હિમાચલ પ્રદેશના શિમલાના સંજૌલીમાં આવેલી ગેરકાયદેસર મસ્જિદને લઈને ઘણો હોબાળો થયો હતો. મસ્જિદના ગેરકાયદે બાંધકામને લઈને હિંદુ સંગઠનો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું, જેને ધ્યાનમાં રાખીને મુસ્લિમ મૌલવીનું નિવેદન સામે આવ્યું છે.
મૌલવીનું કહેવું છે કે પરસ્પર પ્રેમ જાળવી રાખવા માટે અમે મસ્જિદનો ગેરકાયદેસર ભાગ હટાવવાનો નિર્ણય કર્યો છે. જો અમને પરવાનગી મળશે, તો અમે તેને જાતે દૂર કરીશું.
મુસ્લિમ પક્ષ તરફથી શિમલા મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે હિમાચલ પ્રદેશમાં તમામ ધર્મ અને સમુદાયના લોકો હંમેશા શાંતિ અને ભાઈચારાથી રહે છે. તેથી અમે ઇચ્છીએ છીએ કે શિમલામાં શાંતિ અને સુલેહ-શાંતિ કાયમ પ્રવર્તે. મનપાએ ગેરકાયદે બાંધકામ ગણાતા ભાગને સીલ મારવો જોઈએ. આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે અને અમે કોર્ટના નિર્ણયનું સન્માન કરીશું. જો અમને પરવાનગી આપવામાં આવે તો અમે મસ્જિદનો ગેરકાયદેસર ભાગને દૂર કરવા તૈયાર છીએ.
ગઈકાલ બુધવારે શિમલા પોલીસે, સંજૌલીમાં ગેરકાયદે મસ્જિદનો વિરોધ કરી રહેલા હિન્દુ પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. એટલું જ નહીં વિરોધ કરી રહેલા લોકો પર વોટર કેનનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
હવે સ્થાનિક વેપારીઓ આનાથી ભારે નારાજ જોવા મળી રહ્યા છે. તેના વિરોધમાં સ્થાનિક વેપારીઓએ આજે સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી પોતાની દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. શિમલા ટ્રેડ બોર્ડ હેઠળની શહેરની તમામ દુકાનો બંધ છે.
આ ઉપરાંત સંજૌલી ઉપનગરમાં પણ દુકાન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિમલામાં એકપણ દુકાન ખુલ્લી નથી અને બજાર સંપૂર્ણપણે બંધ છે જેના કારણે લોકોને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વેપારીઓએ શિમલા લોઅર બજારમાં વિરોધ રેલી કાઢી હતી અને હનુમાન ચાલીસાના પાઠ કરી રહ્યા હતા. તેમજ વહેલી તકે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની માંગ કરી રહ્યા છે.
વેપારી મંડળના પ્રમુખ સંજીવ કહે છે કે, ગઈ કાલ બુધવારે લોકો સંજૌલીમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવા માટે વિરોધ કરી રહ્યા હતા અને પોલીસે તેમના પર નિર્દયતાથી લાઠીચાર્જ કર્યો હતો, જે કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. જેના વિરોધમાં આજે શિમલામાં બજારો અને દુકાનો સદંતર બંધ રાખવામાં આવી રહી છે અને સરકારને વહેલી તકે ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની માંગ કરવામાં આવી રહી છે અને જો તેને તોડી પાડવામાં નહીં આવે તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.