દેશના કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે. ટ્રેનમાં મુસાફરી કરવા માટે અગાઉથી ટિકિટ (Train Ticket) બુક કરાવવી પડે છે. તમે ટ્રેનની તત્કાલ ટિકિટ પણ બુક કરી શકો છો. પરંતુ ઘણી વખત સર્વર કે કોઈ ટેક્નિકલ ખામીના કારણે ટિકિટ બુક કરાવતી વખતે ટિકિટ બુક થઈ શકતી નથી અને પૈસા કપાઈ જાય છે. તેથી રિફંડ લેવાની પ્રક્રિયામાં કેટલીક ભૂલો કરીએ છીએ, જેના કારણે લોકો છેતરપિંડીનો (Cyber Crime) શિકાર બને છે.
એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. ધારો કે તમારે અમદાવાદથી દિલ્હી જવાનું છે અને તમે ટ્રેનની ટિકિટ બુક કરાવી છે. હવે કોઈ કારણસર તમારો પ્લાન બદલાયો અને તમે ટિકિટ કેન્સલ કરાવો છો ત્યારબાદ રિફંડમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે, તો તમે રિફંડ માટે વિનંતી કરશો. રેલવેને આ અંગે ફરિયાદ સોશિયલ પ્રોફાઇલ્સ જેમ કે ફેસબુક અથવા ટ્વિટર પર કરવામાં આવે છે ત્યારે તમારા ડેટાનો દુરઉપયોગ કરવામાં આવે છે. IRCTC સમસ્યાનો ઉકેલ લાવે તે પહેલાં, ઠગ તમારો સંપર્ક કરે છે અને છેતરે છે.
રિફંડના નામે કોલ આવે અને તમારી ગોપનીય માહિતી માટે પૂછે તો આવા કોલથી સાવચેત રહેવું જઈએ. ભારતીય રેલવે ક્યારેય રિફંડ માટે તમારી પાસેથી તમારી કોઈપણ ગોપનીય અથવા બેંકિંગ માહિતી માંગતી નથી. ઘણી વખત ગ્રાહકોને રિફંડના નામે નકલી મેસેજ મોકલવામાં આવે છે, જે IRCTC દ્વારા મોકલવામાં આવેલા મેસેજ જેવા જ દેખાય છે. તેથી આ મેસેજ પર આપવામાં આવેલી લિંક પર ક્લિક કરવું નહીં.
આ પણ વાંચો : Income Tax Refund Fraud: ઈન્કમ ટેક્સ રિફંડના મેસેજ દ્વારા છેતરપિંડી, જાણો ફ્રોડથી કેવી રીતે બચવું, જુઓ Video
લોકોને પોતાનો શિકાર બનાવવા માટે આ ઠગ એક નવી પદ્ધતિ લઈને આવ્યા છે. રિફંડ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું કહેવામાં આવે છે. તેમાં ઘણી મહત્વપૂર્ણ માહિતીની કોલમ છે, જેમ કે બેંક એકાઉન્ટ નંબરથી લઈને ડેબિટ કાર્ડ્સ સુધીની વિગતો હોય છે. આ માહિતીના આધારે, તમારા ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવે છે. જો કોઈ તમને ફોર્મ ભરવાનું કહે, તો તમારે સાવચેત રહેવું, IRCTC આવી માહિતી માંગતી નથી.
IRCTCએ ગ્રાહકોને ટ્વિટર દ્વારા જાણ કરી હતી કે તેઓ રિફંડ લેતી વખતે થોડી સાવચેતી રાખે. રિફંડના નામે નકલી કસ્ટમર કેર નંબર સાથે સોશિયલ મીડિયા પર કેટલાક ખોટા મેસેજ ફરતા થઈ રહ્યા છે. તેથી સત્તાવાર નંબરો પર સંપર્ક કરવા વિનંતી છે. તમારા બેંંક ખાતામાંથી છેતરપિંડી અને પૈસા ઉપાડવાના કિસ્સામાં તરત જ 1930 પર કોલ કરો. આ ઉપરાંત સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો