કેન્દ્ર સરકારે (Central Government) સોમવારે રાજ્યસભામાં (Rajya Sabha) જણાવ્યું હતું કે તેમની પાસે ગયા વર્ષે કોવિડ-19 રોગચાળાની બીજી લહેર દરમિયાન ગંગામાં (Ganga) તરતા મૃતદેહોની સંખ્યા વિશે માહિતી નથી. રાજ્યસભામાં TMC સાંસદ ડેરેક ઓ’બ્રાયનના (Derek O Brien) પ્રશ્નના જવાબમાં જલ શક્તિ રાજ્ય મંત્રી વિશ્વેશ્વર ટુડુએ (Bishweswar Tudu) આ માહિતી આપી હતી. ટીએમસી સાંસદે ગંગામાં ફેંકવામાં આવેલા મૃતદેહોની અંદાજિત સંખ્યા જાણવાની માંગ કરી હતી. વાસ્તવમાં, ગયા વર્ષે મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગંગાના કિનારે સેંકડો મૃતદેહો પડેલા જોવા મળ્યા હતા, ત્યારબાદ આ મુદ્દાને લઈને રાજકીય ભૂકંપ આવ્યો હતો.
ટુડુએ લેખિત નિવેદનમાં જણાવ્યુ છે કે, ગંગા નદીમાં ફેરવામાં આવેલા સંભવિત કોવિડ-19 સંબધિત મૃતદેહોની સંખ્યા બાબતે કોઈ જાણકારી નથી. તેમણે આગળ એમ પણ કહ્યુ કે મીડિયામાં બિનવારસી બળેલા અથવા અર્ધબળેલા મૃતદેહ, જે ગંગા નદીના તટ ઉપર અથવા તો ગંગા નદીના છીછરા પાણી ધરાવતા કિનારેથી મળી આવ્યા સંબધિત અહેવાલ આવ્યા હતા. આ મુદ્દે ઉતરપ્રદેશ અને બિહાર રાજ્યના કેટલાક જિલ્લામાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યુ કે, મંત્રાલયે ગંગા નદીની સ્વચ્છતા મુદ્દે રાજ્યોના અધિકારીઓ દ્વારા મૃતદેહના યોગ્ય સંચાલન, વ્યવસ્થાપન અને નિકાલની ખાતરી બાબતે સંબંધિત રાજ્ય સરકારો પાસેથી રિપોર્ટ માંગ્યો છે.
તેમણે કહ્યું કે ઉત્તરાખંડ, ઝારખંડ અને બંગાળના મુખ્ય સચિવોને પણ એડવાઈઝરી જારી કરવામાં આવી છે. સરકારના જવાબને લઈને કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ ભાજપની આગેવાનીવાળી સરકારને બેશરમ ગણાવી હતી. તેમણે કહ્યું, ‘આ બેશરમ સરકાર એ જોવાનો ઇન્કાર કરે છે કે દુનિયાએ આઘાત અને ઉદાસી સાથે શું જોયું ? અમે મોદી સરકાર પાસેથી ઓછામાં ઓછી એવી અપેક્ષા તો રાખીએ છીએ કે પીડિતોના મૃત્યુ પછી ઓછામાં ઓછું તેમને સન્માન તો આપો. જ્યારે આ લોકો જીવતા હતા અને જીવવા માટે સંઘર્ષ કરી રહ્યાં હતા ત્યારે તમે તેમને નહોતુ આપ્યુ.
દેશમાં ગયા વર્ષે મે અને જૂન મહિનામાં કોવિડ-19ની બીજી લહેર તેની ટોચ પર હતી. આ દરમિયાન ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગંગા નદીમાં તરતી લાશોએ આખી દુનિયામાં હેડલાઈન્સ બનાવી હતી. નદી કિનારે સેંકડો મૃતદેહો જોવા મળ્યા હતા. ગંગા નદીમાં મૃતદેહો તરતા હોવાના મુદ્દે રાજકીય ખળભળાટ મચી ગયો હતો. કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે સમગ્ર ઘટનાને “દુર્ભાગ્યપૂર્ણ” ગણાવી હતી અને સંબંધિત રાજ્યોને તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ