આ ભારતીય બોલરને IPL 2024માં ન મળી તક, હવે ઈંગ્લેન્ડમાં અડધી ટીમને આઉટ કરી મચાવી ધમાલ
ભારત તરફથી રમી ચૂકેલા સિદ્ધાર્થ કૌલે 2008માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી IPL કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ તેને IPL 2024માં તક મળી ન હતી, ત્યારબાદ તે ઈંગ્લેન્ડની કાઉન્ટી ચેમ્પિયનશિપ તરફ વળ્યો છે. ઈંગ્લેન્ડ જતાની સાથે જ કૌલે પોતાની બોલિંગથી હલચલ મચાવી દીધી હતી.

પૈસા કમાવવાની સાથે IPL ઘણા ખેલાડીઓ માટે તેમની પ્રતિભા દર્શાવવાનું પ્લેટફોર્મ પણ બની જાય છે. પરંતુ જો તમને અહીં પણ તક ન મળે તો? હવે આવી સ્થિતિમાં ક્રિકેટરોએ બીજા કોઈ દેશમાં પોતાના માટે તકો શોધવી પડશે. ભારતીય ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કૌલે પણ આવું જ કંઈક કર્યું. જ્યારે તેને IPL 2024માં તક ન મળી તો તે ઈંગ્લેન્ડની કાઉન્ટી ચેમ્પિયનશિપ તરફ વળ્યો. સિદ્ધાર્થ કૌલે તેની કાઉન્ટી કારકિર્દીની પહેલી જ મેચમાં પોતાના પ્રદર્શનથી હલચલ મચાવી દીધી છે. તેની બોલિંગ જોઈને ટીમ કોચ પણ સિદ્ધાર્થ કૌલના ફેન બની ગયા છે.
ઈંગ્લેન્ડની કાઉન્ટીમાં સિદ્ધાર્થ કૌલે 5 વિકેટ લીધી
સિદ્ધાર્થ કૌલે 2008માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી IPL કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારથી તે 4 અલગ-અલગ ટીમો સાથે લીગમાં રમ્યો હતો. તેણે આઈપીએલમાં તેની છેલ્લી મેચ 2022માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી હતી. આ સિઝનમાં તેને એક મેચમાં રમવાની તક મળી હતી પરંતુ તે એક પણ વિકેટ લઈ શક્યો નહોતો. તે 2023માં પણ ટીમનો ભાગ રહ્યો પરંતુ આખી સિઝનમાં બેન્ચ પર બેઠો રહ્યો. આ પછી, જ્યારે તેને 2024 માં પણ તક ન મળી, ત્યારે કૌલે ઈંગ્લેન્ડની પ્રખ્યાત કાઉન્ટી ચેમ્પિયનશિપમાં તેની પ્રતિભા બતાવવાનું નક્કી કર્યું. કાઉન્ટીમાં તેને નોર્થમ્પટનશાયર તરફથી રમવાનો મોકો મળ્યો અને ત્યાં જતાં જ તેણે બોલથી તબાહી મચાવી દીધી.
ટીમના કોચે સિદ્ધાર્થના ખૂબ વખાણ કર્યા
સિદ્ધાર્થ કૌલે પહેલા જ મેચમાં ટીમ માટે 29 ઓવરમાં 79 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. ત્યારથી ટીમના કોચે તેના ખૂબ વખાણ કર્યા છે. નોર્થમ્પટનશાયરના કોચ જોન સેડલરે સિદ્ધાર્થ કૌલની ખૂબ પ્રશંસા કરી છે. તેણે કૌલને ઉચ્ચ ગુણવત્તાનો ક્રિકેટર ગણાવ્યો છે. સેડલરે કહ્યું કે ટીમ તેની પાસેથી આવી જ બોલિંગની અપેક્ષા રાખે છે. હું કૌલની મહેનતથી ઘણો પ્રભાવિત થયો છું.
IPLમાંથી 17.5 કરોડની કમાણી કરી
ભારતીય ટીમ તરફથી રમી ચુકેલા સિદ્ધાર્થ કૌલની આંતરરાષ્ટ્રીય અને IPL કારકિર્દી એટલી સારી રહી નથી. 2008માં શરૂઆત કરનાર કૌલ માત્ર 54 IPL મેચ રમી શક્યો હતો, જેમાં તેણે 58 વિકેટ લીધી હતી, આ દરમિયાન તેની ઈકોનોમી પણ 8થી ઉપર રહી હતી. તેણે IPLમાંથી અંદાજે 17.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી વિશે વાત કરીએ તો, કૌલે ભારત માટે ત્રણ વનડે મેચ રમી હતી પરંતુ એક પણ વિકેટ લઈ શક્યો ન હતો. આ સિવાય ત્રણ T20 મેચમાં 4 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો : ‘હું મારી સૂટકેસમાં બંદૂક રાખું છું’…ઈશાંત શર્માએ ચાલુ ઈન્ટરવ્યુમાં ખુલ્લેઆમ આપી ‘ધમકી’, જુઓ Video
