આ 5 કંપનીઓ RCB ખરીદવા માંગે છે, જેમાંથી એકની કિંમત 17 લાખ કરોડ રૂપિયાથી વધુ
RCBએ ગત્ત વર્ષે WPL અને આ વર્ષે IPLનો ખિતાબ જીત્યો હતો. ટીમ લીગની સૌથી ફેમસ ફ્રેન્ચાઈઝીમાંથી એક છે. પરંતુ અચાનક ફ્રેન્ચાઇઝના વર્તમાન માલિકોએ તેને વેચવાનો નિર્ણય લીધો છે. પ્રશ્ન એ છે કે તેનો નવો માલિક કોણ બનશે?

ઈન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં એક મોટી ક્ષણ ઉમેરવાની છે કારણ કે, લીગની સૌથી જૂની અને સૌથી ફેમસ ફ્રેન્ચાઇઝીમાંથી એક, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વેચાણ માટે તૈયાર છે. માલિક ડિયાજિયોએ ડિફેન્ડિંગ IPL ચેમ્પિયનને વેચવાની તૈયારી શરૂ કરી દીધી છે, અને આશા છે કે, આવતા વર્ષે 31 માર્ચ સુધીમાં વેચાવાની આશા છે.
કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આરસીબીની કિંમત અંદાજે 2 અરબ ડોલર સુધી બતાવવામાં આવી રહી છે. પરંતુ આરસીબીનો નવો માલિક કોણ હશે. કઈ કંપની આ સુપરહિટ ફ્રેન્ચાઈઝી સાથે પોતાનું નામ જોડશે તેની ચર્ચા થઈ રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ રેસમાં 5 એવી મોટી કંપનીઓ છે. જેમાં દેશના સૌથી મોટા ઔદ્યોગિક ગૃહોમાંના એક અદાણી ગ્રુપનો પણ સમાવેશ થાય છે.
શું અદાણી ગ્રુપ IPLમાં એન્ટ્રી કરશે?
રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે,દેશના સૌથી બીજા પૈસાદાર ઉદ્યોગપતિ ગૌતમ અદાણી આ ફ્રેન્ચાઈઝીને ખરીદવામાં રસ દેખાડી રહ્યા છે. તેના માટે બોલી પણ લગાવી શકે છે. ગૌતમ અદાણી આ પહેલા આઈપીએલ ફ્રેન્ચાઈઝી ખરીદવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.બીસીસીઆઈએ જ્યારે 2021માં સીઝન બાદ નવી ટીમ બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારે અદાણી ગ્રુપે અમદાવાદની ફ્રેન્ચાઈઝી પર બોલી લગાવી હતી. ત્યારે સફળતા મળી ન હતી. પરંતુ અંદાજે 17 લાખ કરોડની માર્કેટ કેપિટલાઈજેશન વાળી અદાણી ગ્રુપ મહિલા પ્રીમિયર લીગમાં ગુજરાત જાયન્ટસ ફ્રેન્ચાઈઝીની માલિક છે.
પુનાવાલા યોગ્ય કિંમત આપી શકે?
દુનિયાભરની વેક્સીન બનાવનાર ભારતની દિગ્ગજ કંપની સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના માલિક અદાર પુનાવાલા પણ આ ફ્રેન્ચાઈઝીને ખરીદવામાં રસ દેખાડી ચૂક્યા છે. આ રેસમાં તેઓ પણ છે. પુનાવાલાએ તો પોતે એક સોશિયલ મીડિયા પોસ્ટ પર જાહેરાત કરી હતી કે, યોગ્ય કિંમત પર આરસીબી એક સારી ટીમ સાબિત થઈ શકે છે. પુનાવાલા SIIના સીઈઓ છે. આ કંપનીની કિંમત અંદાજે 2 લાખ કરોડથી વધારે છે.
દિલ્હી છોડી બેંગ્લુરુ સાથે જોડાશે JSW?
જિંદલ ગ્રુપ પણ આ ફ્રેન્ચાઈઝીને ખરીદવાની રેસમાં છે. સજ્જન જિંદલની કંપની JSW પહેલાથી જ આઈપીએલ અને મહિલા પ્રીમિયર લીગમાં સામેલ છે. જે દિલ્હી કેપિટલ્સની કો-ઓર્નર છે. દિલ્હી કેપિટલ્સમાં આ કંપની જીએમઆર ગ્રુપ સાથે મળી ફ્રેન્ચાઈઝઈ ચલાવે છે. પરંતુ હવે લાગે છે કે,JSW બેંગ્લુરુંની ફ્રેન્ચાઈઝીને ખરીદવા માંગે છે. તે દિલ્હી કેપિટલ્સમાં તેનો હિસ્સો વેચી દેશે. JSWના રસનું એક મુખ્ય કારણ કંપનીનું બેંગલુરુ સાથેનું જોડાણ છે. અંદાજે 3 લાખ કરોડનું JSW ગ્રુપ પહેલાથી જ બેંગલુરુ ફૂટબોલ ક્લબ ચલાવે છે, અને RCB દ્વારા, તે શહેરમાં તેની ઓળખ સંપૂર્ણપણે સ્થાપિત કરી શકે છે.
રેસમાં 2 વધુ કંપની સામેલ
આ સિવાય દેશના મોટા ઉદ્યોગપતિ રવિ જયપુરિયા પણ આરસીબીને ખરીદવા માટે દાવો કરી શકે છે. રવિ જયપુરિયાની કંપની ઈન્ટરનેશનલ દેશમાં કેએફસી, પિઝ્ઝા હટ, કોસ્ટા કોફી જેવી ફેમસ અમેરિકી ફાસ્ટ ફુડ બ્રાન્ડની ચેન ચલાવે છે. આ સિવાય વરુણ બેવરેજેસ કંપની દ્વારા તે પેપ્સી માટે બોટલ બનાવે છે. જયપુરિયાએ અગાઉ ક્યારેય કોઈ સ્પોર્ટ્સ ફ્રેન્ચાઇઝીમાં હિસ્સો રાખ્યો નથી. દરમિયાન, યુનાઇટેડ સ્ટેટ્સની એક ખાનગી રોકાણ કંપની પણ આ ફ્રેન્ચાઇઝી ખરીદવામાં રસ ધરાવે છે. જો કે, આ ગ્રુપનું નામ કે ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
