ક્રિકેટ કિટ પહોંચી ઓસ્ટ્રેલિયા, પરંતુ ખેલાડી છે હજુ ભારતમાં, જાણો શું છે સમગ્ર મામલો
ભારતીય ટીમ હાલ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરીઝ રમી રહી છે. આ દરમિયાન એક સ્ટાર ખેલાડી ભારતીય ટીમ સાથે જોડાવા જઈ રહ્યો છે. આ ખેલાડી હાલમાં ભારતમાં છે, પરંતુ તેની પ્લેઇંગ કીટ ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવી છે. ત્યારે હવે, આ ખેલાડી ટૂંક સમયમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયા રવાના થઈ શકે છે.
ભારતીય ટીમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે 5 ટેસ્ટ મેચોની બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમાઈ રહી છે. આ સીરીઝની વચ્ચે ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મહત્વપૂર્ણ સીરીઝ દરમિયાન એક સ્ટાર ખેલાડી ભારતીય ટીમ સાથે જોડાવા જઈ રહ્યો છે. આ ખેલાડી હાલમાં ભારતમાં છે, પરંતુ તેની પ્લેઇંગ કીટ ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવી છે. ત્યારે હવે, આ ખેલાડી ટૂંક સમયમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયા રવાના થઈ શકે છે.
ખેલાડી પહેલા તેની ક્રિકેટ કીટ ઓસ્ટ્રેલિયા પહોંચી
ભારતના સિનિયર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી સીરીઝની છેલ્લી બે મેચમાં રમતો જોવા મળી શકે છે. મીડિયા અહેવાલ મુજબ, મોહમ્મદ શમીની પ્લેઈંગ કીટ ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે, ત્યારે શમી NCA મેડિકલ ટીમ પાસેથી ફિટનેસ ક્લિયરન્સ મેળવી ટીમ સાથે જોડાશે. ફિટનેસ ક્લિયરન્સ માત્ર એક ઔપચારિકતા છે. એટલે કે BCCI ટૂંક સમયમાં શમીને ઓસ્ટ્રેલિયા મોકલવા જઈ રહ્યું છે. શમી છેલ્લા એક વર્ષથી ટીમ ઈન્ડિયાની બહાર છે. રિપોર્ટ્સ અનુસાર, ટીમમાં વાપસી કરવા માટે શમીએ 6 કિલો વજન પણ ઘટાડ્યું છે.
મોહમ્મદ શમી વાપસી કરશે
મોહમ્મદ શમી માટે 14 ડિસેમ્બરથી બ્રિસબેનમાં શરૂ થનારી ટેસ્ટમાં રમવું મુશ્કેલ માનવામાં આવે છે, કારણ કે આ મેચમાં વધુ સમય બાકી નથી. પરંતુ તે નિશ્ચિત છે કે તે 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં રમાનારી બોક્સિંગ ડે ટેસ્ટમાં જોવા મળશે. શમીના નજીકના સૂત્રએ મીડિયાને જણાવ્યું છે કે એનસીએ તરફથી ફિટનેસ સર્ટિફિકેટ ખૂબ જ જલ્દી મળી જશે. શમીની ભારતીય કીટ પહેલા જ ઓસ્ટ્રેલિયા મોકલી દેવામાં આવી છે. તે મુસ્તાક અલી ટ્રોફી T20 ટૂર્નામેન્ટ પૂર્ણ કરશે અને પછી ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે.
ઘણા સમયથી ચાહકો શમીની રાહ જોઈ રહ્યા છે
તમને જણાવી દઈએ કે, શમીને ODI વર્લ્ડ કપ 2023 દરમિયાન પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. આ પછી, પગની સર્જરીના કારણે તેને લાંબા સમય સુધી બહાર રહેવું પડ્યું હતું. ન્યુઝીલેન્ડ સામેની તાજેતરની ટેસ્ટ સીરીઝમાં તેની વાપસી નિશ્ચિત માનવામાં આવી રહી હતી, પરંતુ આ પહેલા શમીના ઘૂંટણમાં સોજો આવી ગયો હતો જેના કારણે તેની વાપસીમાં વિલંબ થયો હતો.