આર્થિક ગુનામાં આરોપીની ધરપકડ કરતી ED શુ છે ? ED નુ કામ શુ હોય છે ?
Rahul Gandhi's ED Appearance: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થવું પડશે. આ પહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ને સોમવારે નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Rahul Gandhi’s ED Appearance) સમક્ષ હાજર થવાનું છે. રાહુલ ગાંધીના દેખાવ પહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અગાઉ કોંગ્રેસે તેના વિરોધમાં શક્તિ પ્રદર્શન કરવાનું આયોજન કર્યું હતું. આ આયોજનમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ પાર્ટી હેડક્વાર્ટરથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate) હેડક્વાર્ટર સુધી રેલી કાઢવાના હતા, પરંતુ દિલ્હી પોલીસે પ્રસ્તાવિત રેલીને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો. આ પછી હવે કોંગ્રેસના કાર્યકરો જગ્યાએ જગ્યાએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને દિલ્હી પોલીસે ઘણા કોંગ્રેસી નેતાઓની અટકાયત કરી છે.
આ પહેલીવાર નથી કે જ્યારે ED ની કાર્યવાહીને લઈને હોબાળો થયો હોય. આ પહેલા પણ EDની કાર્યવાહીને લઈને અનેકવાર નિવેદનોથી લઈને પ્રદર્શનો થઈ ચૂક્યા છે અને ઘણી પાર્ટીઓના નેતાઓ ઈડી પર આરોપ લગાવતા રહે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીએ કે ED શું છે અને EDનું શું કામ છે. ઉપરાંત, જાણો કે ED કયા પ્રકારના કેસની તપાસ કરે છે અને શું પગલાં લઈ શકાય છે…
શું છે ED ?
આર્થિક ગુનાઓ અને વિદેશી વિનિમય કાયદાના ઉલ્લંઘનની તપાસ ED કરે છે. જેની સ્થાપના 1 મે, 1956 ના રોજ કરવામાં આવી હતી. ED એ ભારત સરકારના નાણા મંત્રાલયના મહેસૂલ વિભાગ હેઠળની એક વિશેષ નાણાકીય તપાસ એજન્સી છે અને તેનું મુખ્ય મથક નવી દિલ્હીમાં છે. આ સિવાય પણ ઘણી ઝોનલ ઓફિસો આવેલી છે. સામાન્ય માણસની દ્રષ્ટિએ, ED એ ભારતમાં આર્થિક કાયદાઓ લાગુ કરવા અને આર્થિક બાબતો સામે લડવા માટે કાયદા અમલીકરણ એજન્સી અને આર્થિક ગુપ્તચર એજન્સી છે.
ED શું કરે છે ?
EDના મુખ્ય કાર્યોમાં FEMAના ઉલ્લંઘન, ‘હવાલા’ વ્યવહારો અને વિદેશી હૂંડિયામણ સાથે સંકળાયેલા કેસોની તપાસનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે પહેલા ફેમાની જગ્યાએ ફેરી ના નામે કાયદો હતો. આર્થિક ઉદારીકરણની પ્રક્રિયાને કારણે, FERA (1973), જે એક નિયમનકારી કાયદો હતો, તેને 1 જૂન, 2000 થી ફોરેન એક્સચેન્જ એક્ટ (1999) દ્વારા બદલવામાં આવ્યો, જેને FEMA નામ આપવામાં આવ્યું છે.
આ સિવાય ઈન્ટરનેશનલ મની લોન્ડરિંગ સિસ્ટમને લઈને સરકાર દ્વારા નવો કાયદો ‘પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002’ (PMLA) બનાવવામાં આવ્યો અને EDને તેનું પાલન કરાવવા માટેની જવાબદારી સોપવામાં આવી છે.
આ સાથે, વિદેશમાં આશ્રય લેતા આર્થિક ગુનેગારોને લગતા કેસોની સંખ્યામાં વધારો થવાને કારણે, સરકારે ભાગેડુ આર્થિક અપરાધી અધિનિયમ, 2018 લાગુ કર્યો અને EDને 21 એપ્રિલ, 2018 થી તેને લાગુ કરવાનું કામ સોંપવામાં આવ્યું.
આ કાયદા શું છે?
ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, 1999 (FEMA) એ વિદેશી વેપાર અને ચૂકવણીની સુવિધાને લગતા કાયદાઓનો સમાવેશ કરીને ભારતમાં વિદેશી વિનિમય બજારના વ્યવસ્થિત વિકાસ અને જાળવણીને પ્રોત્સાહન આપવા માટે ઘડવામાં આવેલ નાગરિક કાયદો છે. હવે આ કાયદા સાથે જોડાયેલી બાબતો ED હેઠળ આવે છે.
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 (PMLA) તે મની લોન્ડરિંગ અટકાવવા અને મની લોન્ડરિંગથી મેળવેલ અથવા તો તેમા સામેલ આરોપીની મિલકતની જપ્તી અને તેની સાથે જોડાયેલ બાબતો માટે જોગવાઈ કરવા માટે ઘડવામાં આવેલ ફોજદારી કાયદો છે. આ કાયદા સાથે જોડાયેલી બાબતોની જવાબદારી પણ EDની છે.
ભાગેડુ આર્થિક અપરાધી અધિનિયમ, 2018 (FEOA) – આ કાયદો આર્થિક અપરાધીઓ કે જે ભારતની અદાલતોના અધિકારક્ષેત્રની બહાર વિદેશમાં ભાગીને ભારતીય કાયદાની પ્રક્રિયાને ટાળનારાઓને રોકવા માટે ઘડવામાં આવ્યો હતો. આ એક એવો કાયદો છે કે જેના હેઠળ ડિરેક્ટોરેટને, ભાગેડુ આર્થિક અપરાધીઓની સંપત્તિઓ અને તેમની મિલકતો કેન્દ્ર સરકાર દ્વારા જપ્ત કરવાનું કામ સોંપવામાં આવ્યું છે.
પ્રોટેક્શન ઓફ ફોરેન એક્સચેન્જ એન્ડ પ્રિવેન્શન ઓફ સ્મગલિંગ એક્ટિવિટી એક્ટ, 1974 (COFEPOSA) હેઠળ, ED પાસે FEMA ના ઉલ્લંઘનના સંદર્ભમાં નિવારક અટકાયતના કેસોનો સામનો કરવા માટે વિશેષ સત્તા છે.