અવિશ્વાસ પ્રસ્તાવ : સૌથી વધુ ઈન્દિરા ગાંધી વિરુદ્ધ રજૂ થયો હતો પ્રસ્તાવ, મનમોહન સિંહ વિરુદ્ધ એક પણ નહીં, જાણો વિપક્ષે કેટલી વાર રજૂ કર્યો અવિશ્વાસ પ્રસ્તાવ ?
No-confidence motion : મોદી સરકાર સામે લાવવામાં આવેલ અવિશ્વાસના પ્રસ્તાવને લઈને ફરી એકવાર ચર્ચા થઈ રહી છે કે આ અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થશે કે નહી ? દેશમાં અત્યાર સુધીમાં કઈ સરકાર સામે કેટલી વખત અને કોણ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા?
ભારતના ઈતિહાસમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની પ્રક્રિયા દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના સમયમાં શરૂ થઈ હતી. 1963માં આચાર્ય કૃપાલાનીએ પંડિત જવાહરલાલ નેહરુ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવની તરફેણમાં માત્ર 62 વોટ જ પડ્યા હતા, જ્યારે અવિશ્વાસના પ્રસ્તાવની વિરુદ્ધમાં 347 વોટ પડ્યા હોવાનું સમાચાર એજન્સી પીટીઆઈએ જણાવ્યું છે.
આ પછી ઈન્દિરા ગાંધી અને અટલ બિહારી વાજપેયી સહિત અનેક વડાપ્રધાનોને અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો પડ્યો હતો. ઈતિહાસની વાત કરીએ તો, અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર થયેલા મતદાનમાં હારી જવાને કારણે ત્રણ વડાપ્રધાનોએ, રાજીનામું આપવું પડ્યું હતું.
વાસ્તવમાં જો અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનમાં સરકારનો પરાજય થાય છે તો વડાપ્રધાન સહિત સમગ્ર મંત્રી પરિષદને રાજીનામું આપવું પડે છે. આવી સ્થિતિમાં, શું તમે જાણો છો કે કયા વડાપ્રધાનને કેટલી વખત અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો પડ્યો છે?
અવિશ્વાસના પ્રસ્તાવથી કોની સરકાર પડી ?
અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાને કારણે 1990માં વીપી સિંહની સરકાર પડી ગઈ હતી. 1997માં એચ ડી દેવગૌડાની સરકાર અને 1999માં અટલ બિહારી વાજપેયીની સરકાર પણ અવિશ્વાસના પ્રસ્તાવ પર બહુમતી મેળવી ના શકવા બદલ પડી ગઈ. નવેમ્બર 1990માં વીપી સિંહ વિરુદ્ધ ઠરાવ લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન ભાજપે રામ મંદિરના મુદ્દે સમર્થન પાછું ખેંચ્યું હતું. આ પ્રસ્તાવની તરફેણમાં 346 વોટ પડ્યા હતા, જ્યારે અવિશ્વાસના પ્રસ્તાવની વિરુદ્ધમાં 142 વોટ પડ્યા હતા.
વર્ષ 1997માં એચડી દેવગૌડા વિરુદ્ધ લાવવામાં આવેલા ઠરાવમાં 292 સાંસદોએ સરકાર વિરુદ્ધ મતદાન કર્યું હતું. અને 158 સાંસદોએ સરકારને સમર્થન આપ્યું હતું. તે જ સમયે, 17 એપ્રિલ, 1999 ના રોજ અટલ બિહારી વાજપેયી અવિશ્વાસ પ્રસ્તાવમાં એક મતથી હાર્યા હતા. આવું એટલા માટે થયું કારણ કે AIADMKએ પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું હતું.
પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ ક્યારે લાવવામાં આવ્યો હતો?
ઓગસ્ટ 1963માં આચાર્ય કૃપાલાનીએ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવી હતી. આ અંગેની ચર્ચા બાદ તેની તરફેણમાં માત્ર 62 વોટ પડ્યા હતા જ્યારે તેની વિરુદ્ધમાં 347 વોટ પડ્યા હતા.
લાલ બહાદુર શાસ્ત્રી સામે અવિશ્વાસ પ્રસ્તાવ ક્યારે લાવવામાં આવ્યો?
2 સપ્ટેમ્બર 1964ના રોજ, એનસી ચેટર્જી… લાલ બહાદુર શાસ્ત્રી સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા. આના પર મતદાન 18 સપ્ટેમ્બરના રોજ થયું હતું પરંતુ ચેટર્જી લાલ બહાદુર શાસ્ત્રીની સરકારને તોડી પાડવામાં નિષ્ફળ રહ્યા હતા. આ પછી માર્ચ 1965 અને ઓગસ્ટ 1965ના રોજ લાલ બહાદુર શાસ્ત્રી વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો, પરંતુ જે લોકો પ્રસ્તાવ લાવ્યા હતા તેઓ એક પણ વખત સફળ થઈ શક્યા ન હતા.
ઈન્દિરા ગાંધી વિરુદ્ધ કેટલી વાર અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો ?
ઈન્દિરા ગાંધી વિરુદ્ધ સૌથી વધુ એટલે કે 15 વખત અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. જ્યારે ઈન્દિરા ગાંધી પહેલીવાર PM બન્યા ત્યારે તેઓ રાજ્યસભાના સાંસદ હતા. સીપીઆઈ સાંસદ હિરેન્દ્રનાથ મુખર્જી ઓગસ્ટ 1966માં તેમની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા હતા. 270 સાંસદોએ તેના સમર્થનમાં મતદાન કર્યું જ્યારે 270 સાંસદોએ તેનો વિરોધ કર્યો.
આ પછી, નવેમ્બર 1966 માં, ભારતીય જનસંઘના નેતાઓ તેમની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા, પરંતુ તે પણ સફળ થઈ શક્યા નહીં. અટલ વિહારી વાજપેયીએ પણ તેમની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ સફળ થયા ન હતા.
નવેમ્બર 1967, ફેબ્રુઆરી 1968 અને નવેમ્બર 1968માં પણ ઈન્દિરા ગાંધી વિરુદ્ધ ફરી એકવાર અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો. આ સિવાય ફેબ્રુઆરી 1969, જુલાઈ 1970, નવેમ્બર 1973 અને મે 1974માં પણ તેમની વિરુદ્ધ દરખાસ્ત લાવવામાં આવી હતી.
ફરી મે 1975માં ઈન્દિરા ગાંધી સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો. તેમની સામે મે 1981, સપ્ટેમ્બર 1981 અને ઓગસ્ટ 1982માં પણ આવા જ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. ઈન્દિરા ગાંધીની સરકાર કોઈપણ અવિશ્વાસની દરખાસ્તમાં ગઈ ન હતી. તે જ સમયે, મોરારજી દેસાઈએ 1979 માં અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કર્યા વિના પીએમ પદ છોડી દીધું હતું.
એક જ વર્ષમાં બે વખત અવિશ્વાસ પ્રસ્તાવ
આ પછી ડિસેમ્બર 1987માં સી. માધવ રેડ્ડી રાજીવ ગાંધીની સરકાર વિરુદ્ધ ઠરાવ લાવ્યા, પરંતુ તે સફળ ન થઈ શક્યા. ત્યારબાદ જુલાઈ 1992માં બીજેપી નેતા જસવંત સિંહ પીવી નરસિમ્હા રાવ વિરુદ્ધ ઠરાવ લાવ્યા. આના પર મતદાન 17 જુલાઈ 1992ના રોજ થયું હતું. 225 સાંસદોએ પ્રસ્તાવની તરફેણમાં અને 271 સાંસદોએ વિરોધમાં મતદાન કર્યું હતું.
આ વર્ષે ડિસેમ્બર મહિનામાં અટલ વિહારી વાજપેયી પીવી નરસિમ્હા રાવ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા હતા. જેમાં 21 કલાકની ચર્ચા બાદ 111 લોકોએ પ્રસ્તાવના સમર્થનમાં જ્યારે 336 સાંસદોએ તેના વિરોધમાં વોટિંગ કર્યું હતું. આ પછી ફરીથી પીવી નરસિમ્હા રાવને જુલાઈ 1993માં તેનો સામનો કરવો પડ્યો હતો. અહીં પણ તેઓ જીત્યા અને પીએમ રહ્યા.
સોનિયા ગાંધી અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અટલ વિહારી વાજપેયી વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા હતા. 189 સાંસદોએ તેના સમર્થનમાં જ્યારે 314એ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. બીજી તરફ મનમોહન સિંહના દસ વર્ષના કાર્યકાળમાં તેમની વિરુદ્ધ એક પણ ઠરાવ લાવવામાં આવ્યો ન હતો.