હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં આવેલી સંજૌલી મસ્જિદને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે. હિન્દુ સમાજનો દાવો છે કે, મસ્જિદનું ગેરકાયદે બાંધકામ થયું છે અને તેને તોડી પાડવું જોઈએ. આ માંગને લઈને આજે બુધવારે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકો મસ્જિદ સુધી ના પહોંચે તે માટે, પોલીસે માર્ગમાં બેરિકેડ લગાવ્યા હતી, જેને લોકોએ તોડી નાખ્યા. પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો હતો. આનાથી લોકોમાં વઘુ રોષ ફેલાયો હતો. લોકોએ પોલીસ સાથે ઘર્ષણ પણ કર્યું હતું. જેમાં એક પોલીસકર્મી ઘાયલ થયો છે.
સંજૌલી મસ્જિદને લઈને પોતાનો વિરોધ નોંધાવવા લોકોએ સંજૌલી તરફ કૂચ કરવાનું શરૂ કર્યું. લોકોએ શિમલાના ધલ્લી ટનલ પાસે લગાવેલા બેરિકેડ્સ તોડી નાખ્યા હતા. હિંદુ સંગઠનોના આહ્વાન પર એકઠા થયેલા દેખાવકારોએ મસ્જિદ પાસેનો બીજો બેરિકેડ પણ તોડી નાખ્યો હતો. આ પછી પોલીસે તેમને વિખેરી નાખવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. દેખાવકારોને વિખેરવા માટે પોલીસે તેમના પર વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો હતો.
સંજૌલી વિસ્તારમાં મસ્જિદને લઈને વધી રહેલા તણાવ વચ્ચે સંજૌલી અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે પોલીસ દળ તૈનાત કરી દેવાયા છે. શિમલા જિલ્લા પ્રશાસને કલમ 163 લાગુ કરી છે. શિમલા જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે, વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા છે. જાહેર સ્થળોએ રેલીઓ, પરવાનગી વિના સરઘસ, વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરવા પર પ્રતિબંધ છે. આ આદેશ બુધવારે સવારે 7 વાગ્યાથી રાત્રે 11.59 વાગ્યા સુધી સમગ્ર સંજૌલીમાં લાગુ રહેશે.
હિંદુ સંગઠનોએ હિમાચલ પ્રદેશ રાજ્યમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવા અને બહારના લોકોની નોંધણીની માંગ માટે બંધનું આહ્વાન કર્યું હતું. આ પહેલા ગત ગુરુવારે ચૌડા મેદાનમાં ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. આ મામલે સીએમ સુખવિંદર સિંહ સુખુએ કહ્યું છે કે, આ મુદ્દાને રાજકીય રંગ ના આપવો જોઈએ. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી સરકારની છે. શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ કોઈ પણ સમુદાયના વ્યક્તિને કોઈ નુકસાન ના થવું જોઈએ.
#WATCH | Shimla Protests | Himachal Pradesh: Police lathi-charge the protestors in order to disperse them while they are on their way to the alleged illegal construction of a mosque in the Sanjauli area pic.twitter.com/u6MZxlpYdu
— ANI (@ANI) September 11, 2024
તેમણે કહ્યું કે રાજ્યમાં તમામ સમુદાયોનું સન્માન કરવામાં આવે છે. જ્યાં સુધી મસ્જિદનો પ્રશ્ન છે તો હાલ આ મામલો કોર્ટમાં છે. કાયદો તેનો માર્ગ અપનાવશે. આ મુદ્દે વહેલી તકે નિર્ણય લેવા વિનંતી કરવામાં આવશે. સાથે જ પોલીસ અધિક્ષકે લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે.