પી.એન ભગવતીએ ગુજરાતમાં કાર્યકારી (Gujarat Governor)રાજયપાલ તરીકે જવાબદારી નિભાવી હતી. બૃહદ મુંબઇ રાજ્ય (1956-60)નું મહારાષ્ટ્ર (Maharashtra)અને ગુજરાત આ બે અલાયદા રાજ્યોમાં વિભાજન થતાં, 1960માં નવી રચાયેલી ગુજરાતની વડી અદાલતના ન્યાયમૂર્તિ તરીકે તેમની વરણી થઈ હતી.1967માં ગુજરાતની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિના પદ પર તેમની નિમણૂક થઈ અને ત્યારે તેઓ ભારતના સૌથી નાની ઉંમરના મુખ્ય ન્યાયમૂર્તિ હતા. તેમના કુશળ નેતૃત્વ હેઠળ ગુજરાતની વડી અદાલતે ભારતની અન્ય વડી અદાલતોમાં અગ્રિમ સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. 1965માં ઑસ્ટ્રેલિયા ખાતે ત્રીજી રાષ્ટ્રકુટુંબ કાયદા પરિષદમાં ભારતના પ્રતિનિધિ તરીકે તેઓ હાજર રહ્યા હતા. જુલાઈ1973 માં સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ તરીકે તેમને બઢતી મળી. જુલાઈ 1985માં તેઓ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા અને ડિસેમ્બર 1986માં તેઓ પદ પરથી નિવૃત્ત થયા હતા.
પી. એન. ભગવતીનો જન્મ 21 ડિસેમ્બર 1921માં થયો હતો. તેમનું આખું નામ પ્રફુલ્લચંદ્ર નટવરલાલ ભગવતી હતું. તેમના પિતા નટવરલાલ અગ્રણી ધારાશાસ્ત્રી તથા સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિ હતા અને માતાનું નામ સરસ્વતીબહેન હતું.
1937માં સોળ વર્ષની ઉંમરે મૅટ્રિકની પરીક્ષામાં સમગ્ર વિસ્તારમાં બીજા નંબરે ઉત્તીર્ણ થયા પછી તેમણે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી1941માં બી.એ.ની પરીક્ષા પાસ કરી અને એક 1941- 42ના વર્ષ માટે કોલેજના ફેલો નિમવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓએ મહાત્મા ગાંધીજીની હાકલને માન આપી ભારત છોડો આંદોલનમાં ઝંપલાવ્યું અને આઠ માસ સુધી ભૂગર્ભ પ્રવૃત્તિઓ કરી. 1943માં મુંબઈની સરકારી લૉ કૉલેજમાં દાખલ થયા, જ્યાંથી 1945 માં એલ.એલ.બી.ની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ એડવોક્ટની (ઓ.એસ.)ની પરીક્ષા પાસ કરીને મુંબઈની વડી અદાલતમાં વકીલાત શરૂ કરી હતી. ટૂંક સમયમાં વ્યવસાયક્ષેત્રે નામના મેળવી. ‘મુન્દ્રા કૌભાંડ’ નામથી જાણીતા બનેલા કેસમાં એમણે ‘ચાગલા તપાસ પંચ’ સમક્ષ તે વખતના સંરક્ષણસચિવ એચ. એમ. પટેલનો કુશળતાપૂર્વક બચાવ કરેલો જેની ઘણી ચર્ચા થઈ હતી.
વર્ષ 2007માં તેમને પદ્મવિભૂષણનો પુરસ્કાર એનાયત થયો હતો. વર્ષ 1982માં પી.એન. ભગવતી કોલંબિયા યુનિવર્સિટી સાથે સંલગ્ન રહીને અમેરિકન એકેડેમી ઓફ આર્ટસ એન્ડ સાયન્સના ફેલો તરીકે ચૂંટાયા હતા.તેઓ 1995 થી 2009 સુધી યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ કમિટીના સભ્ય રહ્યા હતા, તેમની મુદત પૂરી થયા પછી દર બે વર્ષે ફરીથી ચૂંટાઈ આવ્યા હતા. તો વર્ષ 2006 સુધીમાં, તેમણે આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થાના નિષ્ણાતોની સમિતિના સભ્ય તરીકે 27 વર્ષથી વધુ સમય સુધી સેવા આપી હતી.અને 6 મે 2011ના રોજ તેમની શ્રી સત્ય સાંઈ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હાયર લર્નિંગના ચાન્સેલર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
જસ્ટિસ ભગવતીનું 15 જૂન 2017ના રોજ 95 વર્ષની વયે નવી દિલ્હીમાં તેમના ઘરે ટૂંકી બીમારી બાદ અવસાન થયું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા તેમને ભારતના કાનૂની બંધુત્વના પ્રતિષ્ઠિત નેતા’ કહીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.