમાથી અગ્નિની જે પ્રચંડ જ્વાળાઓ નીકળી તેમાં આસપાસના અનેક લોકો પ્રભાવિત થયા છે. આ જ સિલસિલામાં એક તરફ પાછળ આગ લાગેલી છે અને એક લાચાર માતા તેના પુત્રને મચાવવા માટે દોટ લગાવતી હોય તે પ્રકારનો વીડિયો વાયરલ થયો હતો. સમગ્ર ઘટના અંગે તેમના સ્વજને tv9 સમક્ષ જણાવ્યુ કે તેમનો પુત્ર માતા માટે ટિફિન લઈને ગયો હતો. માતા થોડે દૂર જમીન પર બેઠા બેઠા જમી રહી હતી અને પુત્ર તેમનાથી થોડે દૂર ખાટલા પર સૂતેલો હતો. બરાબર એ સમયે પ્લેનક્રેશનો બ્લાસ્ટ થયો અને એક અગનગોળો પુત્રની નજીક આવીને પડે છે. હજુ તો માતા કંઈ વિચારે ત્યાં બીજો અગનગોળો ત્યાં આવીને પડે છે આથી પોતાના જીવની પરવા કર્યા વિના માતા તેના પુત્રને બચાવવા માટે દોટ લગાવે છે. કમનસીબે તેઓ પુત્રને બચાવી શકતા નથી પરંતુ આ આગની જ્વાળાઓમાં તેઓ પણ ગંભીર રીતે દાઝી જાય છે.
જુઓ માતાએ લગાવેલી મોતની દોડનો વીડિયો
પ્લેનક્રેશ દુર્ઘટનાના આ હતભાગી પરિવારના મોભી જણાવે છે કે એ આગ તેમના પુત્રને તો ભરખી ગઈ, તેમના 14 વર્ષનો પુત્રનું તો આગમાં સળગી જવાથી મૃત્યુ થયુ પરંતુ તેમની પત્ની પણ જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આટલુ કહેતા તેમના ગળે ડુમો ભરાઈ આવે છે. પુત્રને બચાવવામાં માતા ગંભીર રીતે દાઝ્યા છે. તબીબો દ્વારા અત્યંત ગંભીર જણાવાઈ રહી છે. પુત્રને ગુમાવનાર પિતા સજળ નયને જણાવી રહ્યા છે કે દીકરો તો ગુમાવી દીધો છે હવે આમનો જીવ બચી જાય તો સારુ. સ્વજનો આશા રાખી રહ્યા છે કે ડૉક્ટરો તેમનો જીવ બચાવવામાં સફળ થાય.