શું તમે પણ વાસી ખોરાક ફ્રિજમાં સ્ટોર કરો છો ? જાણો દૂધ, દાળ અને રોટલીની ‘એક્સપાયરી ડેટ’
આજના ભાગદોડભર્યા સમયમાં ફ્રિજ આપણા રસોડાનો એક મહત્વનો ભાગ બની ગયું છે. સમય બચાવવા માટે આપણે ઘણીવાર ખોરાક બનાવીને ફ્રિજમાં સ્ટોર કરીએ છીએ અથવા વધેલું ભોજન સાચવી રાખીએ છીએ. ફ્રિજ ખોરાકને લાંબા સમય સુધી તાજો રાખવામાં મદદ તો કરે છે પરંતુ શું તમે જાણો છો કે, દરેક વસ્તુની એક ચોક્કસ મર્યાદા હોય છે?

આજના સમયમાં ફ્રિજ દરેક ઘરની જરૂરિયાત બની ગયું છે. લોકો સમય બચાવવા માટે રસોઈ બનાવીને સ્ટોર કરે છે અથવા તો વધેલું ભોજન ફ્રિજમાં રાખી દે છે. ફ્રિજ ખોરાકને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે પરંતુ તેનો અર્થ એ નથી કે, દરેક વસ્તુ હંમેશા માટે ફ્રિજમાં તાજી રહે છે.
હકીકતમાં, દરેક ખોરાકની એક નક્કી સમય મર્યાદા હોય છે, ત્યારબાદ તેને ખાવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આથી એ જાણવું ખૂબ જરૂરી છે કે, ફ્રિજમાં રાખેલો કયો ખોરાક કેટલા દિવસ સુધી સુરક્ષિત રહે છે.
રાંધેલો ખોરાક અને ડેરી પ્રોડક્ટ્સ કેટલા દિવસ સુરક્ષિત?
ઘરમાં બનાવેલો રાંધેલો ખોરાક સામાન્ય રીતે ફ્રિજમાં બે થી ત્રણ દિવસ સુધી જ સુરક્ષિત રહે છે. ત્યારબાદ તેમાં બેક્ટેરિયા વધવાનું જોખમ વધી શકે છે, જ્યારે ઉકાળેલું દૂધ પણ બે થી ત્રણ દિવસ સુધી જ વાપરવું હિતાવહ છે. એવામાં પેકેટવાળું દૂધ ખોલ્યા પછી 2 દિવસની અંદર ખતમ કરી દેવું જોઈએ. દહીંની વાત કરીએ તો, તાજું દહીં ચાર થી પાંચ દિવસ સુધી ફ્રિજમાં સારું રહે છે પરંતુ જો તેમાં ખટાશ કે ખરાબ ગંધ આવવા લાગે તો તેનો ઉપયોગ ન કરવો જોઈએ.
શાકભાજી અને ફળો કેટલા દિવસ સુધી રાખવા?
લીલા પાંદડાવાળા શાકભાજી ત્રણ થી ચાર દિવસ સુધી ફ્રિજમાં સુરક્ષિત રહે છે, જ્યારે ગાજર, બીન્સ અને ફુલાવર જેવા શાકભાજી 5 થી 7 દિવસ સુધી ચાલી શકે છે. ફળોમાં સફરજન અને નાશપતિ 1 થી 2 અઠવાડિયા સુધી સુરક્ષિત રહે છે. દ્રાક્ષ અને સ્ટ્રોબેરી જેવા ફળો ત્રણ થી પાંચ દિવસમાં ખરાબ થઈ શકે છે. કાપેલા ફળોને વધુ સમય સુધી ફ્રિજમાં રાખવા યોગ્ય ગણાતા નથી. તેને 24 કલાકની અંદર ખાઈ લેવા જોઈએ અન્યથા તે બગડી શકે છે.
ઈંડા, માંસ અને બ્રેડની સ્ટોરેજ લિમિટ
કાચા ઈંડા 7 થી 10 દિવસ સુધી ફ્રિજમાં સુરક્ષિત રહે છે, જ્યારે બાફેલા ઈંડા બે થી ત્રણ દિવસની અંદર ખાઈ લેવા જોઈએ. કાચું ચિકન કે માંસ 1 થી 2 દિવસ અને માછલી 24 કલાકથી વધુ ફ્રિજમાં ન રાખવી જોઈએ. બ્રેડને 5 થી 7 દિવસ સુધી ફ્રિજમાં રાખી શકાય છે પરંતુ વધુ સમય રાખવાથી તેનો સ્વાદ અને રચના બગડી શકે છે.
ચોખા, રોટલી અને દાળ બાબતે સાવધાની
ફ્રિજમાં રાખેલા ચોખા 1 થી 2 દિવસની અંદર ખાઈ લેવા જોઈએ. રોટલીનો 12 થી 14 કલાકની અંદર ઉપયોગ કરવો વધુ સારો રહે છે, કારણ કે વધુ સમય રાખવાથી તેની પૌષ્ટિકતા ઓછી થઈ જાય છે. દાળને પણ બે દિવસની અંદર ખતમ કરી દેવી જોઈએ, કારણ કે વધુ સમય રાખવાથી તે પેટ સંબંધિત સમસ્યાઓ પેદા કરી શકે છે.
ફ્રિજમાં ખોરાક રાખવા દરમિયાન આ ભૂલો ન કરો:
- ક્યારેય પણ ગરમ ખોરાક સીધો ફ્રિજમાં ન રાખવો જોઈએ.
- કાચો અને રાંધેલો ખોરાક અલગ-અલગ રાખો.
- ખોરાક રાખવા માટે હંમેશા એર ટાઈટ કન્ટેનરનો ઉપયોગ કરો.
- ફ્રિજનું તાપમાન 3 થી 4 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રાખો.
- ખરાબ ગંધ, ફૂગ અથવા રંગ બદલાય તો ખોરાક તરત જ ફેંકી દો.
