Lok Sabha Election 2024 : કોંગ્રેસે ગુજરાત, મધ્યપ્રદેશ-રાજસ્થાન સહિત છ રાજ્યોના 43 ઉમેદવારોની યાદી કરી જાહેર
કોંગ્રેસે આજે મંગળવારે લોકસભા ચૂંટણી માટે બીજી યાદી જાહેર કરી છે. કોંગ્રેસની બીજી યાદીમાં ગુજરાત સહીત 6 રાજ્યોમાંથી 43 બેઠકના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે જાહેર કરેલી યાદીમાં આસામના 12, ગુજરાતના 7, મધ્યપ્રદેશના 10, રાજસ્થાનના 10, ઉત્તરાખંડના 3 અને દમણમાંથી 1 ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે.

કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે આજે 12મી માર્ચના રોજ બીજી યાદી જાહેર કરી છે. કોંગ્રેસની બીજી યાદીમાં કુલ 43 મતવિસ્તારના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે ઉમેદવારોના નામની જાહેરાત કરતા કહ્યું કે, અમે લોકસભા ચૂંટણી માટે અમારા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલ નાથને મધ્યપ્રદેશના છિંદવાડાથી ટિકિટ આપવામાં આવી છે. જયારે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને જાલોરથી ટિકિટ આપવામાં આવી છે.
કોંગ્રેસે આજે મંગળવારે લોકસભા ચૂંટણી માટે 43 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. કોંગ્રેસની બીજી યાદીમાં ગુજરાત સહીત 6 રાજ્યોમાંથી કુલ 43 નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આસામના 12, ગુજરાતના 7, મધ્યપ્રદેશના 10, રાજસ્થાનના 10, ઉત્તરાખંડના 3 અને દમણમાંથી 1 ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસની આ યાદીમાં 13 OBC, 10 SC, 9 ST અને એક મુસ્લિમ ઉમેદવારનો સમાવેશ થાય છે.
ગુજરાતના સાત ઉમેદવારોની વાત કરીએ તો, બનાસકાંઠા બેઠક માટે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની પંસદગી કરવામાં આવી છે. બારડોલી બેઠક પરથી સિધ્ધાર્થ ચૌધરી, અમદાવાદ પૂર્વ બેઠક પરથી રોહન ગુપ્તા, અમદાવાદ પશ્ચિમની અનામત બેઠક પરથી ભરત મકવાણા, વલસાડ બેઠક પરથી ધારાસભ્ય અનંત પટેલની પસંદગી કરવામાં આવી છે. જ્યારે કચ્છની અનામત બેઠક પરથી નિતીશ લાલન અને પોરબંદર બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના નામની જાહેરાત કરાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ એ ગઈકાલ સોમવારે લોકસભા ચૂંટણીને લઈને 60 થી વધુ ઉમેદવારોના નામ પર ચર્ચા કરી હતી. જેમાંથી 40 થી વધુ નામોને કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. કોંગ્રેસની બીજી યાદીમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલ નાથનું નામ પણ સામેલ છે.
પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં સમાવિષ્ટ અન્ય ઘણા નેતાઓ, સંબંધિત રાજ્યોના પ્રભારીઓ અને વરિષ્ઠ નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હાજરી આપી ન હતી. આ બેઠકમાં ઉત્તરાખંડ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, આસામ, ગુજરાત અને દમણ દીવના 60થી વધુ ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આ બીજી બેઠક હતી.
કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે, રાજસ્થાનની જાલોર-સિરોહી બેઠક પરથી વૈભવ ગેહલોતના નામને મંજૂરી આપવામાં આવી છે. ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયેલા રાહુલ કાસવાન તેમના વર્તમાન સંસદીય ક્ષેત્ર ચુરુમાંથી જ ચૂંટણી લડશે. હરીશ મીણાને ટોંક સવાઈ માધોપુરથી ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. કોંગ્રેસે ગયા શુક્રવારે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત ઘણા વરિષ્ઠ નેતાઓના નામ સામેલ હતા. રાહુલ ગાંધી ફરી એકવાર કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડશે.
રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે તે અંગે હજુ સુધી પાર્ટી દ્વારા કંઈ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી, જોકે ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટીના કેટલાક નેતાઓએ ઈચ્છા વ્યક્ત કરી છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ અમેઠી અને રાયબરેલીથી ચૂંટણી લડવી જોઈએ. ગયા ગુરુવારે, કેન્દ્રીય ચૂંટણી સમિતિએ છત્તીસગઢ, કેરળ અને અન્ય કેટલાક રાજ્યોમાં 39 બેઠકો માટે ઉમેદવારોના નામોને મંજૂરી આપી હતી. કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં, રાજ્ય માટે રચવામાં આવેલી વિવિધ સ્ક્રીનીંગ કમિટીઓ દ્વારા મોકલવામાં આવેલા નામોમાંથી ઉમેદવારોના નામોને મંજૂરી આપવામાં આવે છે.