BMC Election Results 2026 Breaking News : આમચી મુંબઈ-મરાઠી માણૂસના નામે ચાલતી ઠાકરેના રાજકારણની દુકાનને તાળુ મારી દેતા ફડણવીસ-એકનાથ શિંદે
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામોના સામે આવી રહેલા વલણોમાં મરાઠી માણૂસ અને આમચી મુંબઈના નામે રાજકારણ રમનારા ઠાકરે બંધુઓને ભારે ફટકો પડ્યો છે. ઉદ્ધવ ઠાકરે અને તેના પિતરાઈ ભાઈ રાજ ઠાકરેના અવારનવાર મરાઠી માણૂસ અને આમચી મુંબઈ, મરાઠી ભાષાના નામે રાજકારણ રમતા આવ્યા છે પરંતુ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોએ દેવેનેદ્ર ફડણવીસ અને એકનાથ શિંદેએ, ઉદ્ધવ ઠાકરે અને તેના પિતરાઈ ભાઈ રાજ ઠાકરેની દુકાનને તાળુ મારી દઈને ચાવી અરબી સમુદ્રમાં ફેકી દીધી છે.

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની 227 બેઠકો માટે ગઈકાલ ગુરુવારના રોજ, મતદાન યોજાયું હતું. આ ચૂંટણીની આજે હાથ ધરાઈ રહેલ મતગણતરીમાં અત્યાર સુધીમાં સામે આવેલ વલણો અનુસાર ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના બીએમસી પર સત્તા સ્થાપશે. જો કે, અવારનવાર મરાઠી માણુસ, મરાઠી ભાષા અને આમચી મુંબઈના નામે રાજકારણ ખેલતા આવેલા ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરેને કારમી પછડાટ મળી છે. 20 વર્ષ પછી, મરાઠી ભાષા અને મરાઠી માણૂસના નામે પોતાની રાજકીય દુકાન ચાલુ રાખવા માટે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ ભેગા મળીને ગઠબંધન બનાવ્યું. આ ગઠબંધન પણ મરાઠી માણૂસ, મરાઠી ભાષા અને આમચી મુંબઈના મુદ્દા પર રચાયું હતું. જોકે, હવે, મ્યુનિસિપલ ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે, મતદારોએ આ ગઠબંધન ફગાવી દઈને ભાજપ અને એકનાથ શિંદેની શિવસેનાને પ્રધાન્ય આપ્યું. જો કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટી અને રાજ ઠાકરેની મનસેમાં, ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટી આગળ નીકળી ગઈ છે. આથી ઉદ્ધવ ઠાકરે અને તેના પુત્ર આદિત્ય ઠાકરેને આશ્વાસન મળી રહેશે.
કેટલી બેઠકો પર કોણ આગળ છે?
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેએ ભાવનાત્મક અપીલ કરી હતી કે જો તેઓ વિભાજીત થશે, તો ભાજપ-શિદે સફળ થશે. શિવસેનામાં વિભાજન પછી, ઉદ્ધવ ઠાકરેએ પોતાનું અસ્તિત્વ સાબિત કરવા માટે એક મોટો પડકાર સ્વીકાર્યો હતો. તાજેતરના આંકડા અનુસાર, ઠાકરે જૂથે 227માંથી માત્ર 70 બેઠકો પર જીત મેળવી શકે તેવી સ્થિતિમાં છે. જો કે મુંબઈ શિવસેનાનો ગઢ હોવાની વાતો પણ ભાજપ અને એકનાથ શિંદેની જૂગલબંધીએ ખોટી સાબિત કરી નાખી છે. હાલમાં, મહાયુતિ (ભાજપ-શિંદે જૂથ) 130 બેઠકો પર આગળ છે. ભાજપ હાલમાં મુંબઈમાં 99 બેઠકો સાથે સૌથી મોટો પક્ષ હોવા તરફ આગળ વધી રહ્યો છે.
પક્ષ સામે મોટો પડકાર
બીજી તરફ, રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને આ ચૂંટણીમાં મોટો ઝટકો લાગ્યો છે. મનસેએ ગઠબંધનમાં માત્ર 53 બેઠકો પર જ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. જેની સીધી અસર તેની સંખ્યાત્મક તાકાત પર પડી છે.પરિણામોના વલણ અનુસાર, મનસે માત્ર 9 બેઠકો પર આગળ છે. રાજ ઠાકરેએ ગર્જના કરી હતી કે મુંબઈનો મેયર મરાઠી હશે, છતાં મરાઠી મતદારો ઠાકરે બંધુને બદલે ફડણવીસ-એકનાથ શિંદેને કિંગમેકર કરતાં મજબૂત શાસક તરીકે પસંદ કરતા હોય તેવું લાગે છે. જ્યારે મનસેની તાકાત વધવાને બદલે કેટલાક ગણતરીના બે- ચાર વોર્ડ પુરતી મર્યાદિત થઈ ગઈ છે. આનાથી આગામી દિવસોમાં, મનસે પાર્ટી માટે મોટો પડકાર ઉભો થવાનો છે.
મેયરપદ કોણ જીતશે
ગઈકાલ 15 જાન્યુઆરીએ યોજાયેલ બીએમસીની ચૂંટણીમાં 52.94 ટકા મતદાન થયું હતું. મુંબઈના દરેક વોર્ડમાં પરિણામો રોમાંચક છે. ઠાકરે બંધુઓ મરાઠી મતોના વિભાજનને અમુક અંશે ટાળવામાં સફળ રહ્યા છે. જોકે, ભવિષ્યમાં આ ગઠબંધન કેટલો સમય ટકશે તે અંગે ચર્ચાઓ હવે શરૂ થઈ ગઈ છે. મહાયુતિ અને ઠાકરે બંધુઓના જૂથ વચ્ચેનો તફાવત ખૂબ જ મોટો હોવાથી, અપક્ષો અને નાના પક્ષોની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. ઉપરાંત, મુંબઈના મેયરપદ કોણ જીતશે તેનું ચિત્ર સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે.

મહારાષ્ટ્રમાં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સહીત કુલ 29 મહાનાગરપાલિકાની યોજાયેલ ચૂંટણીના પરિણામ આજે 16 જાન્યુઆરી 2026ના રોજ જાહેર થઈ રહ્યાં છે. આ અંગેના તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.