દિવસેને દિવસે સાયબર ફ્રોડના કેસમાં વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં દિલ્હીથી એક નવો કેસ સામે આવ્યો છે, જેમાં ગૃહ મંત્રાલયના એક નિવૃત્ત અધિકારી સાથે 48 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. ઠગ દ્વારા ફ્રોડ કરવા માટે એક મેજિક કોલ એપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેનાથી તેઓએ એક છોકરીનો અવાજ બનાવ્યો હતો.
છોકરીના અવાજની કોપી કરીને સાયબર ગુનેગારોએ અધિકારીની બેચમેટની પુત્રી તરીકે ઓળખ આપી અને મદદના નામે છેતરપિંડી કરી હતી. આ કેસમાં દક્ષિણ દિલ્હીના સાયબર સેલે ગેંગનો પર્દાફાશ કર્યો અને આરોપીઓની ધરપકડ કરી હતી. આ સમગ્ર કેસમાં મુખ્ય આરોપી સુમન કુમાર, વિવેક કુમાર, આશિષ કુમાર, અભિષેક કુમાર અને એક સગીરની ધરપકડ કરવામાં આવી છે. સુમન કુમાર ડાબરે આ પહેલા એક કંપનીના ડાયરેક્ટર સાથે 11 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.
દક્ષિણ દિલ્હી પોલીસના ડેપ્યુટી કમિશનર ચંદન ચૌધરીએ જણાવ્યું હતું કે, ગૃહ મંત્રાલયના નિવૃત્ત અધિકારી દેવેન્દ્ર કુમાર ઠાકુરે સાયબર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અરુણ કુમાર વર્માને ફરિયાદ કરી હતી. તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને આરોહી ઝા નામની યુવતીનો ફોન આવ્યો હતો, જે પોતાને તેના બેચમેટની પુત્રી ગણાવતી હતી.
નિવૃત અધિકારીને સાયબર ક્રાઈમની જાળમાં ફસાવવા માટે સ્કેમર્સે છોકરીના અવાજમાં કહ્યું કે, તેની માતા બીમાર છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેની સારવાર માટે રૂપિયાની માંગણી કરી અને અધિકારીએ તેમને નાણા આપ્યા હતા. ત્યારબાદ જુદા-જુદા બહાને તે ઓફિસર પાસેથી રૂપિયા માંગવા લાગી હતી. આ રીતે સરકારી અધિકારી સાથે મેજિક એપ દ્વારા ફ્રોડ કરવામાં આવ્યું હતું.
મેજિક કોલ એપ દ્વારા યુઝર્સ જુદા-જુદા પ્રકારના અવાજમાં વાત કરી શકે છે. તેનો ઉપયોગ બેકગ્રાઉન્ડ કોલ માટે પણ કરી શકાય છે. તાજેતરમાં આ પ્રકારની અલગ-અલગ એપ દ્વારા ઘણા લોકોને છેતરવાના કેસ સામે આવ્યા છે. જો તમારી સાથે છેતરપિંડી થાય તો તમે www.cybercrime.gov.in પર તમારી ફરિયાદ કરીનોંધાવી શકો છો.
આ પણ વાંચો : જો કોઈ અજાણી વ્યક્તિ તમારી પાસે ફોન માંગે તો આપવો નહીં, મદદના નામે લોકો સાથે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો