ટી20 વિશ્વકપ 2022 નો સુપર 12 નો તબક્કો ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની મેચ સાથે જ પુરો થયો છે. આમ હવે ભારતે આ મેચમાં વિજય મેળવવા સાથે જ ભારત હવે ઈંગ્લેન્ડ સામે સેમિફાઈનલમાં ટકરાશે. ભારતીય ટીમ 8 પોઈન્ટ સાથે ગૃપમાં ટોપર છે. ભારતીય ટીમે સુપર 12 ની 5માંથી 4 મેચમાં જીત મેળવી હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા ઝિમ્બાબ્વેને મેલબોર્ન ગ્રાઉન્ડમાં 187 રનનુ લક્ષ્ય આપ્યુ હતુ. જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 18મી ઓવરમાં સમેટાઈ ગઈ હતી.
ભૂવનેશ્વ કુમારે ઝિમ્બાબ્વેની બેટીંગ ઈનીંગની શરુઆતે પ્રથમ બોલમાં જ પ્રથમ વિકેટ ઝડપી લઈને સફળતા ભારતને અપાવી હતી. ભૂવનેશ્વરે 3 ઓવરમાં 1 ઓવર મેઈડન કરીને માત્ર 11 રન આપ્યા હતા. ભૂવીને આ એક જ માત્ર વિકેટ મળી શકી હતી. ત્યારબાદ અર્શદીપ સિંહે વધુ એક સફળતા ઈનીંગની બીજી ઓવરમાં અપાવી હતી. અર્શદીપ સિંહે 2 ઓવરમાં 9 રન આપીને 1 વિકેટ મેળવી હતી.
રવિચંદ્રન અશ્વિને પણ કમાલની બોલીંગ કરતા 3 વિકેટ ઝડપીને ઝિમ્બાબ્વેની કમર તોડી દેવાની કામ કર્યુ હતુ. તેણે 4 ઓવરમાં 22 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. ભૂવી અને અર્શદીપે અપાવેલી સારી શરુઆત બાદ હાર્દિક શામી અને અશ્વિને બાકીનુ કામ પુરુ કરીને ઝિમ્બાબ્વેને સમેટવાનુ અભિયાન ભારતે પૂર્ણ કરાવ્યુ હતુ.
હાર્દિકે સિકંદર રઝા અને કેપ્ટન ક્રેગ ઈરવિનની વિકેટ ઝડપી હતી. રઝા 6 બોલનો સામનો કરીને શૂન્યમાં જ પરત ફર્યો હતો. જ્યારે ઇરવિન 15 બોલમાં 13 રન નોંધાવી પરત ફર્યો હતો. હાર્દિકે 2 વિકેટ ઝડપી હતી. શમીએ પણ 2 વિકેટ ઝડપી હતી.
સિકંદર રઝાએ એક વાર ફરીથી આક્રમક રમત દર્શાવી હતી. તેણે 24 બોલમાં 34 રન ફટકાર્યા હતા. તેણે 3 ચોગ્ગા આ દરમિયાન ફટકાર્યા હતા. જ્યારે બર્લે 22 બોલમાં 35 રનમાં 1 છગ્ગો અને 5 ચોગ્ગો ફટકાર્યો હતો. જોકે રઝાને હાર્દિકે નિપટાવી દેતા ભારતને રાહત સર્જાઈ હતી. જ્યારે અશ્વિને બર્લને બોલ્ડ કરી દીધો હતો.
આમ ભારત સામે 115 રનના સ્કોર પર જ ઝિમ્બાબ્વેની ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે 71 રનથી મોટી જીત મેળવી હતી.
ભારતીય ટીમ હવે 10મી નવેમ્બરે ઈંગ્લેન્ડ સામે સેમિફાઈનલમાં ટકરાશે. ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચ્યુ છે. ભારતની આ ચોથી જીત છે. જે બંને ગૃપમાં સૌથી વધુ જીત ભારતે મેળવી છે. આમ ભારતીય ટીમ 8 પોઈન્ટ સાથે સેમિફાઈનલમાં પહોંચ્યુ છે. જ્યારે પ્રથમ સેમિફાઈનલ મેચ પાકિસ્તાન અને ન્યુઝિલેન્ડ વચ્ચે રમાનાર છે. જેમાં પાકિસ્તાન અને બીજી સેમિફાઈનલમાં ભારત જીતે તો 13 નવેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહાજંગ થઈ શકે છે.
Published On - 4:55 pm, Sun, 6 November 22