ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 22 નવેમ્બરથી પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાશે. આ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે, BCCIએ ભારતીય ટીમમાં કુલ 18 ખેલાડીઓનો સમાવેશ કર્યો છે. જેમાં 3 રિઝર્વ ખેલાડીઓ તરીકે ઓસ્ટ્રેલિયા ગયા છે. પરંતુ આ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમનો એક ઝડપી બોલર ઈજાના કારણે ભારત પરત ફર્યો છે. BCCIએ આ ખેલાડીના સ્થાને અન્ય ખેલાડીને ઓસ્ટ્રેલિયા મોકલ્યો છે.
ફાસ્ટ બોલર ખલીલ અહેમદ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની શરૂઆત પહેલા ઈજાગ્રસ્ત થયો છે. તમને જણાવી દઈએ કે, ખલીલ અહેમદને આ સિરીઝ માટે રિઝર્વ પ્લેયર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ ઈજાના કારણે તે ભારત પરત ફર્યો છે. ખરેખર, ખલીલ ઈજાગ્રસ્ત હતો અને નેટ્સમાં બોલિંગ કરી શક્યો ન હતો. આવી સ્થિતિમાં મેડિકલ ટીમે તેમને આરામની સલાહ આપી હતી, ત્યારબાદ તેમને ભારત પરત મોકલી દેવામાં આવ્યા હતા. IPLની હરાજી પહેલા ખલીલ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટૂર્નામેન્ટ રમશે કે નહીં તે હજુ નક્કી નથી, કારણ કે દિલ્હી કેપિટલ્સે તેને રિલીઝ કરી દીધો છે.
ખલીલ અહેમદની જગ્યાએ ડાબોડી ફાસ્ટ બોલર યશ દયાલને ભારતના રિઝર્વ ખેલાડીઓમાં સામેલ કરવામાં આવ્યો છે. યશ દયાલ તાજેતરમાં સાઉથ આફ્રિકા પ્રવાસ પર ભારતીય T20 ટીમનો ભાગ હતા. પરંતુ તેને રમવાની તક મળી ન હતી. તે જોહાનિસબર્ગથી સીધો પર્થ પહોંચી ગયો છે. BCCIના એક સૂત્રએ PTIને કહ્યું, ‘તે રિઝર્વ ખેલાડી તરીકે ટીમમાં સામેલ થશે, યશને સામેલ કરવાનું કારણ એ છે કે ભારતીય ટીમને પ્રેક્ટિસ માટે મિચેલ સ્ટાર્ક જેવા બોલરની જરૂર છે. જો ખલીલ બોલિંગ ન કરી શકે તો તેના અહીં રહેવાનો કોઈ ફાયદો નથી.
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રીત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઈશ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, રિષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આર અશ્વિન, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર.
રિઝર્વ ખેલાડીઓ : મુકેશ કુમાર, નવદીપ સૈની, યશ દયાલ.
આ પણ વાંચો: IND vs AUS : વિરાટ કોહલી લેશે સંન્યાસ? પર્થ ટેસ્ટ પહેલા શેર કરી પોસ્ટ, મચી ગયો હંગામો