ગૌતમ ગંભીર, સૂર્યા અને અગરકરે ગિલને અંધારામાં કેમ રાખ્યો? આ એક નિર્ણય 2 દિવસ સુધી ગુપ્ત કેમ રાખવામાં આવ્યો? સિલેક્શનને લઈને થયો ચોંકાવનારો ખુલાસો
શુભમન ગિલને લખનૌમાં ચોથી T20I પહેલા ઈજા થઈ હતી, જેના કારણે તે પાંચમી મેચમાં રમી શક્યો ન હતો. જો કે, તે સમયે પણ ગિલ ટીમનો વાઇસ-કેપ્ટન હતો પરંતુ 24 કલાકથી ઓછા સમયમાં જ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

શુભમન ગિલ સતત ત્રણ શ્રેણી માટે ટીમનો ભાગ રહ્યો હતો, તેને અચાનક T20 વર્લ્ડ કપ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીની અંતિમ મેચના બીજા દિવસે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી અને ગિલનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો.
આ નિર્ણયે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ બધા વચ્ચે એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે, ટીમ મેનેજમેન્ટે આ નિર્ણય બે દિવસ સુધી ગુપ્ત રાખ્યો હતો.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની T20 શ્રેણીની અંતિમ મેચ શુક્રવાર, 19 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં રમાઈ હતી. શુભમન ગિલ પગની ઈજાને કારણે મેચમાંથી બહાર થઈ ગયો હતો અને સંજુ સેમસનને મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો.
સેમસન ‘ઓપનિંગ’ કરશે
સેમસને માત્ર 22 બોલમાં 37 રન બનાવ્યા હતા. આ પરિણામે, જ્યારે શનિવારે ટીમની જાહેરાત કરવામાં આવી, ત્યારે ગિલનું નામ ટીમમાંથી બાકાત રાખવામાં આવ્યું હતું અને સેમસન ઓપનિંગ પોઝિશન પર પરત ફર્યો હતો.
આ નિર્ણય આમ તો સાચો લાગે છે પણ એશિયા કપ દરમિયાન અચાનક ટીમ ઈન્ડિયાના વાઇસ-કેપ્ટન તરીકે નિયુક્ત થવું, સેમસનને ઓપનર તરીકે દેખવો અને સતત ત્રણ સિરીઝમાં ગિલને સપોર્ટ મળવો તેમ છતાંય અચાનક વર્લ્ડ કપની ટીમમાંથી બહાર થઈ જવું એ ખરેખરમાં આઘાતજનક છે. આ નિર્ણય આમ તો 48 કલાક પહેલા લેવામાં આવ્યો હતો પરંતુ કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને કોચ ગૌતમ ગંભીરે તેને ગુપ્ત રાખ્યો હતો.
કઈ વાત છુપાવી?
સમાચાર એજન્સી PTIના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, લખનૌમાં ચોથી ટી20 મેચ પહેલા ગિલને પગમાં ઈજા થયા બાદ ટીમ મેનેજમેન્ટ અને સિલેક્શન કમિટીએ પહેલાથી જ નિર્ણય લઈ લીધો હતો કે, ગિલ વર્લ્ડ કપ ટીમમાં રહેશે નહીં.
જો કે, તે સમયે કોચ કે કેપ્ટન બંનેમાંથી કોઈએ પણ ગિલને આ અંગે જાણ કરી ન હતી. ગિલની ઈજા ગંભીર નહોતી અને તે પેઇનકિલર ઇન્જેક્શન લઈને ફાઇનલ મેચ રમવા માટે પણ તૈયાર હતો પરંતુ તેને બહાર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેનું કારણ તેને જણાવવામાં આવ્યું ન હતું.
ગિલને બાકાત રાખવાની માહિતી કોણે આપી?
આવી સ્થિતિમાં, ગિલ આખી મેચ દરમિયાન ટીમ સાથે હતો અને મેચ દરમિયાન ખેલાડીઓને પાણી આપવા માટે મેદાન પર પણ આવ્યો હતો. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, શુભમન ગિલને બાકાત રાખવાની માહિતી ચીફ સિલેક્ટર અજિત અગરકરે આપી હતી.
માહિતી અનુસાર, શનિવારે બપોરે સિલેક્શન કમિટીની બેઠક બાદ ટીમની જાહેરાત થવાની થોડી મિનિટો પહેલા અગરકરે શુભમન ગિલને ફોન કરીને આ નિર્ણયની જાણ કરી હતી.
ઘણા સવાલો ઊભા થયા
હવે આ ખુલાસાથી ઘણા પ્રશ્નો ઉભા થયા છે. ગૌતમ ગંભીર, સૂર્યા અને અગરકરે ગિલને અંધારામાં કેમ રાખ્યો? જો આ નિર્ણય પહેલાથી જ લેવામાં આવ્યો હતો, તો ઈજા હોવા છતાં તેને ટીમમાં કેમ રાખવામાં આવ્યો?
શું ગિલને અચાનક હટાવવાથી ODI અને ટેસ્ટ ફોર્મેટમાં કોચ તેમજ પસંદગીકારો સાથેના તેના સંબંધો પર અસર પડશે? ખાસ વાત એ છે કે, ગિલને આ વર્ષે જ ODI અને ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો.
