વડોદરા હરણી ખાતે બનેલ ગોઝારાં બોટ અકસ્માત બાદ તંત્ર સજાગ બન્યું છે. ગંભીર ઘટનાઓનું પુનરાવતર્ન ન થાય તે માટે તંત્ર દ્વારા ચોકસાઈ રાખવામાં આવી રહી છે. વડોદરાની ઘટના બાદ સાપુતારા નોટિફાઇડ એરિયાના ચીફ ઓફિસર ડૉ. ચિંતન વૈષ્ણવ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ કરાયું હતું.
એક પખવાડિયામાં બીજી વાર અધિકારીએ સાપુતારાના બોટિંગ હાઉસની આકસ્મિક મુલાકાત લીધી હતી. મુક્ક્ત દરમિયાન ચોકસાઈ અને નિયમ પાલનમાં ઢીલ વર્તાઈ નથી રહી તેની ખાતરી કરવામાં આવી હતી. આ ઉપરાંત જરૂરી નિર્દેશ પણ કરાયા હતા.
રાજ્યમાં મોરબી અને ત્યારબાદ વડોદરાના હરણી તળાવ ખાતે બનેલ બે મોટા ગોઝારા અકસ્માત ને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે અને જ્યાં જ્યાં પણ બોટીંગ જેવી એક્ટિવિટી ચાલતી હોય ત્યાં પ્રવાસીઓની સુરક્ષાને લઈને તપાસ હાથ ધરી છે.
ડાંગ જિલ્લામાં આવેલ રાજ્યના એક માત્ર ગિરિમથક સાપુતારા ખાતે પણ મોટી સંખ્યમાં સહેલાણીઓ બોટિંગની મજા માણવા આવતા હોય છે ત્યારે તેમની સુરક્ષા માટે પણ તંત્ર સતર્ક જણાઈ રહ્યું છે.
બોટિંગ દરમિયાન લાઈફ જેકેટ સહિત યોગ્ય સાધનોની ચકાસણી કરવા નોટિફાઇડ એરિયાના ચીફ ઓફિસર ડૉ. ચિંતન વૈષ્ણવ એ બુધવારે ફરી એકવાર બોટિંગ હાઉસની આકસ્મિક મુલાકત લીધી હતી.
અધિકારીની અવાર નવાર થતી આકસ્મિક મુલાકાતન જોતા સાપુતારામાં ચાલતા અન્ય વિવિધ એડવેન્ચર એક્ટિવિટી સંચાલકો પણ સતર્ક થઈ ગયા છે.