IND vs ZIM: જયસ્વાલની ઈનિંગે ઝિમ્બાબ્વેને હરાવ્યું, ટીમ ઈન્ડિયાએ જીતની હેટ્રિક સાથે શ્રેણી પર કર્યો કબજો
ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે સામે 5 મેચની T20 સિરીઝની ચોથી મેચમાં આસાન જીત મેળવી છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. યશસ્વી જયસ્વાલે ખૂબ જ આક્રમક બેટિંગ કરી ટીમને મોટી જીત અપાવી હતી.
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની T20 શ્રેણીની ચોથી મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ એકતરફી જીત મેળવીને મેચ જીતી લીધી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ સિરીઝ પર પણ કબજો કરી લીધો છે. તેણે 3-1ની સરસાઈ મેળવી લીધી છે. શ્રેણીની ચોથી મેચમાં ટીમ ઈન્ડિયાની જીતનો હીરો યશસ્વી જયસ્વાલ રહ્યો હતો. તેણે શાનદાર બેટિંગ કરી અને સરળતાથી રનચેઝ કરી ટીમને જીત અપાવી હતી.
ઝિમ્બાબ્વે 152 રન પર રોકાઈ ગયું
આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમલ ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેના ઓપનરોએ શાનદાર શરૂઆત આપી હતી, પરંતુ ટીમ આ શરૂઆતને મોટા સ્કોર સુધી લઈ જઈ શકી ન હતી. જેના કારણે ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 152 રન બનાવ્યા હતા. ખલીલ અહેમદ ભારતનો સૌથી સફળ બોલર હતો. તેણે 4 ઓવરમાં 32 રન આપ્યા અને 2 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા. જ્યારે તુષાર દેશપાંડે, અભિષેક શર્મા, વોશિંગ્ટન સુંદર અને શિવમ દુબેને 1-1 સફળતા મળી.
For his opening brilliance of 9⃣3⃣* off just 5⃣3⃣ deliveries, @ybj_19 is named the Player of the Match
Scorecard ▶️ https://t.co/AaZlvFY7x7#TeamIndia | #ZIMvIND pic.twitter.com/yqiiMsFAgF
— BCCI (@BCCI) July 13, 2024
યશસ્વી જયસ્વાલે મેચ વિનિંગ ઈનિંગ રમી
153 રનના ટાર્ગેટના જવાબમાં યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલે ઈનિંગની શરૂઆત કરી હતી. આ બંને ખેલાડીઓએ જોરદાર બેટિંગનું પ્રદર્શન કર્યું, જેના કારણે ભારતીય ટીમે એકપણ વિકેટ ગુમાવ્યા વિના આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો. આ દરમિયાન યશસ્વી જયસ્વાલે ખૂબ જ આક્રમક બેટિંગ કરી હતી અને શુભમન ગિલે તેને પૂરો સાથ આપ્યો હતો. જયસ્વાલે 53 બોલમાં અણનમ 93 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં જયસ્વાલે 13 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. જ્યારે કેપ્ટન ગિલે 39 બોલમાં 58 રન બનાવ્યા, જેમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા.
ટીમ ઈન્ડિયાએ શ્રેણી કબજે કરી લીધી
આ પ્રવાસની શરૂઆત ટીમ ઈન્ડિયા માટે કંઈ ખાસ રહી નથી. ટીમને તેની પહેલી જ મેચમાં મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. તે મેચમાં ભારતીય ટીમ 102 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પરંતુ આ પછી ટીમ ઈન્ડિયાએ શાનદાર વાપસી કરી અને સતત ત્રણ મેચ જીતીને શ્રેણી પર કબજો કર્યો. હવે શ્રેણીની છેલ્લી મેચ 14મી જુલાઈએ રમાશે. ટીમની નજર આ મેચ જીતીને પ્રવાસનો અંત લાવવા પર હશે.
આ પણ વાંચો: IPL: રિકી પોન્ટિંગની દિલ્હી કેપિટલ્સમાંથી છુટ્ટી, આ દિગ્ગજ હશે ટીમનો મુખ્ય કોચ