મુઘલોએ દીકરાનું માથું ધડથી અલગ કર્યું છતાં ઈસ્લામ ના અપનાવ્યો, શીખ યોદ્ધા બંદા બહાદુરની કહાની
ઈતિહાસમાં શીખ સમુદાયના બલિદાનને ક્યારેય ભૂલી શકાય નહીં. શીખ સમુદાય હંમેશા દેશના વિદેશી આક્રમણકારો સામે છેલ્લા શ્વાસ સુધી લડતો રહ્યો છે. આવા જ એક શીખ યોદ્ધા બંદા સિંહ બહાદુર વિશે આ લેખમાં જાણીશું કે, જેઓ મુઘલો સામે ક્યારેય ઝૂક્યા નહોતા, મુઘલો તેમના દીકરાનું માથું ધડથી અલગ કર્યું છતાં તેમણે ઈસ્લામ અપનાવ્યો નહોતો.
ભારતનો ઈતિહાસ બહાદુરી, બલિદાન અને યોદ્ધાઓનો ઈતિહાસ રહ્યો છે. ઈતિહાસમાં એવા ઘણા બહાદુર યોદ્ધા હતા. જે મુઘલો સામે ક્યારેય ઝૂક્યા નહોતા અને બહાદુરીથી તેમનો સામનો કર્યો હતો. બંદા સિંહ બહાદુર પણ તેમાંના એક હતા. 18મી સદીની શરૂઆતમાં બંદા સિંહ બહાદુર એક એવું જ નામ હતું, જેમનું નામ સાંભળીને દિલ્હી સલ્તનત પર શાસન કરતા મુઘલો પણ ધ્રુજવા લાગતા હતા.
નાની ઉંમરમાં સંત બની ગયેલા બંદા સિંહે પોતાને એક બહાદુર યોદ્ધા અને સક્ષમ નેતા તરીકે સાબિત કર્યા હતા. ગુરુ ગોવિંદ સિંહને મળ્યા પછી, તેમણે લશ્કરી તાલીમ લીધી અને ખાલસા રાજનો પાયો નાખ્યો. બંદા સિંહ બહાદુર શીખ કમાન્ડર હતા. તેમને માધો દાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ પ્રથમ શીખ સેનાપતિ હતા જેમણે મુઘલોની અદમ્યતાનો ભ્રમ તોડ્યો હતો.
ઈતિહાસમાં શીખ સમુદાયના બલિદાનને ક્યારેય ભૂલી શકાય નહીં. શીખ સમુદાય હંમેશા દેશના વિદેશી આક્રમણકારો સામે છેલ્લા શ્વાસ સુધી લડતો રહ્યો છે. આવા જ એક શીખ યોદ્ધા બંદા સિંહ બહાદુર વિશે આ લેખમાં જાણીશું કે, જેઓ મુઘલો સામે ક્યારેય ઝૂક્યા નહોતા, મુઘલો તેમના દીકરાનું માથું ધડથી અલગ કર્યું છતાં તેમણે ઈસ્લામ અપનાવ્યો નહોતો.
ભારતમાં ઘણા યોદ્ધાઓ થયા છે, પરંતુ તેમાંથી મોટાભાગના યોદ્ધાઓનો આપણા પાઠ્ય પુસ્તકોમાં ઉલ્લેખ જોવા મળતો નથી. તેમાંથી યોદ્ધા અને સંત બંદા સિંહ બહાદુર એક છે, જેમની કહાની માત્ર શીખ ખાલસાની બહાદુરી જ નહીં, પરંતુ મુગલોની ક્રૂરતા પણ દર્શાવે છે. 27 ઓક્ટોબર, 1670ના રોજ રાજૌરીમાં જન્મેલા બંદા સિંહ બહાદુરે ખૂબ જ નાની ઉંમરે ઘર છોડી દીધું અને સન્યાસ તરફ વળ્યા હતા.
નાંદેડમાં પોતાનો આશ્રમ સ્થાપ્યો
15 વર્ષની ઉંમરે સન્યાસ લેનાર લક્ષ્મણદાસે લગભગ બે દાયકા ‘માધોદાસ બૈરાગી’ તરીકે વિતાવ્યા. ત્યાર બાદ જીવનના સાર અને સત્યની શોધમાં તેઓ નાસિકમાં બાબા અઘરનાથના આશ્રમ પહોંચ્યા અને તેમના શિષ્ય બન્યા. અહીં થોડો સમય વિતાવ્યા બાદ બાબા બંદા સિંહ 1691માં ગોદાવરી નદીના કિનારે સ્થિત નાંદેડ પહોંચ્યા અને અહીં પોતાનો આશ્રમ સ્થાપ્યો.
મહારાષ્ટ્રના નાંદેડમાં રહેતા બંદા બહાદુરની ખ્યાતિ સર્વત્ર ફેલાઈ ગઈ હતી. બંદા બહાદુર લગભગ 17 વર્ષ સુધી આ આશ્રમમાં રહ્યા હતા. પરંતુ આ દરમિયાન કંઈક એવું બન્યું જેણે બંદા બહાદુરનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું. 3 સપ્ટેમ્બર 1708ના રોજ શીખોના દસમા ગુરુ, ગુરુ ગોવિદ સિંહ નાંદેડમાં બંદા સિંહના આશ્રમ પહોંચ્યા. અહીં તેમણે બંદા સિંહને તપસ્વી જીવન છોડીને ખાલસા સંપ્રદાય અપનાવવાની સલાહ આપી. બંદા સિંહ ગુરુ ગોવિંદ સિંહના શિષ્ય બન્યા.
ગુરુ ગોવિંદ સિંહે મુઘલોથી છુટકારો મેળવવાની જવાબદારી સોંપી
ગુરુ ગોવિંદ સિંહે તેમને સન્યાસ લેવાની અને પંજાબના લોકોને મુઘલોના અત્યાચારોમાંથી મુક્ત કરવાની જવાબદારી સોંપી. તેમણે બંદા સિંહને પાંચ તીર, એક તલવાર અને ત્રણ સાથીઓ સાથે એક આદેશ પણ આપ્યો જેમાં સ્પષ્ટ લખેલું હતું કે તે લોકોને મુઘલોના અત્યાચારોથી મુક્ત કરાવવા શીખોનું નેતૃત્વ કરે. આ સાથે તેમને પંજાબ જવા અને વઝીર ખાનને મોતની સજા આપવાનું કહેવામાં આવ્યું હતું.
વર્ષ 1709માં મુઘલ સામ્રાજ્યની કમાન સમ્રાટ બહાદુર શાહના હાથમાં હતી, પરંતુ તે સલ્તનતનો વિસ્તાર વધારવા માટે દક્ષિણમાં યુદ્ધ લડી રહ્યો હતો. બંદા સિંહ પંજાબ પહોંચ્યા અને સતલજ નદી પહેલા રહેતા શીખ ખેડૂતોને એક કરવા લાગ્યા. પછી તેમણે કૈથલ અને સોનીપતમાં મુઘલોનો ખજાનો કબજે કર્યો.
બંદા સિંહની સેનામાં એક સમયે ત્રણ સાથીઓ હતા, જેમનો કાર્યક્ષેત્ર ઝડપથી વિસ્તરતો ગયો. સેનામાં 8 હજાર સૈનિકો થયા. ‘લેટર મુગલ હિસ્ટ્રી ઓફ પંજાબ’ પુસ્તકના લેખક ઈતિહાસકાર હરિરામ ગુપ્તા લખે છે કે તેમની સેનામાં પાંચ હજાર ઘોડા હતા. તેમની સંખ્યા ઝડપથી વધીને 19 હજાર થઈ ગઈ હતી.
બંદા સિંહ બહાદુર નામ તેમને ખાલસામાં જોડાયા બાદ મળ્યું હતું. જો કે, ગુરુ ગોવિંદ સિંહે તેમનું નામ ‘ગુરબક્ષ સિંહ’ રાખ્યું હતું. 1708માં ગુરુ ગોવિંદ સિંહ બંદા સિંહ બહાદુરના આશ્રમમાં ગયા અને તેમને મળ્યા, ત્યારબાદ બંદા સિંહ બહાદુર તેમના શિષ્ય બન્યા. ખાલસામાં જોડાતાની સાથે જ બંદા સિંહ બહાદુરે પંજાબના પટિયાલામાં સ્થિત મુગલોની પ્રાંતીય રાજધાની સામના પર નિયંત્રણ સ્થાપિત કરીને ઈસ્લામિક આક્રમણકારોમાં હલચલ મચાવી દીધી હતી.
સરહિંદ પર કબજો કરી ખાલસા રાજનો પાયો નાખ્યો
1709માં તેમણે અને તેમના સૈનિકોએ સરહિંદ પર હુમલો કર્યો. આ હુમલાનું કારણ એ હતું કે વઝીર ખાન ત્યાં રહેતો હતો. એ જ વજીર ખાને ગુરુ ગોવિંદ સિંહ અને તેમના પુત્રોની હત્યા કરી હતી. બંદા સિંહ બહાદુરના મક્કમ નેતૃત્વ હેઠળ શીખોએ મુઘલોને હરાવ્યા અને 1710માં સરહિંદ શીખ શાસન હેઠળ આવ્યું અને ખાલસા રાજનો પાયો નંખાયો.
ત્યાર બાદ વધુ એક લડાઈમાં બંદા સિંહના ભાઈ ફતાહ સિંહે વઝીર ખાનના માથા પર સીધો હુમલો કર્યો અને તેને મારી નાખ્યો. આ જીત પછી તેમણે નવા સ્ટેમ્પ અને સિક્કા બહાર પાડ્યા, જેમાં ગુરુ નાનકની તસવીર હતી. આનો બદલો લેવા માટે 1710માં મુઘલ સમ્રાટ બહાદુર શાહે બંદા સિંહ બહાદુરને પકડવા માટે વિવિધ વ્યૂહરચના બનાવી, પરંતુ સફળ ન થયા.
દીકરાનું માથું ધડથી અલગ કર્યું છતાં ઈસ્લામ ના અપનાવ્યો
1712માં બહાદુર શાહના મૃત્યુ પછી, તેના ભત્રીજાએ સલ્તનત પર કબજો કર્યો અને બંદા સિંહ બહાદુરને પકડવાની જવાબદારી અબ્દુલ સમદ ખાનને સોંપી. તેણે તેની સેના સાથે કિલ્લાને ઘેરી લીધો જ્યાં બંદા બહાદુર હતા. મુઘલ સૈનિકોએ અંદર રાશન અને પાણી મોકલવાનું બંધ કરી દીધું. 8 મહિના સુધી ચાલેલી લડાઈ બાદ સમદ ખાન આખરે બંદા સિંહનો કિલ્લો તોડવામાં સફળ થયો. ત્યાર બાદ બંદા સિંહ બહાદુરની ધરપકડ કરવામાં આવી અને દિલ્હી લાવવામાં આવ્યા.
દિલ્હીમાં તેમણે અપમાન સહન કર્યું, મુઘલોએ કહ્યું કે, જો તે ઇસ્લામ સ્વીકારે તો તેને માફી આપશે. તેમ છતાં પણ તેમણે પોતાનો ધર્મ ના છોડ્યો. એટલું જ નહીં મુઘલોએ બંદા સિંહના ચાર વર્ષના પુત્ર અજય સિંહને તેની સામે નિર્દયતાથી મારી નાખવામાં આવ્યો, તેનું કાળજું કાઢીને બંદા સિંહના મોંમાં જબરદસ્તીથી દબાવી દેવામાં આવ્યું. આ બધી યાતનાઓ ભયાનક હોવા છતાં તે માણસ તેના સંકલ્પમાં અડગ રહ્યો. આ પ્રકારની ભયાનક યાતનાઓ આપવામાં આવી, છતાં તેઓ મુઘલો સામે ઝૂક્યા નહોતા અને ઈસ્લામ સ્વીકાર્યો નહોતો. આખરે બાબા બંદા સિંહની 9 જૂન, 1716ના રોજ હત્યા કરવામાં આવી હતી.
શીખ ઈતિહાસમાં બંદા સિંહ બહાદુરનું નામ અમર છે. તેમની ખ્યાતિ શીખ સમુદાયની બહાર ખાસ કરીને બંગાળમાં ફેલાઈ હતી. નોબેલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોરે ‘બંદી બીર’ અથવા ‘ધ કેપ્ટિવ બ્રેવ’ નામની કવિતા લખી હતી, જેમાં મુઘલ સામ્રાજ્ય સામેના બળવા અને તેમની અંતિમ શહાદત દરમિયાન સરદાર બંદા સિંહ બહાદુરના સાહસિક પરાક્રમોનું વર્ણન છે.