વિશ્વના અર્થતંત્ર પર રાજ કરનાર યુએસ ડોલરને, જિનપિંગની મદદથી મોદી-પુતિનની જોડી નબળો પાડશે
હાલમાં સમગ્ર વિશ્વમાં એક દેશમાંથી બીજા દેશમાં આર્થિક વ્યવહાર કરવા માટે યુએસ ડોલરનું ચલણ સર્વસ્વીકૃત છે. જો કે અમેરિકાની કેટલીક નીતિઓને કારણે બ્રિક્સ દેશ હવે તેમનુ પોતાનું ચલણ અમલમાં લાવવા ગંભીર પ્રયાસ કરી રહ્યા છે. સંભવ છે કે, રશિયામાં યોજાનાર બ્રિક્સ દેશોની બેઠકમાં બ્રિક્સ ચલણ માટે નિર્ણય લેવાશે.
BRICS સમૂહમાં મૂળભૂત રીતે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. તેમાં કેટલાક અન્ય દેશોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમા ઈજિપ્ત, ઈથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે. હવે આ તમામ દેશો મળીને, નવી કરન્સી વિશે વિચારી રહ્યા છે.
રશિયાના કાઝાનમાં 22 થી 24 ઓક્ટોબર દરમિયાન યોજાનારી BRICS સમિટમાં આ મુદ્દા પર ચર્ચા થવાની પૂરેપુરી સંભાવના છે. જો નવા ચલણ પર સહમતિ સંધાય છે, તો તેના સભ્ય દેશો યુએસ ડોલરના બદલામાં આ નવા બ્રિક્સ ચલણમાં પરસ્પર આર્થિક વ્યવહાર કરાશે. જો બ્રિક્સ દેશ ડોલરને બદલે બ્રિક્સ ચલણમાં આર્થિક વ્યવહાર કરતા થશે તો અમેરિકા અને અમેરિકન કરન્સી માટે મોટો ફટકો સાબિત થશે.
વર્તમાન આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થામાં યુએસ ડોલરનું વર્ચસ્વ છે. વૈશ્વિક વેપારમાં અમેરિકન ડોલરના ચલણનો હિસ્સો લગભગ 90 ટકા છે. લગભગ 100 ટકા તેલનો વેપાર યુએસ ડોલરમાં થાય છે. અમેરિકા વિરુદ્ધના આ અભિયાનમાં ચીન, ભારત અને રશિયાને પણ સાથ આપી શકે છે. તેનું સૌથી મોટું કારણ અમેરિકાનું ચીન સાથેનું ટ્રેડ વોર છે.
જો બ્રિક્સ દેશ નવા બ્રિક્સ ચલણની શરૂઆત કરશે, તો તે યુએસ ડોલર પર નોંધપાત્ર અસર કરશે. યુનાઇટેડ સ્ટેટ્સ અને વૈશ્વિક અર્થતંત્રો ઉપર પણ આની અસરો પડશે. બ્રિક્સ ચલણ ક્યારે અમલમાં લાવવામાં આવશે તેની આગાહી કરવી હજુ ખૂબ જ વહેલું છે, પરંતુ બ્રિક્સ ચલણની સંભવિતતા અને રોકાણકારો માટે તેની સંભવિત અસરોને જોવાનો હવે યોગ્ય સમય છે.
BRICS દેશો શા માટે નવું ચલણ બનાવવા માંગે છે ?
બ્રિક્સ દેશો વચ્ચે નવું ચલણ સ્થાપિત કરવા ઈચ્છવાના ઘણા કારણો છે. તાજેતરના વૈશ્વિક નાણાકીય પડકારો અને આક્રમક યુએસ વિદેશ નીતિઓએ બ્રિક્સ દેશોને નવા ચલણ શોધવા અને બ્રિક્સ દેશ વચ્ચે આર્થિક વ્યવહારની શક્યતા શોધવા માટે પ્રોત્સાહિત કર્યા છે. તેઓ યુએસ ડોલર અને યુરો પર વૈશ્વિક અવલંબન ઘટાડીને તેમના પોતાના આર્થિક હિતોને વધુ સારી રીતે સેવા આપવા માંગે છે.
બ્રિક્સ ચલણ ક્યારે જાહેર કરાશે ?
હજી સુધી બ્રિક્સ ચલણ અંગે પુષ્ટિ કે તેને અમલમાં લાવવા માટેની તારીખ નથી, પરંતુ બ્રિક્સ દેશોના નેતાઓએ નવા ચલણ અંગેની શક્યતા અંગે વિગતવાર ચર્ચા કરી છે. 2022ના મધ્યમાં યોજાયેલ 14મી બ્રિક્સ સમિટ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે, બ્રિક્સ દેશો નવી વૈશ્વિક અનામત ચલણ જાહેર કરવાની યોજના બનાવી રહ્યા છે.
એપ્રિલ 2023 માં, બ્રાઝિલના પ્રમુખ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ પણ બ્રિક્સ ચલણ માટે સમર્થન દર્શાવતા કહ્યું, “બ્રાઝિલ અને ચીન વચ્ચે, તેમજ અન્ય તમામ બ્રિક્સ દેશો વચ્ચેના વેપાર સંબંધોને નાણાં આપવા માટે બ્રિક્સ બેંક જેવી સંસ્થા પાસે ચલણ શા માટે હોવું જોઈએ? “