Breaking News: T20 વર્લ્ડ કપ વચ્ચે ટીમ ઈન્ડિયા માટે ચોંકાવનારા સમાચાર, ધાકડ ખેલાડી અભિષેક શર્મા હોસ્પિટલમાં દાખલ
T20 વર્લ્ડ કપ 2026: નામિબિયા સામેની મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર. સ્ટાર ઓપનર અભિષેક શર્માની તબિયત બગડવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ટી20 વર્લ્ડ કપ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા પેટના ચેપને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેના કારણે 12 ફેબ્રુઆરીએ નામિબિયા સામે રમાનારી ભારતની આગામી ટી20 મેચમાં તેની હાજરી સંદેહાસ્પદ લાગી રહી છે.
યુએઈ સામેની પહેલી મેચ બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ઝડપી બોલર મોહમ્મદ સિરાજે માહિતી આપી હતી કે અભિષેક શર્માને પેટમાં તકલીફ અનુભવાઈ રહી છે. યુએસએ સામેની મેચમાં તે ગોલ્ડન ડક પર આઉટ થયો હતો, ત્યારબાદ તેની તબિયત વધુ બગડી હોવાનું જાણવા મળ્યું છે.
અભિષેક શર્માને પેટમાં ચેપ સાથે તાવ પણ હોવાનું જણાવાઈ રહ્યું છે. રવિવારે મુખ્ય કોચ ગૌતમ ગંભીરના ઘરે યોજાયેલી ટીમ ડિનર દરમિયાન તેને અસ્વસ્થતા લાગી હતી, જેના કારણે તે વહેલી તકે ત્યાંથી પરત ફર્યો હતો. સોમવારે તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને મંગળવારે પણ તે હોસ્પિટલમાં જ રહ્યો. ટીમ મેનેજમેન્ટ સતત તેની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
જો અભિષેક શર્મા સમયસર ફિટ નહીં થાય, તો તેના સ્થાને સંજુ સેમસનને તક મળી શકે છે. આવી સ્થિતિમાં સંજુ સેમસન ઈશાન કિશન સાથે ઇનિંગની શરૂઆત કરે તેવી સંભાવના છે. સંજુ સેમસનને ટી20 વર્લ્ડ કપ ટીમમાં ઓપનર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ ન્યુઝીલેન્ડ સામેની ટી20 શ્રેણીમાં નબળા પ્રદર્શન બાદ તે બેકઅપ ઓપનર તરીકે ટીમમાં રહ્યો હતો.
હાલમાં અભિષેક શર્માની નામિબિયા સામેની મેચમાં રમવાની શક્યતા ઓછી જણાઈ રહી છે. અંતિમ નિર્ણય તેની તબિયતને ધ્યાનમાં રાખીને ટીમ મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવશે.
અભિષેક શર્મા પ્રેક્ટિસમાં ગેરહાજર, સંજુ સેમસન નામિબિયા સામે રમશે?
