Punjab Flood : પંજાબના ફાઝિલ્કા, ગુરદાસપુર સહિત નવ જિલ્લાઓમાં પૂરના કારણે ભારે તબાહી સર્જાઈ છે. પૂર (Flood)ના કારણે રાજ્યના સરહદી જિલ્લાઓના ડઝનબંધ ગામોનો દેશથી સંપર્ક કપાઈ ગયો છે. બીજી તરફ ભાખડા નાંગલ અને પોંગ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. શુક્રવારે સાંજ સુધીમાં ભાખડામાંથી 66 હજાર 664 ક્યુસેક અને પોંગ ડેમમાંથી 79 હજાર 715 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : Gadar 2 Collection Day 8: Gadar 2એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, આઠમા દિવસે પણ કર્યું શાનદાર કલેક્શન
તેવી જ રીતે રણજીત સાગરમાંથી પણ 20 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ ડેમમાંથી છોડવામાં આવતા પાણીએ લગભગ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે. જ્યારે નવ જિલ્લા ડૂબવાની આરે પહોંચી ગયા છે.
સમગ્ર હાલત જોઈને રાજ્ય સરકારે ફિરોઝપુર અને ફાઝિલ્કા જિલ્લાની 26 શાળામાં જાહેર રજા જાહેર કરી દીઘી છે. આ બંન્ને જિલ્લામાં પ્રશાસને લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. પુર પ્રભાવિત વિસ્તારોમાં લોકોને ગુરુદ્વારા અને અન્ય સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. સરકારી રિપોર્ટ અનુસાર ફિરોઝપુર જિલ્લાના 15 ગામોનો દેશ સાથેનો સંપર્ક તૂટી ગયો છે.
બીજી તરફ સિંચાઈ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર હિમાચલ પ્રદેશમાં ગત રવિવારથી થઈ રહેલા ભારે વરસાદને કારણે ભાખડા ડેમની જળસપાટી સતત વધી રહી છે. અહીં સ્થિતિ નિયંત્રણ બહાર જઈ રહી છે. શુક્રવારે સાંજે આ ડેમની જળ સપાટી 1674.87 ફૂટે પહોંચી હતી. પરિસ્થિતિને જોતા અધિકારીઓએ ડેમમાંથી 66,664 ક્યુસેક પાણી છોડ્યું હતું. તેવી જ રીતે રણજીતસાગર ડેમની જળ સપાટી 521.74 મીટરે પહોંચી છે.
આ જિલ્લામાં પુરનું પાણી માત્ર ઘરોમાં જ આવ્યું નથી પરંતુ રસ્તાઓ પણ પાણીમાં ડુબી ગયા છે. તેમજ શાળાઓમાં પણ ધુંટણસમા પાણી ભરાયા છે.જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં પંજાબના 20 સરહદી ગામોમાં ફસાયેલા 2 હજારથી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે.