LSGની હાર બાદ સંજીવ ગોએન્કાએ KL રાહુલ સાથે વાત કરી, DC કેપ્ટન રિષભ પંતને ગળે લગાવ્યો
દિલ્હીના અરુણ જેટલી મેદાનમાં હોમ ટીમ દિલ્હી કેપિટલ્સ અને પાડોશી ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેના મુકાબલામાં દિલ્હીએ લખનૌને 19 રને હરાવ્યું હતું. મેચ બાદ LSGના માલિક સંજીવ ગોએન્કા તેમની ટીમના કેપ્ટન કેએલ રાહુલ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. જોકે આ વખતે તેઓ ગુસ્સામાં નહીં પંરતુ શાંતિથી વર્તી રહ્યા હતા. ખાસ વાત એ હતી કે તેઓ તેમની ટીમને હરાવનાર દિલ્હીના કેપ્ટન રિષભ પંતને ગલે લગાવતા પણ નજરે ચઢ્યા હતા.

IPL 2024માં દિલ્હી કેપિટલ્સે 14 મેની સાંજે રમાયેલી એક મહત્વપૂર્ણ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું હતું. 19 રનની હાર બાદ LSGના માલિક સંજીવ ગોયન્કા ફરી એકવાર ટીમના કેપ્ટન કેએલ રાહુલને મળવા મેદાન પર પહોંચ્યા. પરંતુ, આ વખતે તેમની સ્ટાઈલ થોડી અલગ હતી. તેમનો મૂડ બદલાઈ ગયો હતો. દિલ્હીના હાથે તેમની ટીમની હાર પછી, ગોએન્કા રાહુલને મળ્યા હતા પરંતુ તે રીતે નહીં જેમ તેઓ SRH સામેની હાર પછી મળ્યા હતા.
હૈદરાબાદ સામે હાર બાદ રાહુલ પર ભડક્યા હતા
જ્યારે લખનૌની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે હારી ગઈ ત્યારે સંજીવ ગોએન્કા મેદાન પર જ કેએલ રાહુલ પર ભડકી ગયા હતા. તેમના શરીરના હાવભાવ દર્શાવતા હતા કે તેઓ ટીમના કેપ્ટનથી ખુશ ન હતા. એટલું જ નહીં તેઓ રાહુલના જીતવાના ઈરાદા પર પણ સવાલ ઉઠાવતા જોવા મળ્યા હતા. મેચ બાદ તરત જ મેદાન પર રાહુલ સાથે સંજીવ ગોએન્કાના વર્તનની વ્યાપક ટીકા થઈ હતી. જોકે, દિલ્હીની મેચ પહેલા તેમણે રાહુલને પોતાના ઘરે ડિનર માટે આમંત્રિત કરીને તે મુદ્દા પર વિરામ મૂકી દિધો હતો.
સંજીવ ગોએન્કા રાહુલ સાથે હસીને વાતચીત કરી
SRH સામે હાર્યા બાદ, LSG હવે સતત બીજી મેચ હારી ગયું છે. પરંતુ, સંજીવ ગોએન્કા ગુસ્સે થયા નહીં. તે કેએલ રાહુલથી નારાજ દેખાયા નહીં. દિલ્હી સામેની મેચ પછી, સંજીવ ગોએન્કા ટીમના કેપ્ટન કેએલ રાહુલને મળ્યા, તેની સાથે વાત કરવા માટે મેદાન પર આવ્યા, પરંતુ આ દરમિયાન તેમના ચહેરા પર સ્માઈલ હતી.
KL Rahul having a chat with Sanjiv Goenka. pic.twitter.com/AFIh5kLEWW
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 14, 2024
રિષભ પંતને ગળે લગાવ્યો
સંજીવ ગોએન્કાએ મેચ બાદ તેમની ટીમ એટલે કે લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન સાથે તો વાતચીત કરી જ, બાદમાં તેઓ વિરોધી ટીમ એટલે કે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને પણ મળ્યા અને તેને ગળે લગાવ્યો હતો.
Sanjeev Goenka hugging Rishabh Pant after the match. pic.twitter.com/H6Tro7zdzk
— Tanuj Singh (@ImTanujSingh) May 14, 2024
પ્લેઓફ માટે આ મેચ મહત્વની હતી
દિલ્હી અને લખનૌ વચ્ચે રમાયેલી મેચ પ્લેઓફની દૃષ્ટિએ બંને ટીમો માટે મહત્વપૂર્ણ હતી. જો દિલ્હી હારી ગયું હોત તો પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું હોત. પરંતુ, દિલ્હીએ 19 રનની જીત મેળવી પ્લેઓફની આશા જીવંત રાખી હતી. બીજી તરફ લખનૌ સુપર જાયન્ટ્સ હાર છતાં હજુ પણ રેસમાં છે કારણ કે તેમણે હજુ છેલ્લી ગ્રુપ મેચ રમવાની છે.
આ પણ વાંચો : IPL 2024માંથી ટૂંકો બ્રેક મળતા જ ધોની ચેન્નાઈમાં CISF ઓફિસ પહોંચી ગયો, જવાનોનો ઉત્સાહ વધાર્યો