Paris Olympics 2024 : શૂટિંગમાં ફરીથી થશે કમાલ-ધમાલ, ભારતને મળી શકે છે વધુ બે મેડલ !
Paris Olympics 2024 : 29 જુલાઈએ પેરિસ ઓલિમ્પિકમાં ભારત વધુ બે મેડલ મેળવી શકે છે અને આ બંને મેડલ શૂટિંગ સ્પર્ધામાં આવવાની આશા છે. 10 મીટર એર રાઈફલમાં અર્જુન બબુતા અને રમિતા જિંદાલ અનુક્રમે પુરૂષ અને મહિલા બંને ઈવેન્ટમાં મેડલ લાવી શકે છે.
Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતની મેડલ જીતવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. 28 જુલાઈ, રવિવારના રોજ ભારતીય શૂટર મનુ ભાકરનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું અને તે ભારતને પ્રથમ મેડલ જીતાડવામાં સફળ રહી હતી. તેણે 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો અને આ સાથે તેણે ઈતિહાસ પણ રચ્યો.
તે ઓલિમ્પિકમાં મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા શૂટર બની છે. હવે 29મી જુલાઈના રોજ મેડલ મેચ પણ યોજાવા જઈ રહી છે, જેમાં ભારતને હવે કયો મેડલ આવે છે તે જોવું રસપ્રદ રહેશે. ચાલો જાણીએ 29 જુલાઈ સોમવારના રોજ ભારતની કઈ મેચો જોઈ શકાશે?
બેડમિન્ટનથી ભારતની શરૂઆત
મેચની શરૂઆત બેડમિન્ટનથી થશે. મેન્સ ડબલ્સની મેચમાં ભારતની સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી જર્મનીની લેમ્સફસ માર્ક અને સીડેલ માર્વિનની જોડી સામે ટકરાશે. આ મેચ બપોરે 12 વાગ્યે શરૂ થશે. આ ઉપરાંત બપોરે 12:50 વાગ્યાથી મહિલા બેડમિન્ટન મેચ પણ યોજાવાની છે. જેમાં અશ્વિની પોનપ્પા અને તનિષા ક્રાસ્ટોની જોડીનો મુકાબલો જાપાનની માત્સુયામા અને ચિહારુ શિડાની જોડી સામે થશે. જો કે આ મેચના ટાઈમ ટેબલમાં બાદમાં ફેરફાર થઈ શકે છે.
શૂટિંગ સ્પર્ધા પણ યોજાશે
29મી જુલાઈએ બપોરે 12.45 કલાકે ભારતીય ખેલાડીઓની શૂટિંગ સ્પર્ધા યોજાશે. આ 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ભારતની બે ટીમો ભાગ લેશે. જેમાં પ્રથમ ટીમમાં મનુ ભાકર અને સરબજોત સિંહ અને બીજી ટીમમાં અર્જુન સિંહ ચીમા અને રિધમ સાંગવાન છે. આ સિવાય ટ્રેપ ઈવેન્ટ બપોરે 1 વાગ્યાથી શરૂ થશે. જેમાં ક્વોલિફિકેશન મેચમાં ભારતનો પૃથ્વીરાજ ટોન્ડેમન રમતા જોવા મળશે.
રમિતા મેડલ મેળવી શકે છે
સોમવારે બપોરે 1 વાગ્યાથી 10 મીટર એર રાઇફલની ફાઇનલ મેચ યોજાવાની છે. જેમાં રમિતા જિંદાલ મેડલ માટે ચેલેન્જ કરશે. રવિવારે યોજાયેલી સ્પર્ધામાં રમિતાએ 631.5ના સ્કોર સાથે 5મું સ્થાન મેળવ્યું હતું અને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.
આ ખેલાડી પાસેથી પણ મેડલની અપેક્ષા છે
ભારતીય શૂટર અર્જુન બબુતા બપોરે 3.30 કલાકે પુરુષોની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં રમતા જોવા મળશે. આવી સ્થિતિમાં તે પણ ભારતને મેડલ અપાવી શકે છે. રવિવારની મેચમાં 630.1નો સ્કોર કરીને 60 શોટની ક્વોલિફિકેશન સિરીઝમાં તે 7મા ક્રમે રહ્યો હતો.
હોકી અને તીરંદાજી સ્પર્ધા પણ
ભારતીય પુરૂષ હોકી ટીમ આર્જેન્ટિના સામે ટકરાશે. આ મેચ સાંજે 4.15 કલાકે શરૂ થશે. આ ઉપરાંત તીરંદાજી સ્પર્ધા પણ યોજાય છે. જેમાં ભારતીય પુરુષ ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પડકાર રજૂ કરશે. ટીમમાં ધીરજ બોમ્માદેવરા, પ્રવીણ જાધવ અને તરુણદીપ રોય સામેલ છે. આ મેચ સાંજે 5.45 કલાકે શરૂ થશે. આમાં પણ મેડલની આશા છે.