લોકસભામા OBC અનામત માટે બંધારણ સુધારણા બિલ વિના વિરોધે પસાર કરાયુ છે. લોકસભામાં આ બિલના સમર્થમાં 385 સભ્યોએ મત આપ્યો હતો. કોઈ સભ્યોએ OBC અનામત માટે બંધારણ સુધારણા બિલનો વિરોધ કર્યો નથી.
OBC અનામત માટે બંધારણ સુધારણા બિલ પસાર થતા હવે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અન્ય પછાત વર્ગ (OBC) ની યાદી તૈયાર કરવાનો અધિકાર મળશે. આ વર્ષે 5 મેના રોજ સુપ્રીમ કોર્ટે, મરાઠા અનામતને લગતા કેસ પર સમીક્ષા કરવાની અરજીની સુનાવણી કરવાની માંગને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 102 માં બંધારણીય સુધારા બાદ માત્ર કેન્દ્રને જ OBC યાદી જારી કરવાનો અધિકાર છે. રાજ્યોને નહી.
અગાઉના બિલ પર વિગતવાર ચર્ચા
ઓબીસી બીલ પસાર થયા અગાઉ સંસદમાં ઓબીસી બિલ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા દરમિયાન સરકાર દ્વારા કહેવામાં આવ્યું કે આ બિલ રજૂ થયા બાદ રાજ્ય સરકારોને ઓબીસી જ્ઞાતિની યાદી તૈયાર કરવાનો અધિકાર મળશે. કોંગ્રેસ સહિત અન્ય તમામ વિરોધ પક્ષોએ પણ આ બિલને ટેકો આપ્યો છે. આ સાથે, વિપક્ષી દળોએ ગૃહમાં અનામતની મર્યાદા 50 ટકાથી વધારવાની માંગ પણ કરી છે.
વિરેન્દ્ર કુમારે ઐતિહાસિક કાયદો ગણાવ્યો
સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન વીરેન્દ્ર કુમારે ‘બંધારણ (127 મો સુધારો) બિલ, 2021’ ને ઐતિહાસિક કાયદો ગણાવ્યો હતો. તેમણે કહ્યુ કે, આ બિલ થકી, દેશની 671 જાતિઓને ફાયદો થશે. તેમણે કહ્યું કે બિલ રાજ્યોને ઓબીસીની પોતાની યાદી તૈયાર કરવાના અધિકારોને પુનઃ પ્રસ્થાપિત કરશે જેથી વિવિધ સમુદાયોને સામાજિક અને આર્થિક રીતે ન્યાય આપી શકાય. વીરેન્દ્ર કુમારે કહ્યું કે બિલને 105 મા બંધારણીય સુધારા બિલ તરીકે ગણવું જોઈએ.
કોંગ્રેસે પણ સંપૂર્ણ ટેકો આપ્યો હતો
બિલ ઉપર ચર્ચાની શરૂઆત કરતા, લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ બિલને તેમના પક્ષનો સંપૂર્ણ ટેકો હોવાનું જણાવ્યુ હતું. પરંતુ 2018 ના સુધારા માટે સરકારની ટીકા કરતા કહ્યું કે, જો સરકારે વિપક્ષ દ્વારા સૂચવેલા સૂચનમાં આ બિલમાં મૂક્યું હોત તો આજની સ્થિતિ ઉભી ના થાત. તેમણે કહ્યું, તમે 2018 માં 102 બંધારણીય સુધારા બિલ લાવીને બંધારણ બદલ્યું, જેનાથી લોકોને કોર્ટમાં જવાની તક મળી અને અંતે સુપ્રીમ કોર્ટે આપેલા ચૂકાદાથી રાજ્યોની સત્તા છીનવાઈ ગઈ હતી.
Published On - 8:34 pm, Tue, 10 August 21