T20 World Cup: ઓસ્ટ્રેલિયાને મળ્યો નવો કેપ્ટન, સ્ટીવ સ્મિથને ન મળ્યું સ્થાન, IPLમાં 23 સિક્સર મારનાર પણ બહાર
ઓસ્ટ્રેલિયાએ 2021માં પ્રથમ વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો અને તે વર્ષે ટીમને ચેમ્પિયન બનાવનાર મોટાભાગના ખેલાડીઓને જાળવી રાખવામાં આવ્યા છે. તત્કાલિન સુકાની એરોન ફિન્ચ પહેલેથી જ નિવૃત્ત થઈ ચૂક્યો હતો, જ્યારે તે ટીમના સભ્ય સ્ટીવ સ્મિથને પડતો મૂકવામાં આવ્યો હતો.

ધીમે-ધીમે T20 વર્લ્ડ કપ 2024 માટે તમામ ટીમોની જાહેરાત કરવામાં આવી રહી છે. વર્તમાન ચેમ્પિયન ઈંગ્લેન્ડ, ટીમ ઈન્ડિયા, ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા બાદ હવે 2021ની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ પણ પોતાના 15 ખેલાડીઓના નામ બધાની સામે રજૂ કર્યા છે. ખાસ વાત એ છે કે ઓસ્ટ્રેલિયાને નવો કેપ્ટન મળ્યો છે.
15 ખેલાડીઓની ટીમ જાહેર
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ODI વર્લ્ડ કપ જીતનાર અને IPL 2024માં સફળ રહેલા પેટ કમિન્સને કેપ્ટન તરીકે પસંદ નથી કર્યો. ટીમના કેપ્ટન તરીકે ઓલરાઉન્ડર મિશેલ માર્શને પસંદ કર્યો છે. માર્શને ઓસ્ટ્રેલિયાનો ફૂલ ટાઈમ T20 કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો છે. જ્યારે અનુભવી બેટ્સમેન સ્ટીવ સ્મિથ અને IPLમાં તબાહી મચાવનાર યુવા ઓપનર જેક ફ્રેઝર મેકગર્કને 15 ખેલાડીઓની ટીમમાં સ્થાન મળ્યું નથી.
સ્ટીવ સ્મિથને વર્લ્ડ કપ ટીમના સ્થાન ન મળ્યું
ઓસ્ટ્રેલિયાએ 2021માં પ્રથમ વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. તે ટીમમાં રહેલા મોટાભાગના ખેલાડીઓને આ વખતે પણ જગ્યા મળી છે. તે સમયે ટીમના કેપ્ટન રહેલા એરોન ફિન્ચે ગયા વર્ષે જ નિવૃત્તિ લઈ લીધી હતી પરંતુ સ્ટીવ સ્મિથ હજુ પણ T20 ટીમનો ભાગ હતો પરંતુ આ વખતે તે વર્લ્ડ કપમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યો છે. એકંદરે, 2021ની ટીમના 6 ખેલાડીઓ આ વખતે ટીમનો ભાગ નથી.
Introducing our 15-player squad for the ICC Men’s T20 World Cup to head to the West Indies – led by our new full-time T20 skipper, Mitch Marsh
Congratulations to those selected #T20WorldCup pic.twitter.com/vETFIGPQL6
— Cricket Australia (@CricketAus) May 1, 2024
મિશેલ માર્શ રેગ્યુલર કેપ્ટન
ઓસ્ટ્રેલિયન બોર્ડે આખરે મિશેલ માર્શને આ ફોર્મેટમાં ટીમનો નિયમિત કેપ્ટન બનાવવાની જાહેરાત કરી છે. ગયા વર્ષે, એરોન ફિન્ચની નિવૃત્તિ પછી, ઓસ્ટ્રેલિયાની સફેદ બોલની કેપ્ટનશીપમાં વિભાજન થયું હતું. ત્યારબાદ ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સને ODIની કમાન મળી હતી પરંતુ T20માં ફુલ ટાઈમ કેપ્ટનશિપનો નિર્ણય લેવામાં આવ્યો ન હતો. જોકે માર્શે એક-બે સિરીઝમાં ટીમનું સુકાન સંભાળ્યું હતું અને ત્યારથી તે કાયમી કેપ્ટન બને તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી.
વોર્નરને મળ્યું સ્થાન, મેકગર્કને ન મળી તક
મોટા ભાગની નજર એ વાત પર હતી કે શું ઓસ્ટ્રેલિયન પસંદગીકારો ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા અનુભવી ઓપનર ડેવિડ વોર્નરને પસંદ કરશે કે પછી યુવા ઓપનર જેક ફ્રેઝર મેકગર્કને તક મળશે? વોર્નર છેલ્લા ઘણા સમયથી રન બનાવવામાં નિષ્ફળ રહ્યો છે. IPL 2024માં પણ તેનું બેટ શાંત છે. તો બીજી તરફ 22 વર્ષીય મેકગર્ક, જે તેની સાથે IPLમાં દિલ્હી કેપિટલ્સ માટે રમી રહ્યો છે, તેણે હલચલ મચાવી દીધી છે. મેકગર્કે અત્યાર સુધી IPLમાં 233ના સ્ટ્રાઈક રેટથી 259 રન બનાવ્યા છે, જેમાં 23 ફોર અને 23 સિક્સ સામેલ છે. આખરે પસંદગી સમિતિએ વોર્નરના અનુભવને ધ્યાનમાં રાખીને નિર્ણય કર્યો, જે 2021 વર્લ્ડ કપમાં ટૂર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી સાબિત થયો હતો.
T20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયન ટીમ:
મિશેલ માર્શ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, જોશ ઈંગ્લિસ, કેમેરોન ગ્રીન, ટિમ ડેવિડ, માર્કસ સ્ટોઈનિસ, ગ્લેન મેક્સવેલ, મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, મેથ્યુ વેડ, જોશ હેઝલવુડ, એડમ ઝમ્પા, એશ્ટન અગર, નાથન એલિસ.
આ પણ વાંચો : IPL 2024: ઋતુરાજ ગાયકવાડે પંજાબ સામે કર્યો ‘ટ્રિપલ બ્લાસ્ટ’, વિરાટ કોહલી પણ પાછળ રહી ગયો