મહારાષ્ટ્રમાં બે તબક્કામાં યોજાશે વિધાનસભા ચૂંટણી, સીએમ એકનાથ શિંદેની આગાહી, જાણો બેઠકોની વહેંચણી મુદ્દે શું કહ્યું ?
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ, મહારાષ્ટ્ર રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી નવેમ્બરના બીજા સપ્તાહમાં યોજાઈ શકે છે. આ દરમિયાન મુખ્યમંત્રીએ સત્તાધારી મહાયુતિ ગઠબંધનમાં સીટોની વહેંચણીને લઈને પણ મોટું નિવેદન આપ્યું છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ, આજે રવિવારે રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીની તારીખોને લઈને ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નવેમ્બરના બીજા સપ્તાહમાં યોજાય તેવી શક્યતા છે. સીએમ શિંદેએ એમ પણ કહ્યું છે કે સત્તારૂઢ સહયોગીઓ વચ્ચે સીટની વહેંચણી આગામી 8 થી 10 દિવસમાં નક્કી કરવામાં આવશે.
મુખ્યમંત્રી શિંદેએ મુંબઈમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા ખાતે પત્રકારો સાથે અનૌપચારિક વાતચીતમાં ચૂંટણીને લઈને આ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કુલ 288 બેઠકની રાજ્ય વિધાનસભા માટે બે તબક્કામાં ચૂંટણી કરાવવાનું વધુ સારું રહેશે. મહાયુતિ સરકાર વિકાસ અને કલ્યાણના મુદ્દા પર ધ્યાન આપી રહી છે અને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
સીએમ શિંદેએ ગઠબંધનમાં સીટ વહેંચણી પર શું કહ્યું?
મહાગઠબંધન સરકારમાં શિંદેની આગેવાની હેઠળની શિવસેના, ભારતીય જનતા પાર્ટી અને અજિત પવારની આગેવાનીવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)નો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ કહ્યું, ‘નવેમ્બરના બીજા સપ્તાહમાં ચૂંટણી થવાની સંભાવના છે. બે તબક્કામાં ચૂંટણી યોજવી વધુ સારું રહેશે. જે ઉમેદવાર જીતી શકે તેવા ઉમેદવારો એ મહાગઠબંધનના ભાગીદારો વચ્ચે બેઠકોની વહેંચણીનો માપદંડ હશે.
તેમણે કહ્યું કે સીટ વિતરણ 8 થી 10 દિવસમાં આખરી થઈ જશે. તેઓ મહિલાઓમાં સરકાર માટે સમર્થન જોઈ રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની સરકાર સામાન્ય લોકોની સરકાર છે. CMએ કહ્યું, ‘અમે વિકાસ અને કલ્યાણકારી યોજનાઓ વચ્ચે સંતુલન જાળવી રાખ્યું છે.’
મુંબઈને સ્લમ ફ્રી બનાવવું પડશે
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ હેઠળ 1.5 લાખ યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. જેના માટે તેમને રૂ.6,000 થી રૂ.10,000નું સ્ટાઇપેન્ડ મળશે. આ કાર્યક્રમમાં 10 લાખ યુવાનોને સામેલ કરવાનો લક્ષ્યાંક છે. શિંદેએ કહ્યું કે અત્યાર સુધીમાં 1.6 કરોડ મહિલાઓને સરકારની લાડલી બહેન યોજના હેઠળ નાણાકીય સહાય મળી છે.
તેમણે કહ્યું કે લાડલી બહેન યોજના હેઠળ સરકાર 2.5 કરોડ મહિલાઓ સુધી પહોંચવાની યોજના ધરાવે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમની સરકારનું લક્ષ્ય મુંબઈને ઝૂંપડપટ્ટી મુક્ત બનાવવા અને બધા માટે પરવડે તેવા આવાસ મળે તેવી ખાતરી આપવાનો છે.