નાગરિક્તા સંશોધન કાયદો CAA દેશભરમાં આજથી લાગુ કરી દેવાયો છે. મોદી સરકારે તેને લઈને નોટિફિકેશન જારી કર્યુ છે. નાગરિક્ત કાયદામાં સંશોધનનું બિલ ડિસેમ્બર 2019માં જ સંસદના બંને સદનોમાં પાસ કરી દેવાયુ હતુ. જાન્યુઆરી 2020માં રાષ્ટ્રપતિએ તેની મંજૂરી પણ આપી દીધી હતી. પરંતુ એ સમયે CAAના નિયમો તૈયાર થયા ન હોવાથી તેના અમલીકરણમા વિલંબ થઈ રહ્યો હતો.
સામાન્ય રીતે કોઈપણ કાયદો બન્યા બાદ 6 મહિનામાં જ તેના નિયમો બનાવવાના હોય છે. જો કોઈ કારણસર એવુ નથી થઈ શક્તુ તો તેના માટે સંસદ પાસેથી સમય મર્યાદાની મંજૂરી લેવાની હોય છે. CAA ના મામલે પણ આવુ જ થયુ. ગૃહમંત્રાલયે તેના માટે 9 વાર એક્સટેન્શન માગ્યુ હતુ. જો કે અત્યાર સુધી આ કાયદાના નિયમો બન્યા ન હતા અને નોટિફિકેશન જારી થયુ ન હતુ. આથી આ કાયદા દ્વારા જે લોકોને નાગરિક્તા મળવાની છે તેઓ આવેદન કરી શક્તા ન હતા. હવે તેઓ નાગરિક્તા માટે આવેદન કરી શકે છે.
નાગરિકતા સંશોધન બિલ પહેલીવાર 2016માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. એ સમયે લોકસભામાં તો એ પાસ થઈ ગયુ હતુ, પરંતુ રાજ્યસભામાં લટકી ગયુ હતુ. જે બાદ તેને સંસદીય સમિતિને મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ ચૂંટણી આવી ગઈ હતી.
ચૂંટણી બાદ નવી સરકાર બની આથી ફરીથી ડિસેમ્બર 2019 માં તેને લોકસભામાં રજૂ કરવામાં આવ્યુ હતુ. આ વખતે આ બિલ લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાંથી પાસ થઈ ગયુ હતુ. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા પછી, 10 જાન્યુઆરી 2020 થી બિલને એક્ટનું એટલે કે કાયદાનું સ્વરૂપ આપી દેવાયુ હતુ.
નાગરિકતા સંશોધન કાયદા દ્વારા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી અને પારસી ધર્મના શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. કાયદા અનુસાર, જે લોકો 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આવીને સ્થાયી થયેલા છે એ લોકોને જ નાગરિકતા આપવામાં આવશે.
નાગરિકતા સંશોધન કાયદાના વિરોધનું સૌથી મોટું કારણ મુસ્લિમોને તેમાંથી બાકાત રખાયા છે એ જ છે. વિરોધીઓ આ કાયદાને મુસ્લિમ વિરોધી ગણાવે છે. તેમનું કહેવું છે કે જો નાગરિકતા જ આપવાની છે તો તેને ધર્મના આધારે શા માટે આપવામાં આવી રહી છે? મુસ્લિમોને આમાં શા માટે સામેલ કરવામાં આવતા નથી?
તેના પર સરકારની એવી દલીલ છે કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ઇસ્લામિક દેશો છે અને ત્યાં બિન મુસ્લિમો પર ધર્મની આડમાં અત્યાચાર થાય છે. તેમની બહેન દીકરીઓને પ્રતાડિત કરવામાં આવે છે. બળજબરીથી ધર્મપરિવર્તન કરવા મજબુર કરાય છે. આ જ કારણથી બિન-મુસ્લિમો ત્યાંથી ભાગીને ભારતમાં આવ્યા છે. આથી તેમાં માત્ર બિન-મુસ્લિમોનો જ સમાવેશ કરવામાં આવ્યો છે.
કાયદા મુજબ, ભારતીય નાગરિકતા માટે ઓછામાં ઓછા 11 વર્ષ સુધી દેશમાં રહેવું જરૂરી છે. પરંતુ, નાગરિકતા સંશોધન કાયદા હેઠળ, આ ત્રણ દેશોના બિન-મુસ્લિમોને 11 વર્ષના બદલે 6 વર્ષ રહ્યા બાદ નાગરિકતા આપી દેવામાં આવશે.જ્યારે આ ત્રણ સિવાયના અન્ય દેશોના લોકોએ ભારતમાં 11 વર્ષ પસાર કરવા પડશે, પછી ભલે તે કોઈપણ ધર્મના કેમ ન હોય.
નાગરિકતા સંશોધન કાયદો અમલમાં આવતાની સાથે જ 31 હજાર 313 લોકો આ કાયદા દ્વારા નાગરિકતા મેળવવા માટે યોગ્યતા પાત્ર બનશે.
જાન્યુઆરી 2019માં સંયુક્ત સંસદીય સમિતિએ આ બિલ પર પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. આ સમિતિના અધ્યક્ષ ભાજપના રાજેન્દ્ર અગ્રવાલ હતા. આ સમિતિમાં IB અને RAWના અધિકારીઓને પણ સામેલ કરાયા હતા.
સમિતિના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે 31 ડિસેમ્બર, 2014 સુધીમાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવનારા બિન-મુસ્લિમોની સંખ્યા 31,313 હતી. કાયદાના અમલ પછી તરત જ તેમને નાગરિકતા મળી જશે.
આ લોકોમાં સૌથી વધુ 25 હજાર 447 લોકો હિન્દુ અને 5 હજાર 807 શીખ હતા. આ ઉપરાંત, 55 ખ્રિસ્તી, બૌદ્ધ અને પારસી ધર્મના 2-2 લોકો હતા. આ એ લોકો હતા જેઓ ધાર્મિક રીતે પ્રતાડિત કરાતા હોવાથી તેમના દેશ છોડીને ભારતમાં સ્થાયી થયા હતા.
સરકારે સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરી છે. આ માટે એક ઓનલાઈન પોર્ટલ પણ તૈયાર કરવામાં આવ્યું છે. અરજદાર પોતાના મોબાઈલ ફોનથી પણ અરજી કરી શકે છે. અરજદારોએ તે વર્ષ અંગે જણાવવાનું રહેશે કે જ્યારે તેઓ કોઈ દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ્યા હતા.
અરજદારો પાસેથી કોઈ દસ્તાવેજો માગવામાં આવશે નહીં. નાગરિકતા સંબંધિત આવા જેટલા પણ પેન્ડિંગ કેસ છે તેને ઓનલાઈન કન્વર્ટ કરવામાં આવશે. પાત્રતા ધરાવતા વિસ્થાપિતોએ પોર્ટલ પર ઓનલાઈન અરજી જ કરવાની રહેશે. જે બાદ ગૃહ મંત્રાલય તપાસ કરશે અને નાગરિકતા જારી કરી દેશે.
જી ના. બિલકુલ પણ નહીં. CAAમાં કોઈપણ ભારતીયની નાગરિકતા છીનવી લેવાની કોઈ જોગવાઈ નથી. ગૃહમંત્રી અમિત શાહ પણ કહી ચુક્યા છે કે CAAમાં કોઈ પણ ભારતીયની નાગરિકતા છીનવી લેવાની કોઈ જોગવાઈ નથી. આ અંતર્ગત 31 ડિસેમ્બર 2014 પહેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા છ બિન-મુસ્લિમ સમુદાયોને નાગરિકતા આપવાની જોગવાઈ છે.
CAAનો ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં લાંબા સમયથી ભારે વિરોધ થતો રહ્યો છે. એનુ એક કારણ એ પણ છે કે ત્યાંના સ્થાનિકોને તેમની ઓળખ ગુમાવવાનો ડર છે.
વાસ્તવમાં, પૂર્વોત્તર રાજ્યોની મોટી વસ્તી અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસીઓની છે. તેમની પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓ છે. બંધારણમાંથી પણ તેમને કેટલીક છૂટ મળેલી છે. આ રાજ્યોમાં બાંગ્લાદેશમાંથી મોટી સંખ્યામાં હિન્દુ શરણાર્થીઓ આવીને આ રાજ્યોમાં સ્થાયી થયા છે.
મેઘાલયમાં ગારો અને જૈંતિયા જેવા આદિવાસી મૂળ નિવાસીઓ છે. આ જ પ્રકારે ત્રિપુરામાં બોરોક સમુદાય ત્યાંના મૂળ રહેવાસીઓ છે. હવે તેમને ડર છે કે સીએએ આવ્યા બાદ શરણાર્થીઓને નાગરિકતા મળશે, જેના કારણે તેમના સંસાધનો પર આ શરણાર્થીઓનો કબજો થઈ જશે.