વન નેશન વન ઈલેકશન : શા માટે મોદી સરકારે JPC ને બિલ મોકલ્યું ?
મોદી સરકારે લોકસભામાં 'વન નેશન, વન ઇલેક્શન' બિલ રજૂ કર્યું છે. મોદી સરકારે આ બિલ પણ JPCને પણ મોકલી દીધું છે. વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન જેપીસીને મોકલાયેલું આ બીજું બિલ છે.
મોદી સરકારે દેશમાં ચૂંટણી સુધારાની દિશામાં એક મોટું પગલું ભર્યું છે. મોદી સરકારે લોકસભામાં ‘વન નેશન, વન ઇલેક્શન’ એટલે કે એક દેશ, એક ચૂંટણી સંબંધિત બિલ રજૂ કર્યું. કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે લોકસભામાં ‘બંધારણ (129મો સુધારો) બિલ 2024’ રજૂ કર્યું હતું, જેને કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળોએ બિલમાં રહેલી ખામીઓને ટાંકીને તેને બંધારણના સંઘીય માળખાની વિરુદ્ધ ગણાવી હતી. આ પછી, અર્જુન રામ મેઘવાલે આ બિલને વ્યાપક ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો.
એક દેશ એક ચૂંટણી સુધારણા બિલ પસાર કરવા માટે, સંસદમાં બે તૃતીયાંશ બહુમતીની જરૂર પડશે, જ્યારે અન્ય બિલ ફક્ત સામાન્ય બહુમતીથી પસાર થઈ શકે છે. આ માટે કેન્દ્ર સરકારે બંધારણમાં જરૂરી સુધારા કરવા પડશે અને આ માટે તેને બે તૃતીયાંશ બહુમતની જરૂર પડશે. આ પછી, જો રાજ્યોની સંમતિની જરૂર પડશે, તો વિરોધ પક્ષોના નેતૃત્વમાં રાજ્યો અવરોધો ઉભા કરશે.
બીજી વખત બિલ જેપીસીને મોકલવામાં આવ્યું
2014માં કેન્દ્રમાં મોદી સરકાર બન્યા બાદ આ બીજી વખત છે કે, સંસદમાં રજૂ કરાયેલ બિલ જેપીસીને મોકલવામાં આવ્યું હોય. અગાઉ, સરકારે વક્ફ સુધારા બિલ જેપીસીને મોકલ્યું હતું અને હવે તેણે ”વન નેશન, વન ઇલેક્શન’ સંબંધિત બિલ જેપીસીને મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ત્રીજી વખત સત્તામાં આવ્યા બાદ મોદી સરકાર મહત્વના બિલો માટે શા માટે JPCનો રસ્તો અપનાવી રહી છે?
સંસદમાં વન નેશન વન ઈલેક્શન બિલ પસાર કરવા માટે બે તૃતીયાંશ સભ્યોના સમર્થનની જરૂર પડશે. કાયદા પંચના જણાવ્યા અનુસાર, વન નેશન વન ઇલેક્શનનો પ્રસ્તાવ બંધારણની કલમ 328ને પણ અસર કરશે, જેના માટે મહત્તમ રાજ્યોની મંજૂરી લેવી પડી શકે છે. બંધારણની કલમ 368(2) મુજબ, આવા સુધારા માટે ઓછામાં ઓછા 50 ટકા રાજ્યોની મંજૂરી જરૂરી છે. આવી સ્થિતિમાં, જો રાજ્યો પાસેથી સહમતિ લેવાની જરૂર પડશે, તો મોટાભાગની બિન-ભાજપ સરકારો તેનો વિરોધ કરશે.
વિરોધ પક્ષોનો વિરોધ
2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની નંબર ગેમ બગડી છે. ભાજપ પાસે લોકસભામાં 240 સંસદ સભ્યો છે, જેના કારણે JDU, TDP અને શિવસેનાની મદદથી સરકાર બનાવવી પડી. લોકસભાની કુલ 543 બેઠકોમાંથી ભાજપની આગેવાની હેઠળની એનડીએ પાસે હાલમાં 292 બેઠકો છે. બે તૃતીયાંશ બહુમતી માટે 362ના આંકડા સુધી પહોંચવું જરૂરી છે. જ્યારે, NDA પાસે હાલમાં રાજ્યસભાની 245 બેઠકોમાંથી 112 બેઠકો છે, જ્યારે તેની પાસે 6 નામાંકિત સાંસદોનું સમર્થન પણ છે. જ્યારે વિપક્ષ પાસે 85 બેઠકો છે. બે તૃતીયાંશ બહુમતી માટે 164 સભ્યોની જરૂર છે.
વન નેશન વન ઈલેક્શનનો વિરોધ કરનાર સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ, એસપી, ટીએમસી, આમ આદમી પાર્ટી, આરજેડી, શિવસેના (યુબીટી), એનસીપી (એસપી), જેએમએમ અને ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ સહિત 15 પાર્ટીઓ છે. વાયએસઆર કોંગ્રેસ, ટીઆરએસ અને બીજેડી ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના ઘટક પક્ષો સાથે સમર્થનમાં છે. આમ છતાં, મોદી સરકાર માટે વિરોધ પક્ષોના સમર્થન વિના બે તૃતીયાંશ બહુમતી સાથે વન નેશન વન ઈલેક્શન બિલ પસાર કરવું શક્ય નથી.
જેપીસીમાં ભાજપનો દબદબો
મોદી સરકારે ભલે એક દેશ, એક ચૂંટણી સાથે સંબંધિત બિલને જેપીસીમાં મોકલી દીધું હોય, પરંતુ ત્યાં પણ તેનું વર્ચસ્વ રહેશે. લોકસભા અને રાજ્યસભાના સાંસદોને સંખ્યાના આધારે જેપીસીમાં સામેલ કરવામાં આવે છે. લોકસભા અને રાજ્યસભામાં ભાજપના સૌથી વધુ સાંસદો છે. આવી સ્થિતિમાં જેપીસીમાં ભાજપ પાસે સૌથી વધુ સભ્યો હશે. આ રીતે જેપીસી દ્વારા લેવાતા ઓપિનિયન પોલ અથવા ચર્ચામાં ભાજપનું વર્ચસ્વ રહેશે અને વિરોધ પક્ષોના સભ્યોની સંખ્યા ઓછી રહેશે.
વકફ બોર્ડ સંબંધિત બિલ પર ચર્ચા કરવા માટે રચવામાં આવેલી જેપીસીમાં ભાજપનું વર્ચસ્વ જળવાઈ રહ્યું છે. આટલું જ નહીં વકફ સંબંધિત જેપીસીની કમાન ભાજપના સાંસદ જગદંબિકા પાલના હાથમાં છે. એ જ રીતે, એક દેશ અને એક ચૂંટણી સંબંધિત બિલ પર રચાનારી જેપીસીમાં પણ ભાજપ અને તેના સહયોગી પક્ષોનું વર્ચસ્વ રહેશે.
જેપીસીની ચર્ચા બાદ મોદી સરકાર આ બિલને સંસદમાં રજૂ કરશે. મોદી સરકાર બિલ પર સર્વસંમતિ બનાવવા માંગે છે. સરકારે તેને વિગતવાર ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિને મોકલી છે. આ રીતે મોદી સરકાર એક એવો સંદેશ આપવાનો પ્રયાસ કરી રહી છે કે અમે સર્વસંમતિ અને ચર્ચા બાદ બિલ લાવી રહ્યા છીએ.
કેન્દ્ર સરકારનો દાવો છે કે ‘વન નેશન, વન ઈલેક્શન’ ચૂંટણી સુધારાની દિશામાં એક મોટું પગલું સાબિત થશે. સરકારનું માનવું છે કે આનાથી ચૂંટણી ખર્ચમાં ઘટાડો થશે, વિકાસ કાર્યોમાં ઝડપ આવશે અને સરકારી કર્મચારીઓને રિકરિંગ ચૂંટણી ફરજોમાંથી મુક્તિ મળશે. સાથે જ વિપક્ષનું કહેવું છે કે આ બિલમાં ઘણી ખામીઓ છે. તેમનું કહેવું છે કે આ બંધારણના સંઘીય માળખાની વિરુદ્ધ છે. આ કારણે જ મોદી સરકારે જેપીસીને સંકલન કરવા માટે મોકલી છે.