છત્તીસગઢમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ (BJP) તૈયારી શરૂ કરી છે. આ જ કારણ છે કે અમિત શાહે (Amit Shah) હવે છત્તીસગઢ ભાજપની કમાન સંભાળી છે. હાલમાં જ રાજ્યના પ્રભારી ઓમ માથુરે રાજ્યના નેતાઓ સાથે મુલાકાત કર્યા બાદ રિપોર્ટ લઈને દિલ્હીમાં જેપી નડ્ડા સાથે મુલાકાત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દોઢ કલાક સુધી ચાલેલી નડ્ડા અને માથુરની બેઠકમાં છત્તીસગઢમાં ભાજપના નેતાઓના રિપોર્ટ કાર્ડ પર ચર્ચા કરવામાં આવી હતી.
અમિત શાહની છત્તીસગઢમાં બેઠક બાદ પણ નેતાઓમાં એકતા જોવા મળી નથી. તેથી જ દિલ્હીમાં યોજાયેલી આ બેઠક બાદ અમિત શાહની છત્તીસગઢ મુલાકાત થઈ શકે છે. રાષ્ટ્રીય અધ્યક્ષ પણ ઓમ માથુર દ્વારા આપવામાં આવેલા સૂચનોના આધારે જ છત્તીસગઢમાં ભૂપેશ સરકાર વિરુદ્ધ રણનીતિ બનાવી રહ્યા છે.
અમિત શાહે છત્તીસગઢમાં બેઠક કરી વરિષ્ઠ નેતાઓને સંકલન અને સાથે મળીને કામ કરવાની કડક સૂચના આપી હતી. જે બાદ તેમણે છત્તીસગઢને લઈને પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓને અલગ-અલગ જવાબદારીઓ પણ સોંપી છે. અમિત શાહે સ્થાનિક નેતાઓને ભુપેશ બઘેલને ગંભીરતાથી લેવા અને સરકાર અને કોંગ્રેસની ખામીઓ શોધવા કહ્યું હતું. ત્યારબાદ પાર્ટીની રણનીતિમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
છત્તીસગઢના પ્રભારી અને સહપ્રભારીને ભાજપની વિધાનસભા મૂજબ સ્થિતિ વિશે વિસ્તૃત માહિતી એકઠી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જ દરેક વિધાનસભામાં ભાજપના ઉમેદવારોને લઈને પણ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. છત્તીસગઢ ચૂંટણીની મોટી જવાબદારી મળ્યા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ નેતાઓ સાથે ચર્ચા કરીને રિપોર્ટ તૈયાર કર્યો છે.
આ પણ વાંચો : જ્યારે પીએમ મોદીએ સોનિયા ગાંધીને તેમની તબિયત વિશે પૂછ્યું, કોંગ્રેસ નેતાએ કહ્યું- હું ઠીક છું પણ મણિપુર…
સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત શાહ 22 જુલાઈએ છત્તીસગઢની મુલાકાત લઈ શકે છે. આ પહેલા તેઓ 19 જુલાઈના રોજ જવાના હતા, પરંતુ છેલ્લી ક્ષણે તેમનો પ્રવાસ સ્થગિત કરવામાં આવ્યો હતો. અમિત શાહ રિપોર્ટ કાર્ડના આધારે રાજ્યના અગ્રણી નેતાઓ સાથે ચર્ચા કરશે. આ સાથે ચૂંટણી માટે રચાયેલી સમિતિના કન્વીનરો સાથે પણ મીટિંગ કરી શકે છે. તેઓએ નેતાઓને ચૂંટણીની તૈયારીઓ અંગે સૂચનાઓ આપી હતી, તેથી તેની સમીક્ષા પણ કરશે.