આ પણ ભીષણ ચક્રવાત, દૂર, મણિપુરમાં!
જો આધુનિક ટેકનૉલોજીથી દૂર સુધી આપણો અવાજ અને દ્રશ્ય પહોંચે છે તે જ રીતે ગંદી અને હિંસક ગતિવિધિની અસર પર દૂર સુધી પહોંચતી જ હોય છે. આમથી જન્મે છે અનિષ્ટ, આમથી પેદા થાય છે પ્રતિક્રિયા. અને તે પ્રતિક્રિયા માત્ર માણસ પૂરતી રહેતી નથી, કુદરતની દરેક ચીજ પર પડે છે.
ઘરઆંગણે આપણે સમુદ્રનો ભીષણ ચક્રવાત જોયો. દરિયાકાંઠે સોમનાથ, દ્વારિકા અને કચ્છમાં બેહાલી હાહાકાર મચાવી મૂકે તેવી છે. આ તો હતો કુદરતી પ્રકોપ. જો કે સમગ્ર રીતે વિચારવામાં આવે તો મનુષ્ય સમાજ જે રીતે માનસિક-સામાજિક-વ્યક્તિગત લાલસા, સ્વાર્થ, જીવલેણ સ્પર્ધા અને અનૈતિક આચરણ તરફ ધસી રહ્યો છે તે પણ પ્રત્યેક આપત્તિમાં જવાબદાર હોય જ છે. જેને સંચિત કર્મ કહેવામા આવે તેના પણ આ પરિણામો છે.
બિહારમાં એકવાર ભૂકંપ આવ્યો ત્યારે તેને ગાંધીજી આપણાં પાપોનું પરિણામ ગણાવ્યું હતું. કેટલાકને તે હાસ્યાસ્પદ વિધાન લાગ્યું પણ ઊંડાણથી જુઓ તો આખા કોસ્મિક જગતમાં દરેકનો -કુદરતથી સમાજ સુધીનો- પરસ્પર સંબંધ હોય જ છે. અત્યારે વિકાસના નામે પર્યાવરણનું નિકંદન કરવામાં આવે, અણુ કચરો સમુદ્રમાં ઠાલવવામાં આવે કે નાની મોટી નદીઓને કારખાનાઓના કેમિકલ પાણીથી ગંદા અને રોગગ્રસ્ત કરવામાં આવે કે બજારમાં શરીરને ખતમ કરી નાખતી ભેળસેળયુક્ત ચીજો પધરાવવામાં આવે અને સામ્રાજ્યવાદી અહમ માટે એકબીજા દેશો પર કાતિલ અવકાશી યુદ્ધ થાય, બળાત્કારો અને હત્યાઓ ચાલતી રહે તેની અસર થાય જ નહિ એવું માનો છો?
જો આધુનિક ટેકનૉલોજીથી દૂર સુધી આપણો અવાજ અને દ્રશ્ય પહોંચે છે તે જ રીતે ગંદી અને હિંસક ગતિવિધિની અસર પર દૂર સુધી પહોંચતી જ હોય છે. આમથી જન્મે છે અનિષ્ટ, આમથી પેદા થાય છે પ્રતિક્રિયા. અને તે પ્રતિક્રિયા માત્ર માણસ પૂરતી રહેતી નથી, કુદરતની દરેક ચીજ પર પડે છે. પહાડ, નદી, મેદાન, વૃક્ષ, સમુદ્ર બધે જ. વૈજ્ઞાનિકો બૂમ પાડીને કહે છે કે દુષ્કાળનો, કૃત્રિમ ગરમીનો, વિકૃતિનો સીધો સંબંધ આપના કૃત્યો સાથે હોય જ છે. જેવુ કરશો તેવું લણશો એવું કહેવાય છે તેની સાથે એ જોડવું જોઈએ કે જેવુ વિચારશો તેવું જગત બનશે અને તેવું ભોગવશો.
આ કઈ ધાર્મિક ઉપદેશ નથી, ક્રિયા, પ્રતિક્રિયા અને પરિણામોની સંયુક્ત સ્થિતિ છે. તેના પરિણામ ભોગવવા જ પડે, પછી તે ગૃહયુદ્ધ હોય, રમખાણ હોય, સરહદ પરની લડાઈ હોય, કે કુદરતી પ્રકોપ હોય. આ ખોવાઈ રહેલી ચિંતા અને ચિંતન યોગ્ય રીતે થાય તો જ સમાજની તંદુરસ્તી રહે. રશિયાના આક્રમક બહાવરાપણાથી યુક્રેનના જે સ્ત્રી-બાળકોની હત્યા થઈ તેનો ચિત્કાર રશિયન પાગલપણાને કોઈ અસર કરશે નહિ? સીધું સાદું ઉદાહરણ છે કે આપણે ઘણીવાર આસપાસ કુકર્મ અને લાંચ રૂશ્વત અને ભ્રષ્ટાચાર કરતા લોકોનો અનુભવ કરતા હોઈએ છીએ પણ તેમના કુટુંબ સ્વજનોની અને તેની પોતાની હાલત જોઈ છે? તેના બાળકો વિક્ષિપ્ત જન્મે, સંતાનો બેફામ બને, મારપીટ કરે, અસંખ્ય રોગો ચારેબાજુ રહે, કોર્ટકચેરી ના ઝઘડા થતાં રહે.. આ બધુ શું છે? મોટાભાગે આવા પરિણામો પણ આવે છે.
કેટલુક દેખાઈ આવે, કેટલુક નજરે ના ચડે. આમાં એક કે એકથી વધારે ખલનાયક હોય છે પણ દુષ્કૃત્યના ભાગીદાર તો બધા જ બને છે. રશિયામાં હમણાં એક વર્ગ એવો ઊભો થયો છે જે પુટીનના યુક્રેન પરના આક્રમણને ધુતકારે છે. સેનામાં જોડાઓ અભિયાન સરકારે ચલાવ્યું તેની ખિલાફ મહિલાઓ બહાર પડી. પોતાના સંતાનોને સૈન્યમાં જોડાવાની ના પાડી દીધી. એક રશિયન ચિંતકે આ વિશે લખ્યું કે આ સારું થયું. પુટીન જે કઈ કરે છે તેને રશિયાના ગૌરવ સાથે જરીકે ય નિસ્બત નથી.
સ્ટેલિન પણ પોતે રશિયા માટે લડી રહ્યો છે એવું કહેતો હતો. એક કરોડ લોકોને તેણે મારી નાખ્યા કે જેલખાનામાં પૂરી દીધા, તેનું પહેલું પરિણામ પોતાના ઘરમાં જ આવ્યું. દીકરી સ્વેતલાનાએ બળવો કર્યો, ભારત થઈને વિદેશોમાં ભાગી છૂટી અને રશિયામાં કેવા અમાનવીય કૃત્યો થઈ રહ્યા છે તે દુનિયાને જણાવ્યુ. પેલા ચિંતકે એવું લખ્યું છે કે તેમ છતાં એક વાસ્તવિક્તા સ્વીકારવી જોઈએ કે સ્ટેલિન અને પુટીનના કૃત્યોમાં આપણે પણ પ્રત્યક્ષ કે પરોક્ષ ભાગીદાર છીએ.આ સૂક્ષ્મ પ્રક્રિયા છે.
અઘરું લાગે આ વિશ્લેષણ કેમકે આપણાં વિચારનું વર્તુળ સાંકડું હોય છે, વ્યક્તિગત ગમા-અણગમા અને સ્વાર્થથી વધુ આગળ જઈ શકતા નથી એટ્લે ધર્મગુરુઓ પર બધુ છોડી દઈએ છીએ. ધર્મ અને કર્મકાંડમાં સંતોષ મેળવવો સ્વભાવ બની જાય છે. ચિંતનને તો હદપાર કરી દીધું ક્યારનું! ચીની કહેવત છે કે અફીણનું ઝાડ વાવીએ અને તેમાં દ્રાક્ષની આશા રાખીએ તે મૂર્ખતા છે પણ હવે તો મૂર્ખ અને ડાહ્યા વચ્ચેની ભેદરેખા જ ભૂંસાઈ રહી છે. ડાહી સાસરે ના જાય અને ગાંડીને શિખામણ આપે તેવો ઘાટ છે પણ સામૂહિક અને વ્યક્તિગત રીતે વિચારવું તો પડશે જ.
લેખકનો પરિચય :-
પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…
વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.
(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)