ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલન સંકટને રાષ્ટ્રીય આફત તરીકે જાહેર કરવા માટે કોર્ટના હસ્તક્ષેપની માગ કરતી અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં સુપ્રીમ કોર્ટે આ અંગે સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે અરજીકર્તાને કહ્યું કે આ મામલે ઉત્તરાખંડ હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, તેથી તેની સુનાવણી હાઈકોર્ટમાં ચાલુ રહેવા દો. હકીકતમાં, શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે જોશીમઠ કટોકટી પર તાત્કાલિક નાણાકીય સહાય અને વળતર આપવા માટે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપની માંગ કરી હતી. જે માગણીનો સુપ્રિમ કોર્ટે ઈન્કાર કર્યો છે અને તે બાબતને તેમના રાજ્યની હાઈકોર્ટ સુધી રાખવા કહ્યું છે.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિંહ અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી. બેન્ચે કહ્યું કે હાઈકોર્ટ દરેક વાત સાંભળવા સક્ષમ છે. અમને લાગે છે કે અરજદારે જોશીમઠ કટોકટી સાથે સંબંધિત જે કંઈ બાબત છે તે તેમની રાજ્યની હાઈકોર્ટમાં રાખવી જોઈએ. સુપ્રીમ કોર્ટે અરજદાર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને ઉત્તરાખંડ હાઈકોર્ટનો સંપર્ક કરીને તેને રાષ્ટ્રીય આફત જાહેર કરવાની સલાહ આપી છે. કોર્ટે કહ્યું કે આ મામલે હાઈકોર્ટ પહેલાથી જ અનેક આદેશો આપી ચૂકી છે.
તમને જણાવી દઈએ કે બદ્રીનાથ અને હેમકુંડ સાહિબ જેવા પ્રસિદ્ધ તીર્થસ્થળોના પ્રવેશદ્વાર અને સ્કીઈંગ માટે પ્રખ્યાત જોશીમઠ ભૂસ્ખલનને કારણે એક મોટા પડકારનો સામનો કરી રહ્યું છે. જોશીમઠમાં જમીન ધીમે ધીમે ધસી રહી છે. ઘરો, રસ્તાઓ અને ખેતરોમાં મોટી તિરાડો દેખાઈ રહી છે. અગાઉ, 10 જાન્યુઆરીએ, સુપ્રીમ કોર્ટે અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો કે પરિસ્થિતિનો સામનો કરવા માટે લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સંસ્થાઓ છે અને તમામ બાબતો તેની પાસે આવવી જોઈએ નહીં.
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદની અરજીને 16 જાન્યુઆરીએ સુનાવણી માટે સૂચિબદ્ધ કરી હતી. અરજદારે દલીલ કરી છે કે મોટા પાયે ઔદ્યોગિકીકરણને કારણે આ સંકટ સર્જાયું છે અને ઉત્તરાખંડના લોકોને તાત્કાલિક નાણાકીય સહાય અને વળતર આપવું જોઈએ. અરજીમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને આ પડકારજનક સમયમાં જોશીમઠના રહેવાસીઓને સક્રિયપણે ટેકો આપવા માટે નિર્દેશ આપવાની પણ માંગ કરવામાં આવી હતી. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે માનવ જીવન અને તેની ઇકોસિસ્ટમના ભોગે કોઈ વિકાસની જરૂર નથી અને જો કંઈપણ થાય તો તેને યુદ્ધના ધોરણે તાત્કાલિક અટકાવવાની રાજ્ય અને કેન્દ્ર સરકારની ફરજ છે.
Published On - 5:10 pm, Mon, 16 January 23