મહારાષ્ટ્રમાં કારમી હારની જવાબદારી દેવેન્દ્ર ફડણવીસે સ્વીકારી, ડેપ્યુટી સીએમ પદેથી રાજીનામું આપવા કરી ઓફર
લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં એનડીએને પડેલા ભારે ફટકા અંગે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નૈતિક જવાબદારી સ્વીકારી છે. મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ 48માંથી એનડીએને માત્ર 17 બેઠકો જ મળી છે. જ્યારે ઈન્ડિયા એલાયન્સને 30 બેઠકો મળી છે.
લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. મહારાષ્ટ્રમાં ભાજપ અને યુતિની હારની જવાબદારી દેવેન્દ્ર ફડણવીસે સ્વીકારી છે. તેમણે ડેપ્યુટી સીએમ પદ પરથી રાજીનામું આપવાની પાર્ટીમાં ઓફર કરી છે. મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં ભાજપ અને તેના સહયોગીઓને માત્ર 17 જ બેઠકો મળી છે.
જ્યારે કોંગ્રેસની વિપક્ષ મહા વિકાસ આઘાડી, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) અને NCP (શરદ પવાર)એ 48માંથી 30 બેઠકો જીતીને ભવ્ય દેખાવ કર્યો છે. લોકસભા ચૂંટણી 2019ની સરખામણીમાં મહારાષ્ટ્રમાં ભાજપના સાંસદોની સંખ્યા ઘટીને અડધાથી પણ ઓછી થઈ જવા પામી છે.
એનડીએને માત્ર 17 બેઠકો મળી
ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ને મહારાષ્ટ્રમાં 45 થી વધુ બેઠકો જીતવાના લક્ષ્યાંક નક્કી કર્યો હતો. પરંતુ પરિણામે ભાજપને ચોકાવી દીધુ. તેમને માત્ર 17 જ બેઠકો મળી. ભાજપને મહારાષ્ટ્રમાં નવ બેઠકો મળી છે, જે 2019ની લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં જીતેલી 23 બેઠકો કરતાં ઘણી ઓછી છે. તેની સહયોગી શિવસેનાએ સાત બેઠકો જીતી છે. અન્ય સહયોગી અજિત પવારના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ને એક બેઠક મળી છે.
કોંગ્રેસે 13 બેઠકો જીતી
અજિત પવારની પત્ની સુનેત્રા પવારને બારામતીમાં શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે સામે હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસે મહારાષ્ટ્રમાં 13 બેઠકો જીતી છે, જે 2019માં મહારાષ્ટ્રમાં પક્ષ દ્વારા જીતેલી એક બેઠક કરતાં નોંધપાત્ર રીતે વધુ છે, જ્યારે શિવસેના (UBT) એ નવ અને NCP (શરદ પવાર) આઠ બેઠકો જીતી છે.
કોંગ્રેસમાં રહેલા વિશાલ પાટીલે અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી અને સાંગલી બેઠક જીતી હતી. મહારાષ્ટ્રમાં 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 23 બેઠકો જીતી હતી, જ્યારે તેની તત્કાલીન સહયોગી શિવસેના (અવિભાજિત)એ 18 બેઠકો જીતી હતી. તત્કાલીન અવિભાજિત એનસીપીએ ચાર બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસ માત્ર એક બેઠક જીતી શકી હતી.
ભાજપની આગેવાની હેઠળના NDAએ આ વખતે મહારાષ્ટ્રમાં 45થી વધુ બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું હતું. શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે ‘ઈન્ડિયા’ ગઠબંધન, વડા પ્રધાનપદનો ચહેરો નક્કી કરવા બુધવારે એક બેઠક યોજશે. ઠાકરેએ કહ્યું કે સામાન્ય માણસે પોતાની તાકાત બતાવી છે. તેમણે કહ્યું કે વિપક્ષે કેન્દ્રમાં સરકાર બનાવવાનો દાવો કરવાની જરૂર છે.
વિધાનસભા ચૂંટણીમાં નુકસાનની ભરપાઈ કરીશું- ફડણવીસ
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, રાજ્યમાં NDAના આવા પ્રદર્શનનું કારણ વિપક્ષનો એ પ્રચાર છે કે ભાજપ ચૂંટણી પછી બંધારણમાં ફેરફાર કરશે. ફડણવીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું.