IPL 2023 એ પ્લેઓફમાં અંતિમ સ્થાન પર પહોંચવા માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ટક્કર થઈ રહી છે. બેંગ્લોર અને મુંબઈ બંને સિઝનમાં આજે પોતાની અંતિમ લીગ મેચ રમનાર છે. રવિવારે ડબલ હેડર દિવસમાં પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે વાનખેડેમાં રમાનારી છે. જ્યારે બીજી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાનારી છે. બેંગ્લોર અને મુંબઈ બંને પ્લેઓફમાં અંતિમ સ્થાન પર ટિકિટ મેળવવા માટે પૂરો દમ લગાવશે. આખરી દાવને પૂરી તાકાતથી ખેલવો બંને માટે જરુરી છે. જોકે ગુજરાત સામે બેંગ્લોરને હાર છતાં પણ ટિકિટ મળી શકે છે.
બેંગ્લોરને આજે હાર છતાં પણ કેવી રીતે પ્લેઓફમાં સ્થાન મળી શકે એ વાતનો સવાલ થતો હશે. તેનો જવાબ અહીં જ આપીશુ. પરંતુ એ પહેલા પ્લેઓફની સ્થિતી પર નજર કરી લઈએ. ગુજરાત ટાઈટન્સ સૌથી પહેલા પ્લેઓફમાં પહોંચ્યુ હતુ. ત્યાર બાદ શનિવારે ડબલ હેડર દિવસમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 77 રનથી દિલ્હી કેપિટલ્સને હરાવીને બીજા સ્થાન પર પહોંચ્યુ હતુ. જ્યારે બીજી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સનો માત્ર 1 રનથી કોલકાતા નાઈટ રાઈડર્સ સામે વિજય થયો હતો. આમ લખનૌ અધ્ધર શ્વાસે પ્લેઓફની ટિકિટ મેળવી શક્યુ હતુ.
RCB નો રનરેટ સારો છે. પોઈન્ટ્સ ટેબલમાં તે મુંબઈ ઈન્ડિયન્સના સમાન પોઈન્ટ્સ ધરાવતુ હોવા છતા, તે નેટ રનરેટના આધારે MI થી આગળ છે. આમ બેંગ્લોર માટે આ મોટી રાહતની વાત છે. આ સ્થિતીમાં બેંગ્લોરની ટીમ ગુજરાત સામે 5 રનથી ઓછા અંતરથી હાર સહન કરે તો પ્લેઓફની તક મળી શકે છે. પરંતુ આ માટે શરત એટલી જ છે કે, સનરાઈઝર્સ હૈદરાબાદે પોતાની અંતિમ મેચમાં વાનખેડેમાં મુંબઈની સામે જીત મેળવવી પડે. આમ મુંબઈની હારની સ્થિતીમાં રનરેટના આધારે બેંગ્લોરની ટીમ પ્લેઓફના ચોથા સ્થાને પહોંચી શકે છે.
જોકે સૌથી આસાન માર્ગ બેંગ્લોર માટે એ જ છે કે, ગુજરાત ટાઈટન્સ સામે કોઈ પણ ભોગે જીત મેળવી લે. જોકે બીજી એક સારી વાત બેંગ્લોરની ટીમ માટે એ એ છે કે, તેમણે લીગની સૌથી અંતિમ મેચ રમવાની છે. આમ મુંબઈ ઈન્ડિયન્સ રવિવાર બેંગ્લોર પહેલા મેચ રમશે. મતલબ પ્લેઓફની ટિકિટ માટે અંતિમ મેચ રમતા એ સ્પષ્ટ હશે કે, કઈ સ્થિતીમાં તે પ્લેઓફમાં પહોંચી શકે છે. જેને બેંગ્લોરે પાર કરવુ પડશે.