Crude oil : દુનિયાને ક્યારે મળ્યું બ્લેક ગોલ્ડ…કેવી રીતે થઈ ક્રૂડ ઓઇલની શોધ ?
ક્રૂડ ઓઇલ કે જેને 'બ્લેક ગોલ્ડ' તરીકે પણ ઓળખવામાં આવે છે, તે માનવ ઇતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ કુદરતી સંસાધનો પૈકીનું એક છે. ત્યારે આ લેખમાં ક્રૂડ ઓઈલનો ઈતિહાસ, તેની શોધ કેવી રીતે અને કોણે કરી હતી તેના વિશે જાણીશું.
ક્રૂડ ઓઇલ કે જેને ‘બ્લેક ગોલ્ડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે માનવ ઇતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ કુદરતી સંસાધનો પૈકીનું એક છે. તે કુદરતી હાઇડ્રોકાર્બનનું મિશ્રણ છે, જે પૃથ્વીની અંદર સદીઓથી સંચિત કાર્બનિક અવશેષોથી બનેલું છે. સંસ્કૃતિ, ઔદ્યોગિક ક્રાંતિ અને આધુનિક ઊર્જાના વિકાસમાં તેની શોધ અને ઉપયોગનો ઇતિહાસ અત્યંત મહત્વપૂર્ણ રહ્યો છે. ત્યારે આ લેખમાં ક્રૂડ ઓઈલનો ઈતિહાસ, તેની શોધ કેવી રીતે અને કોણે કરી હતી તેના વિશે જાણીશું.
ક્રૂડ ઓઇલનો ઉલ્લેખ પ્રાચીન સમયમાં પણ જોવા મળે છે. ઈ.સ. પૂર્વે 3000માં મેસોપોટેમીયાની સુમેરિયન અને બેબીલોનીયન સંસ્કૃતિઓએ તેનો ઉપયોગ સળગાવવા માટે અને ઉપચાર તરીકે કરતા હતા. પ્રાચીન ઇજિપ્તવાસીઓ મમીફિકેશન પ્રક્રિયામાં ક્રૂડ તેલનો ઉપયોગ કરતા હતા. 4થી સદીમાં ચીનમાં વાંસની પાઇપનો ઉપયોગ કરીને તેલનું ખનન કરવામાં આવતું હતું.
9મી સદીમાં, પર્શિયન વૈજ્ઞાનિક અલ-રાઝીએ નિસ્યંદન પ્રક્રિયા દ્વારા ક્રૂડ તેલમાંથી કેરોસીન કાઢ્યું હતું. જો કે, 19મી સદીમાં તેને વ્યવસ્થિત રીતે ઔદ્યોગિક ઉપયોગ તરફ વિકસાવવાના પ્રયાસો શરૂ થયા.
માછલી અને પક્ષીઓનો અજવાળા માટે ઉપયોગ
એવું કહેવાય છે કે આધુનિક યુગ પહેલા તેલ અને ગેસનો ઉપયોગ અત્યંત મર્યાદિત હતો. ઈ.સ. 347માં ચીનમાં તેલના કુવાઓ ખોદવામાં આવ્યા હતા. પરંતુ આધુનિક યુગમાં તે સંપૂર્ણપણે ગાયબ હતા. 15મી અને 16મી સદીમાં રાત્રિનો સમય અંધકારમાં છવાયેલો રહેતો. તે સમયે લોકો રાત્રે બહાર નીકળતા ન હતા. રાત્રે કોઈને ના છુટકે બહાર નીકળવાનું થાય તો અગાઉથી તૈયારી રાખવી પડતી. તે સમયે અમેરિકા અને યુરોપમાં લોકો અજવાળા માટે ખાસ માછલીઓ અને પક્ષીઓનો ઉપયોગ કરતા હતા.
અમેરિકામાં સેલ્મોન માછલીને સૂકવીને પછી તેને સળગાવવામાં આવતી, જેનો ઉપયોગ અજવાળા માટે કરવામાં આવતો. જ્યારે સ્કોટલેન્ડમાં પેટેલ નામના પક્ષીમાંથી તેલનો ઉપયોગ થતો હતો. આ પક્ષીના ગળામાં એક વાટ મૂકવામાં આવી હતી અને મીણબત્તીની જેમ પ્રગટાવવામાં આવતી હતી. આ પદ્ધતિ અસરકારક હતી પરંતુ અત્યંત અસ્થાયી અને અકુદરતી હતી.
વ્હેલનું ઓઈલ અજવાળાનો નવો સ્ત્રોત બન્યો
ત્યાર બાદ નવો યુગ આવ્યો અને નવી શોધ થઈ. વ્હેલ તેલનો ઉપયોગ 1700 અને 1850ની વચ્ચે થવા લાગ્યો. લોકો તેનો ઉપયોગ દીવા પ્રગટાવવા માટે કરતા હતા. મોટી સંખ્યામાં વ્હેલનો શિકાર કરવામાં આવતો હતો. આ તેલની ઘણી કંપનીઓ હતી. જે આ તેલને નાની બોટલમાં ભરીને વેચતા હતા. વિશ્વભરમાં આ ધંધામાં અમેરિકા નંબર વન હતું. તે સમયે વ્હેલ તેલ ઉદ્યોગ અમેરિકામાં પાંચમો સૌથી મોટો ઉદ્યોગ હતો. એ સમયે લગભગ 900 વ્હેલ જહાજો સમુદ્રમાં ફરતા હતા, જેમાંથી 700 એકલા અમેરિકાના હતા.
જ્યારે કેરોસીન આવ્યું
કેટલાક લોકોને વ્હેલનો શિકાર પસંદ ન હતો અને તેઓ બળતણનો બીજો વિકલ્પ શોધવાનો પ્રયાસ કરી રહ્યા હતા. 1846માં કેનેડિયન શોધક અને ભૂસ્તરશાસ્ત્રી અબ્રાહમ પિનીયો ગેસ્નર આ કાર્યમાં સફળ થયા. તેમણે દીવા પ્રગટાવવા માટે નવા બળતણની શોધ કરી. અબ્રાહમે કોલસો, બિટ્યુમેન અને ઓઈલના શેલને રિફાઈન કરીને કેરોસીન બનાવ્યું. કેરોસીન બનાવવું સરળ હતું અને તે વ્હેલ તેલની અડધાથી પણ ઓછી કિંમતે મળતું હતું.
આ ઈંધણની શોધ થતાં જ વ્હેલ ઓઈલનું બજાર તૂટી ગયું. 1850માં અબ્રાહમ ગેસનરે કેરોસીન ગેસ લાઇટ નામની કંપની ખોલી અને શેરીઓમાં કેરોસીન તેલના દીવા સ્થાપિત કરવા માટે કોન્ટ્રાક્ટ લીધો. ત્યારપછી દરેક ઘરમાં કેરોસીન તેલથી રોશની થવા લાગી. તે સમયે આ એક મહાન શોધ માનવામાં આવતી હતી, કારણ કે કેરોસીન એટલું સસ્તું હતું કે દરેક વ્યક્તિ, અમીર અને ગરીબ બંને તેને ખરીદી શકતા હતા. હવે લોકો રાત્રે પણ ઘરની બહાર નીકળવા લાગ્યા હતા, કારણ કે હવે રસ્તાઓ પર લેમ્પ લગાવવામાં આવ્યા હતા.
ક્રૂડ ઓઈલની આધુનિક શોધ
1858માં અમેરિકન પ્રોફેસર જ્યોર્જ બિસેલે પેન્સિલવેનિયામાં જમીન પર મળી આવતા તેલ જેવા પ્રવાહીનો અભ્યાસ કર્યો. તેમને તે દીવા પ્રગટાવવા માટે યોગ્ય લાગ્યું. પરંતુ તેમને તેલનો કૂવો ખોદવા માટે નિષ્ણાતની જરૂર હતી. પ્રોફેસર બિસેલે આ કામ માટે એડવિન ડ્રેક નામના વ્યક્તિની નિમણૂક કરી. ડ્રેકે વિલિયમ સ્મિથ, ઉર્ફે અંકલ બિલીને પણ કામે રાખ્યા હતા, જે ખોદકામમાં અનુભવી હતા.
1859માં ડ્રેક અને બિલીએ પેન્સિલવેનિયાના ટાઇટસવિલે વિસ્તારમાં ડ્રિલિંગ શરૂ કર્યું. શરૂઆતમાં નિષ્ફળતા મળી હતી. પરંતુ 28 ઓગસ્ટ, 1859ના રોજ 69 ફૂટની ઉંડાઈએ તેલનો મોટો ભંડાર મળી આવ્યો હતો.
ડ્રેકની આ શોધે દુનિયા બદલી નાખી. પેન્સિલવેનિયાનો ટાઇટસવિલે વિસ્તાર ટૂંક સમયમાં તેલ ઉદ્યોગનું કેન્દ્ર બની ગયો. હજારો લોકો અહીં સ્થાયી થયા અને આ વિસ્તાર ઓઇલ સિટી નામથી ઓળખાવા લાગ્યો. અહીં 50થી વધુ હોટલો બનાવવામાં આવી હતી. અહીં દૂર દૂરથી લોકો આવતા હતા. લગભગ 15000 લોકોએ અહીં ઘર બનાવીને રહેવાનું શરૂ કર્યું હતું.
તેલનો ભંડાર ઘટવા લાગ્યો
ટૂંક સમયમાં જ તે સમય આવ્યો જ્યારે લોકો આ શહેર છોડવા લાગ્યા. કારણ કે અહીં તેલના કુવાઓ ખાલી થવા લાગ્યા. 1866 સુધી આ શહેરમાંથી દરરોજ 6 હજાર બેરલ તેલનું ઉત્પાદન થતું હતું, જે જાન્યુઆરી 1866માં ઘટીને ત્રણ હજાર બેરલ થઈ ગયું હતું. ત્યારબાદ આગામી એક વર્ષમાં તે ઘટીને 2 હજાર બેરલ પ્રતિદિન થઈ ગયું. થોડા વર્ષોમાં અહીંના કુવાઓનું તેલ ખતમ થઈ ગયું અને પછી લોકોએ આ શહેર છોડી દીધું.
પરંતુ ત્યાં સુધીમાં આખા અમેરિકા અને દુનિયાને ખબર પડી ગઈ હતી કે જમીનમાંથી માત્ર પાણી જ નહીં તેલ પણ નીકળે છે. આ શોધ પછી મોટા ઉધોગપતિઓએ ક્રૂડ ઓઇલ ક્ષેત્રમાં એન્ટ્રી કરી. બ્લેક ગોલ્ડ એટલે કે ક્રૂડ ઓઈલની મોટી રિફાઈનરીઓ ખુલી. પેન્સિલવેનિયા ઉપરાંત અલાસ્કા, ઓહાયો અને ટેક્સાસ જેવા અમેરિકન રાજ્યોમાં તેલના મોટા કુવાઓ બનાવાયા અને અમેરિકા વિશ્વનો સૌથી મોટો તેલ ઉત્પાદક દેશ બન્યો.
અન્ય દેશોમાં ક્રૂડ ઓઈલની શોધ
1870ના દાયકામાં અઝરબૈજાનના બાકુમાં તેલના મોટા ભંડાર મળી આવ્યા હતા. આ વિસ્તાર ‘બ્લેક ગોલ્ડ’નું પ્રથમ વૈશ્વિક કેન્દ્ર બન્યું. 1908માં ઈરાનમાં ક્રૂડ ઓઈલનો વિશાળ ભંડાર જોવા મળ્યો, જેણે આ ક્ષેત્રને તેલ ઉત્પાદનનું કેન્દ્ર બનાવ્યું. આ સમયે બ્રિટિશ પેટ્રોલિયમ જેવી કંપનીઓની સ્થાપના સાઉદી અરેબિયામાં 1938માં થઈ હતી. આ પછી દેશ વિશ્વનો સૌથી મોટો તેલ નિકાસકાર બની ગયો.
ભારતમાં 1867માં આસામના ડિગબોઇ ક્ષેત્રમાં મળી આવ્યું હતું. તેને ભારતનું પ્રથમ ઓઈલ શહેર કહેવામાં આવે છે. ભારતમાં આઝાદી સુધી ખનિજ તેલનું ખોદકામ માત્ર આસામ રાજ્યમાં જ થતું હતું. ત્યારબાદ ગુજરાત અને મુંબઈ (બોમ્બે)માં પણ ખનીજ તેલની શોધ થઈ. હાલમાં ભારતમાં લગભગ 14.1 લાખ ચોરસ કિલોમીટરનું સંભવિત તેલ ક્ષેત્ર છે. ભારતનો કુલ ખનિજ તેલનો ભંડાર લગભગ 1750 લાખ ટન છે.
ક્રૂડ ઓઈલનો ઔદ્યોગિક ઉપયોગ અને મહત્વ
ક્રૂડ તેલ આધુનિક ઔદ્યોગિક અને આર્થિક વિકાસનો આધાર છે. 19મી અને 20મી સદીમાં તેનો ઉર્જા, પરિવહન અને રાસાયણિક ઉદ્યોગોમાં વ્યાપકપણે ઉપયોગ થવા લાગ્યો. પેટ્રોલ, ડીઝલ, એવિએશન ફ્યુઅલ અને પ્લાસ્ટિક જેવી પ્રોડક્ટ્સ ક્રૂડ ઓઈલમાંથી બને છે. તેલ આધારિત ઊર્જાએ ઔદ્યોગિક ક્રાંતિને વેગ આપ્યો. સ્ટીમ એન્જિન પછી, આંતરિક કમ્બશન એન્જિન અને ઇલેક્ટ્રીક જનરેટર્સે ઉત્પાદનને વેગ આપ્યો.
વૈશ્વિક રાજકારણ અને ક્રૂડ ઓઈલનો પ્રભાવ
ક્રૂડ ઓઇલે માત્ર ઔદ્યોગિક અને આર્થિક જ નહીં, પરંતુ વૈશ્વિક રાજકારણને પણ પ્રભાવિત કર્યું. તેલ-સમૃદ્ધ દેશોની શક્તિમાં વધારો થયો અને તેઓએ 1960માં ક્રૂડ ઓઇલ ઉત્પાદક દેશોએ પેટ્રોલિયમ નિકાસ કરતા દેશોનું સંગઠન OPECની રચના કરી. આ સંસ્થા તેલના ભાવને નિયંત્રિત કરે છે 1973 અને 1979ની તેલ કટોકટીઓએ વૈશ્વિક અર્થતંત્રને હચમચાવી નાખ્યું હતું. આનાથી ઊર્જાના વૈકલ્પિક સ્ત્રોતો પર ધ્યાન વધ્યું. મધ્ય પૂર્વમાં ઘણા યુદ્ધોનું મુખ્ય કારણ ક્રૂડ ઓઇલ રહ્યું છે. ગલ્ફ વોર તેનું મુખ્ય ઉદાહરણ છે.
આજે વિશ્વમાં સૌથી વધુ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન સાઉદી અરેબિયા, રશિયા અને યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા જેવા દેશોમાં થાય છે. તેમાંથી સાઉદી અરેબિયાને સૌથી મોટા તેલ ઉત્પાદક દેશોમાં ગણવામાં આવે છે. આ દેશોની ભૌગોલિક રચના એવી છે કે અહીં તેલનો વિશાળ ભંડાર છે. સાઉદી અરેબિયા અને રશિયા વિશ્વના સૌથી મોટા તેલ ક્ષેત્રોની માલિકી ધરાવે છે. આ દેશો પાસે તેલના ખનન માટે અદ્યતન ટેકનોલોજી અને સવલતો છે, તેથી તેઓ મોટી માત્રામાં ભૂગર્ભમાંથી તેલ કાઢવામાં સક્ષમ છે.