Vegetable Price Hike: પાછોતરા વરસાદને કારણે ખેતીમાં થયું નુક્સાન, દિવાળી પહેલા જ શાકભાજીના ભાવ આસમાને
ટામેટા પહેલા 20 રૂપિયા કિલો હતા, આજે મુંબઈમાં 80 રૂપિયા કિલો મળી રહ્યા છે. જ્યાં પહેલા ડુંગળી 30 રૂપિયા પ્રતિ કિલો હતી, તે હવે 55 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.
મુંબઈ (Mumbai)માં દિવાળી પહેલા જ શાકભાજીના ભાવ આસમાનને આંબી રહ્યા છે. પાછોતરા વરસાદને કારણે ઘણી શાકભાજીની ખેતી બગડી ગઈ છે. તેના કારણે બજારમાં શાકભાજી ઓછા આવી રહ્યા છે. તેના કારણે શાકભાજી મોંઘા થઈ રહ્યા છે. ટામેટાની કિંમત પણ પેટ્રોલ અને ડીઝલની સમાન છે. આવી સ્થિતિમાં સામાન્ય વ્યક્તિ ખાય તો શું ખાય, એ સમજવું મુશ્કેલ છે.
ટામેટા પહેલા 20 રૂપિયા કિલો હતા, આજે મુંબઈમાં 80 રૂપિયા કિલો મળી રહ્યા છે. જ્યાં પહેલા ડુંગળી 30 રૂપિયા પ્રતિ કિલો હતી, તે હવે 55 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. આ રીતે દરેક શાકભાજી 30થી 40 રૂપિયા પ્રતિ કિલો મોંઘી થઈ છે. વાશીની એપીએમસી માર્કેટમાં શાકભાજીની આવક ઘણી ઘટી ગઈ છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં આ બજારમાંથી શાકભાજી સપ્લાય કરવામાં આવે છે.
વાશીના જથ્થાબંધ બજારમાં શાકભાજી ખૂબ મોંઘા હોવાના કારણે છૂટક બજારમાં શાકભાજી બમણા ભાવે મળી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ દિવસે દિવસે વધી રહ્યા છે. તેના કારણે શાકભાજીનું ટ્રન્સપોર્ટેશન મોંઘુ બન્યું છે. આવી સ્થિતિમાં દુકાનદારોનું કહેવું છે કે તેમને શાકભાજી મોંઘા વેચવાની ફરજ પડી રહી છે.
રાજ્યમાં સૌથી મોંઘી કોથમીર નાગપુરમાં મળી રહી છે
રાજ્યમાં સૌથી મોંઘી કોથમીર નાગપુરમાં વેચાઈ રહી છે. તે નાગપુરના રિટેલ માર્કેટમાં 320થી 360 રૂપિયા પ્રતિ કિલો મળી રહી છે. લાંબો સમય રહેલા વરસાદને કારણે કોથમીરનો મોટો જથ્થો બગડી ગયો છે. તેના કારણે તેની આવક પર પણ અસર પડી છે. નાગપુરના કોટન માર્કેટમાં કોથમીર 250થી 300 રૂપિયા પ્રતિ કિલો મળી રહી છે. આ જ કારણ છે કે રીટેલ માર્કેટમાં તેની કિંમત 320થી 360 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ દરરોજ વધી રહ્યા છે
પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ વધી રહ્યા છે. પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા મંગળવારે જાહેર કરાયેલા દર મુજબ મુંબઈમાં પેટ્રોલ 111.77 રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે એક લિટર ડીઝલ માટે 102.52 રૂપિયા ખર્ચવા પડે છે. પ્રતિ લિટર પાવર પેટ્રોલના દરની વાત કરીએ તો તે 115.73 રૂપિયા છે. મુંબઈની જેમ દિલ્હીમાં પણ પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થઈ રહ્યું છે. દિલ્હીમાં પેટ્રોલ 105.84 અને ડીઝલ 94.57 પ્રતિ લીટર મળી રહ્યું છે. જો ઈંધણના દર આ રીતે વધતા રહેશે તો ટૂંક સમયમાં પેટ્રોલ 120 રૂપિયા પ્રતિ લીટર પર વેચવાનું શરૂ થઈ જશે.
એક તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાનને આંબી રહ્યા છે અને બીજી બાજુ ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત પણ એક હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં હવે શાકભાજી પણ મોંઘા થઈ રહ્યા છે. આ વધતી મોંઘવારીએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે.
આ પણ વાંચો : પત્ની સાથે ઝઘડો થયો તો પોતાના જ ઘરને લગાવી દીધી આગ, નજીકના 10 મકાનો પણ બળીને થયા રાખ, જુઓ VIDEO