ભારતે પોતાની સ્વદેશી K-4 મિસાઈલનું સફળ પરીક્ષણ કરીને દુનિયાને પોતાની તાકાત બતાવી છે. આ લાંબા અંતરની પરમાણુ મિસાઈલ છે. તેને INS અરિઘાત નામની સબમરીનથી છોડવામાં આવી હતી. આ પરીક્ષણ સાથે ભારત દક્ષિણ-પૂર્વ એશિયામાં વધુ શક્તિશાળી દેશ બની ગયો છે. 27 નવેમેબરના રોજ ભારતીય નૌકાદળ દ્વારા આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સાથે ભારત એવા દેશોમાં સામેલ થઈ ગયું છે, જે સબમરીનમાંથી પરમાણુ મિસાઈલ છોડવાની ક્ષમતા ધરાવે છે.
3,500 કિમીની રેન્જ ધરાવતી આ બેલિસ્ટિક મિસાઇલની રેન્જમાં આખું પાકિસ્તાન અને અડધું ચીન આવી જાય છે. આ K-4 મિસાઈલનું સફળ પરીક્ષણ ભારતની સંરક્ષણ ક્ષમતાઓમાં એક સીમાચિહ્નરૂપ છે. તેને DRDO દ્વારા બનાવવામાં આવી છે. આ મિસાઈલ પાણીની અંદરથી દુશ્મનના પ્રદેશને ચોક્કસ નિશાન બનાવી શકે છે.
આ પરીક્ષણથી ભારતની પરમાણુ શક્તિ વધુ મજબૂત બની છે. આ ભારતની ‘નો ફર્સ્ટ યુઝ’ નીતિને અનુરૂપ છે. મતલબ ભારત પહેલા પરમાણુ હથિયારોનો ઉપયોગ નહીં કરે, પરંતુ જો કોઈ હુમલો કરે તો તેનો જવાબ આપવા માટે તૈયાર છે. તેનાથી ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારતની સુરક્ષા સ્થિતિ મજબૂત બને છે.
ભારતીય નૌકાદળ અને DRDOએ સમુદ્રમાં એક મહત્વપૂર્ણ સિક્રેટ પરીક્ષણ હાથ ધર્યું હતું, જેમાં ભારતીય નૌકાદળે તેની પરમાણુ સંચાલિત સબમરીન INS અરિઘાતથી K-4 SLBM મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણ બાદ ભારત હવે દરિયામાંથી પરમાણુ હુમલા કરી શકશે જેના કારણે ભારતની પરમાણુ શક્તિમાં વધારો થયો છે.
K-4 SLBM મિસાઈલની રેન્જ 3500 કિલોમીટર છે અને તેનું વજન લગભગ 17 ટન છે. આ મિસાઈલ 39 ફૂટ લાંબી અને 4.3 મીટર પહોળી છે. તેની અંદર સોલિડ રોકેટ મોટર અને સોલિડ પ્રોપેલન્ટ છે, જે તેને ઉચ્ચ ક્ષમતા પ્રદાન કરે છે. આ મિસાઈલ 2500 કિલોગ્રામ સુધીના ન્યુક્લિયર વોરહેડ લઈ જવા માટે સક્ષમ છે, જે ભારતને શક્તિશાળી ‘સેકન્ડ સ્ટ્રાઈક’ ક્ષમતા આપે છે. આ મિસાઈલને સબમરીનનો ઉપયોગ કરીને પાણીની અંદરથી છોડવામાં આવે છે.
K-4 મિસાઈલ સોલિડ ઈંધણથી ભરેલી છે અને બુસ્ટ-ગ્લાઈડ ટેક્નોલોજી સાથે ઉડે છે. આ કારણે દુશ્મનના રડારથી તેને પકડવી મુશ્કેલ છે. તે કોઈપણ એન્ટી-બેલિસ્ટિક મિસાઈલ સિસ્ટમને ડોજ કરી શકે છે. તેમાં સેટેલાઇટની મદદથી નેવિગેશન સિસ્ટમ અપડેટ કરવાની પણ સુવિધા છે. આ તેની સચોટતા વધારે છે. દુનિયાના બહુ ઓછા દેશો પાસે આ પ્રકારની મિસાઈલ છે.
સંરક્ષણ નિષ્ણાતો કહે છે કે સબમરીનમાંથી પરમાણુ શસ્ત્રો ફાયર કરવાની ક્ષમતા જમીન કે હવામાંથી છોડવામાં આવેલા શસ્ત્રો કરતાં વધુ સુરક્ષિત છે. કારણ કે સબમરીન પાણીની નીચે છુપાયેલી રહે છે અને દુશ્મન માટે તેને પારખવું સરળ નથી. તેથી દુશ્મન માટે સબમરીન પર હુમલો કરવો મુશ્કેલ છે.
આ K-4 મિસાઈલનું પ્રથમ પરીક્ષણ હતું, જે સબમરીનથી કરવામાં આવ્યું હતું. તે સોલિડ ઈંધણ આધારિત મિસાઈલ છે, જેનું છેલ્લા કેટલાક વર્ષોમાં ઓછામાં ઓછું પાંચ વખત પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ વખતે તેનું પરીક્ષણ લગભગ તેની સંપૂર્ણ ક્ષમતા સાથે કરવામાં આવ્યું છે.
વિશાખાપટ્ટનમ નજીક 2010માં પાણીની નીચે 160 ફૂટ નીચે એક પોન્ટૂનમાંથી પ્રથમ સફળ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આ પછી વર્ષ 2014 માં પોન્ટૂનથી બીજું સફળ પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. 2 વર્ષ પછી એટલે કે 2016માં INS અરિહંતથી 700 કિમીની રેન્જનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જો કે, 2017માં પોન્ટૂન લોન્ચ નિષ્ફળ ગયું હતું. પરંતુ 3 વર્ષ બાદ 2020માં પોન્ટૂનથી 3500 કિમીની રેન્જનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પછી 2024 માં INS અરિઘાતથી પ્રથમ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે.
K-4 મિસાઇલનું પરીક્ષણ INS અરિઘાત દ્વારા કરવામાં આવ્યું હતું. INS અરિઘાત સબમરીન 6,000 ટનની છે અને તેને ઓગસ્ટમાં સેનામાં સામેલ કરવામાં આવી હતી. આ સબમરીનમાંથી મિસાઈલનું સફળ પરીક્ષણ ભારતની તકનીકી ક્ષમતાને વધુ મજબૂત બનાવે છે. અરિઘાતને 2017માં લોન્ચ કરવામાં આવી હતી. તેનું અપગ્રેડેડ વર્ઝન ટૂંક સમયમાં કાર્યરત થશે. અરિઘાત એ INS અરિહંતનું અપગ્રેડેડ વર્ઝન છે. તેને વિશાખાપટ્ટનમમાં ભારતીય નૌકાદળના જહાજ નિર્માણ કેન્દ્ર (SBC) ખાતે બનાવવામાં આવી હતી. અરિહંતની સરખામણીમાં અરિઘાત 3500 કિમીની રેન્જ સાથે K-4 મિસાઈલથી સજ્જ હશે.
ભારતીય નૌકાદળે અત્યાર સુધીમાં 3 પરમાણુ સબમરીન તૈયાર કરી છે. તેમાંથી, એક અરિહંત કાર્યરત છે, બીજી અરિઘાત મળવાની છે અને ત્રીજી S3 પર પરીક્ષણ ચાલી રહ્યું છે. આ સબમરીન દ્વારા દુશ્મન દેશો પર ન્યુક્લિયર મિસાઈલ છોડી શકાય છે. 2009માં પ્રથમ વખત INS અરિહંતને કારગિલ વિજય દિવસના અવસર પર ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની પત્ની દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. આ પછી તેને 2016માં નેવીમાં સામેલ કરવામાં આવી હતી.
2009માં તેને લોન્ચ કરતા પહેલા ભારતે સબમરીનને દુનિયાથી છુપાવી હતી. 1990માં ભારત સરકારે ATV એટલે કે એડવાન્સ ટેક્નોલોજી વેસેલ પ્રોગ્રામ શરૂ કર્યો. તેના અંતર્ગત જ આ સબમરીનનું નિર્માણ શરૂ થયું હતું.
આ પરીક્ષણ બાદ ભારતનું ન્યુક્લિયર સ્ટ્રાઈક ઝોન હવે સમુદ્રમાં પણ વિસ્તર્યું છે. આ પરીક્ષણ પછી ભારત ચીન પછી એશિયાનો બીજો દેશ બની ગયો છે જે સબમરીનથી પરમાણુ હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. ભારત સહિત વિશ્વના માત્ર 6 દેશો જ પરમાણુ ન્યુક્લિયર ટ્રાયડ દેશો છે. INS અરિઘાત પણ અરિહંત જેટલી જ સક્ષમ છે. અરિહંત પરથી K-15 SLBMનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સાથે અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીન બાદ ભારત વિશ્વનો છઠ્ઠો સબમરીનથી પરમાણુ હુમલો કરવાની ક્ષમતા ધરાવતો દેશ બન્યો છે.
માહિતી અનુસાર, ભારત આવતા વર્ષે ફેબ્રુઆરીમાં તેની ત્રીજી સ્વદેશી પરમાણુ સબમરીન INS Aridmanને પણ નેવીમાં સામેલ કરશે. INS Aridman K-4 અને આવનારી K-5 બેલેસ્ટિક મિસાઈલોથી સજ્જ હશે. K-5 મિસાઈલની રેન્જ 5000 કિલોમીટર સુધીની હોઈ શકે છે, જે ભારતની પરમાણુ શક્તિને વધુ મજબૂત બનાવશે.
ભારતીય નૌકાદળ અને DRDOની આ સફળતા દેશની સુરક્ષા અને વ્યૂહાત્મક તાકાત માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આ સફળતા પછી દુશ્મનોને જવાબ આપવાની ભારતની ક્ષમતા વધી ગઈ છે કારણ કે સબમરીન આધારિત મિસાઈલને ટ્રેક કરવી અત્યંત મુશ્કેલ છે.
આ ડિફેન્સ સિસ્ટમ વિવિધ રેન્જની બેલેસ્ટિક મિસાઈલો સામે રક્ષણ આપવા માટે બનાવવામાં આવી છે. આ માટે દ્વિસ્તરીય ઇન્ટરસેપ્ટર મિસાઇલ બનાવવામાં આવી છે.
પૃથ્વી એર ડિફેન્સ (PAD) – આ ડિફેન્સ સિસ્ટમની મિસાઈલ ખૂબ જ ઊંચાઈ પર જઈને દુશ્મન દેશની મિસાઈલ અથવા અન્ય હવાઈ ખતરાને નષ્ટ કરી શકે છે. જેમાં પૃથ્વી શ્રેણીની તમામ મિસાઈલોનો સમાવેશ થાય છે. મિસાઇલોની રેન્જ 300 થી 2000 કિમી છે. આ જમીનથી 80 કિલોમીટર ઉપરના લક્ષ્યોને નષ્ટ કરી શકે છે. તેમની ઝડપ લગભગ 6000 કિમી/કલાક છે.
એડવાન્સ્ડ એર ડિફેન્સ (AAD) – તેની મિસાઈલો ઓછી ઉંચાઈવાળા લક્ષ્યોને નષ્ટ કરવા માટે બનાવવામાં આવી છે. આ મિસાઈલ સિસ્ટમ 5000 કિમી કે તેથી વધુ દૂરથી જોખમોને નષ્ટ કરી શકે છે. આ 30 કિલોમીટરની ઉંચાઈ સુધીના લક્ષ્યોને હિટ કરી શકે છે. તેની રેન્જ 150 થી 200 કિમી છે અને ઝડપ 5500 કિમી/કલાક છે.