હિન્દુજા ગ્રુપની કંપનીઓ વિશે વાત કરીએ તો અશોક લેલેન્ડ, ગલ્ફ ઓઈલ, હિન્દુજા બેંક સ્વિટ્ઝર્લેન્ડ, ઈન્ડસઈન્ડ બેંક, હિન્દુજા ગ્લોબલ સોલ્યુશન્સ, હિન્દુજા ટીએમટી, હિન્દુજા વેન્ચર્સ, ઈન્ડસઈન્ડ મીડિયા એન્ડ કોમ્યુનિકેશન્સ લિમિટેડ, હિન્દુજા ફાઉન્ડ્રીઝ, પીડી હિન્દુજા હોસ્પિટલ અને ડિફેન્સ ટેક્નોલોજી લિમિટેડનો સમાવેશ થાય છે.
પરમાનંદ હિન્દુજાના મોટા પુત્ર શ્રીચંદ હિન્દુજા પરિવારના વડા તેમજ હિન્દુજા ફાઉન્ડેશન, હિન્દુજા બેંક ઓફ સ્વિટ્ઝરલેન્ડ અને હિન્દુજા ગ્રુપના ચેરમેન પણ છે. આ ગ્રુપના કો-ચેરમેન શ્રીચંદ હિન્દુજાના ભાઈ ગોપીચંદ હિન્દુજા છે. આ સિવાય તેઓ હિન્દુજા ઓટોમોટિવ લિમિટેડ, યુકેના ચેરમેન છે.
તેમના ત્રીજા ભાઈ પ્રકાશ પરમાનંદ હિન્દુજા હિન્દુજા ગ્રુપ (યુરોપ)ના ચેરમેન છે. હિન્દુજા ગ્રુપની ભારતીય કંપનીઓના ચેરમેન અશોક હિન્દુજા છે. સંજય હિન્દુજા, અજય હિન્દુજા, વિનુ હિન્દુજા, રેમી હિન્દુજા, ધીરજ હિન્દુજા અને શોમ હિન્દુજા પણ હિન્દુજા ગ્રુપમાં મુખ્ય હોદ્દા પર છે.
બોફોર્સ કૌભાંડમાં હિન્દુજા ગ્રુપનું નામ પણ જોડાયું હતું. આ કૌભાંડમાં હિન્દુજા ગ્રુપ શ્રીચંદ, ગોપીચંદ અને પ્રકાશચંદનું નામ આવ્યું હતું, જેમાં સ્વીડનની કંપની બોફોર્સ પર 1986માં 1.3 બિલિયન ડોલરમાં ભારત સરકારને 400 તોપ વેચવા માટે સરકારી અધિકારીઓ અને રાજકારણીઓને લાંચ આપવાનો આરોપ હતો.
સીબીઆઈએ હિંદુજા ગ્રુપ તેમજ એબી બોફોર્સના તત્કાલિન ચેરમેન માર્ટિન અર્ડબો અને વચેટિયા વિન ચઢ્ઢા સામે ગુનાહિત કાવતરું, છેતરપિંડી અને બનાવટનો કેસ નોંધ્યો હતો. 2005માં દિલ્હી હાઈકોર્ટે પુરાવાના અભાવે હિન્દુજા ગ્રુપ સામેના તમામ આરોપોને ફગાવી દીધા હતા.