Breaking News : કોલકાતા નાઈટ રાઈડર્સે IPL 2025 પહેલા નવા કેપ્ટનના નામની કરી જાહેરાત, જાણો કોના હાથમાં ટીમની કમાન
કોલકાતા નાઈટ રાઈડર્સે IPL 2025 પહેલા નવા કેપ્ટનના નામની જાહેરાત કરી છે. KKRએ ચેમ્પિયન્સ ટ્રોફીની મધ્યમાં અચાનક ટીમના કેપ્ટનના નામની જાહેરાત કરી હતી. ખાસ વાત એ છે કે ટીમનો સૌથી મોંઘો ખેલાડી નહીં પણ અન્ય અનુભવી ખેલાડીને KKRએ ટીમની કમાન સોંપી છે.

કોલકાતા નાઈટ રાઈડર્સે IPL 2025 પહેલા શ્રેયસ અય્યરને રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો, જે ગયા સિઝન સુધી KKRનો કેપ્ટન હતો અને ટીમને ચેમ્પિયન પણ બનાવી હતી. આવી સ્થિતિમાં, IPL 2025 પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સે તેમના નવા કેપ્ટનનું નામ જાહેર કર્યું છે. KKRએ અજિંક્ય રહાણેને કેપ્ટન બનાવવાનો નિર્ણય લીધો છે. જ્યારે વેંકટેશ અય્યરને વાઈસ કેપ્ટનની જવાબદારી મળી છે.
અજિંક્ય રહાણે KKRનો નવો કેપ્ટન
અજિંક્ય રહાણે બીજી વખત આ ટીમનો ભાગ બન્યો છે. આ પહેલા તે 2022માં પણ આ KKRનો ભાગ હતો. આ વખતે મેગા ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સે અજિંક્ય રહાણે પર 1.5 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. તેનો અર્થ એ કે KKR એ તેને બેઝ પ્રાઈસ પર ખરીદ્યો હતો. આવી સ્થિતિમાં અજિંક્ય રહાણે માટે આ એક મોટી તક બનવા જઈ રહી છે.
night. aptain. ℝahane. pic.twitter.com/afi1HHYEHd
— KolkataKnightRiders (@KKRiders) March 3, 2025
વેંકટેશ અય્યર વાઈસ કેપ્ટન
આ જાહેરાત દરમિયાન KKRના CEO વેંકી મૈસૂરે કહ્યું, ‘અમને ખુશી છે કે અમે અજિંક્ય રહાણે જેવા ખેલાડીને કેપ્ટન બનાવી રહ્યા છીએ, જે પોતાની નેતૃત્વ ક્ષમતા અને અનુભવથી ટીમને મજબૂત બનાવશે. વેંકટેશ અય્યર પણ KKR માટે એક મહત્વપૂર્ણ ખેલાડી રહ્યો છે અને તેનામાં નેતૃત્વના ગુણો છે. અમને વિશ્વાસ છે કે અજિંક્ય રહાણે અને વેંકટેશ અય્યર સાથે મળીને અમારી ટીમને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપશે અને અમે અમારા ખિતાબનો બચાવ કરવામાં સફળ થઈશું.’
અજિંક્ય રહાણેની પ્રતિક્રિયા
બીજી તરફ, અજિંક્ય રહાણેએ કહ્યું, ‘IPLની સૌથી સફળ ફ્રેન્ચાઈઝીમાંની એક, KKRની કેપ્ટનશીપ મેળવવી મારા માટે સન્માનની વાત છે. અમારી પાસે એક ઉત્તમ અને સંતુલિત ટીમ છે. હું બધા ખેલાડીઓ સાથે કામ કરવા અને અમારા ટાઈટલને ડિફેન્ડ કરવાના પડકારને સ્વીકારવા માટે ઉત્સુક છું.’ તમને જણાવી દઈએ કે, કોલકાતા નાઈટ રાઈડર્સ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, તેથી અજિંક્ય રહાણે પર ટાઈટલ બચાવવાનું દબાણ રહેશે. આ વખતે KKR 22 માર્ચે તેનું અભિયાન શરૂ કરશે. KKRનો સામનો ઈડન ગાર્ડન્સ ખાતે RCB ટીમ સામે થશે.
Honored and excited to lead @KKRiders in the upcoming IPL season! Looking forward to the challenge and giving it our all. Korbo Lorbo Jeetbo #IPL2025 https://t.co/WNTBzNmPSf
— Ajinkya Rahane (@ajinkyarahane88) March 3, 2025
અજિંક્ય રહાણેની IPL કારકિર્દી
અજિંક્ય રહાણે IPLના સૌથી અનુભવી ખેલાડીઓમાંનો એક છે. તેણે આ લીગમાં કુલ 185 મેચ રમી છે, જે દરમિયાન તેણે 30.14 ની સરેરાશથી 4642 રન બનાવ્યા છે. IPLમાં તેના નામે 30 અડધી સદી અને 2 સદી પણ છે. રહાણેએ KKR માટે 7 મેચ રમી છે, જેમાં તેણે 133 રન બનાવ્યા છે. બીજી બાજુ, જો આપણે કેપ્ટનશીપની વાત કરીએ તો, તે પહેલા IPLમાં રાજસ્થાન રોયલ્સનું પણ નેતૃત્વ કરી ચૂક્યો છે.
આ પણ વાંચો: Champions Trophy : જો ભારત-ઓસ્ટ્રેલિયા સેમીફાઈનલ રદ્દ થાય, તો કોણ રમશે ફાઈનલ? જાણો શું છે ICCનો નિયમ