ICC T20 World Cup Breaking News: ‘મિસ્ટર 360’ પણ પાછળ રહી ગયો… અમદાવાદના મેદાનમાં ડી કોકે એક જ મેચમાં દિગ્ગજોના બે મોટા રેકોર્ડ તોડ્યા
T20 વર્લ્ડ કપ 2026 માં અફઘાનિસ્તાન સામેની મેચમાં ક્વિન્ટન ડી કોકે શાનદાર અડધી સદી ફટકારીને નવો ઇતિહાસ રચ્યો છે. ક્વિન્ટન ડી કોક હવે દિગ્ગજ એબી ડી વિલિયર્સથી પણ આગળ નીકળી ગયો છે.

ICC T20 વર્લ્ડ કપ 2026 ના 13માં મુકાબલામાં સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન સામસામે છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મહત્વની મેચમાં સાઉથ આફ્રિકાના ઓપનર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે બેટથી કમાલ કરતા ઇતિહાસ રચી દીધો છે. ક્વિન્ટન ડી કોકે શાનદાર અડધી સદી ફટકારીને સાઉથ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર એબી ડી વિલિયર્સને પાછળ છોડી દીધો છે.
ટીમની સ્થિતિ મજબૂત કરી
અફઘાનિસ્તાન સામે સાઉથ આફ્રિકાની ઇનિંગની શરૂઆત ખાસ રહી નહોતી. કેપ્ટન એડન માર્કરામ ત્રીજી જ ઓવરમાં પેવેલિયન પરત ફર્યો હતો. જો કે, ત્યારબાદ ઓપનર બેટ્સમેન ડી કોક અને રયાન રિકેલ્ટને ઇનિંગને સંભાળી હતી.
આ બંને બેટ્સમેનોએ એક જ ઓવરમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. રિકેલ્ટને 23 બોલમાં ઝડપી અડધી સદી ફટકારી હતી, જ્યારે ડી કોકે 34 બોલમાં ચોગ્ગા સાથે પોતાની અડધી સદી પૂરી કરી હતી. બંને વચ્ચે 114 રનની શાનદાર ભાગીદારી થઈ હતી, જેણે ટીમની સ્થિતિ મજબૂત કરી દીધી હતી.
Sparkling form continues! ✨
Quinton de Kock raises a beautifully crafted half-century. A masterclass in timing, control, and explosive intent.
Pure class from #TheProteas opening batter. #Unbreakable #T20WorldCup pic.twitter.com/vJeQhuirKc
— Proteas Men (@ProteasMenCSA) February 11, 2026
આ દરમિયાન ક્વિન્ટન ડી કોકે T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સાઉથ આફ્રિકા માટે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. હવે તેના નામે T20 વર્લ્ડ કપમાં 737* રન થઈ ગયા છે, જેનાથી તેણે એબી ડી વિલિયર્સને પાછળ છોડી દીધો છે.
T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન
- ક્વિન્ટન ડી કોક – 737*
- એબી ડી વિલિયર્સ – 717
- જેપી ડુમિની – 568
- ડેવિડ મિલર – 482
- એઇડન માર્કરામ – 448
આટલું જ નહીં, ડી કોક હવે T20 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા માટે સૌથી વધુ 50+ સ્કોર બનાવનાર ખેલાડી પણ બની ગયો છે. તેણે 5મી વખત T20 વર્લ્ડ કપમાં 50 થી વધુનો સ્કોર બનાવવાનો પરાક્રમ કર્યો છે. આ બાબતમાં હવે તેણે એબી ડી વિલિયર્સની બરાબરી કરી લીધી છે.
T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ 50+ સ્કોર ધરાવતા દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન
- ક્વિન્ટન ડી કોક – 5 (29 ઇનિંગ્સ)
- એબી ડી વિલિયર્સ – 5 (29 ઇનિંગ્સ)
- એઇડન માર્કરામ – 4 (20 ઇનિંગ્સ)
ICC ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 50+ સ્કોર બનાવવાના મામલે ડી કોક પહેલેથી જ દિગ્ગજોના ક્લબમાં જોડાયેલ છે. કુમાર સંગાકારા (21) આ યાદીમાં ટોચ પર છે, જ્યારે ડી કોક 14 અડધી સદી સાથે બીજા સ્થાને છે. તેના પછી જોસ બટલર, એડમ ગિલક્રિસ્ટ અને મુશફિકુર રહીમ 11-11 ફિફ્ટી પ્લસ સ્કોર સાથે આ યાદીમાં જોડાયા છે.
