ભારતીય નૌકાદળે એક દિલધડક ઓપરેશનમાં 35 સોમાલિયન ચાંચિયાઓને પકડી પાડીને 17 બંધકોને તેમની કેદમાંથી મુક્ત કરાવ્યા છે. ભારતીય નૌકાદળ દ્વારા રવિવારે કહેવામાં આવ્યું હતું કે હિંદ મહાસાગરમાં શાંતિ અને સ્થિરતા મજબૂત કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે.
ભારતીય નૌકાદળે શનિવારે હાથ ધરેલા એક ઓપરેશનમાં ભારતીય દરિયાકાંઠાથી લગભગ 2,600 કિમી દૂર પૂર્વમાં માલ્ટા-ધ્વજવાળા વેપારી જહાજ (MV) રુએનને જપ્ત કર્યું હતું. લગભગ 40 કલાકના આ ઓપરેશન દરમિયાન નેવીએ INS કોલકાતા, INS સુભદ્રા અને સી ગાર્ડિયન ડ્રોન તૈનાત કર્યા હતા. આને સફળ બનાવવા માટે C-17 એરક્રાફ્ટથી ખાસ માર્કોસ કમાન્ડોને ચાંચિયાઓના કબજામાં રહેલા વ્યાપારિક જહાજમાં ઉતારવામાં આવ્યા હતા.
નેવીએ કહ્યું કે એમવી રુએનને સોમાલિયન ચાંચિયાઓએ 14 ડિસેમ્બરે હાઇજેક કર્યું હતું. જો કે, હાલમાં, એમવી રૂએનની દરિયાઈ સફરની ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને જહાજ પર અંદાજે 37,800 ટન કાર્ગો લોડ કરવામાં આવ્યો છે. જેની કિંમત લગભગ 10 લાખ યુએસ ડોલર છે. હવે આ જહાજને સુરક્ષિત રીતે ભારત લાવવામાં આવશે. નૌસેના દ્વારા હાથ ધરવામાં આવેલા આ ઓપરેશન અંગે નિષ્ણાતોએ જણાવ્યું કે, છેલ્લા સાત વર્ષમાં આ રીતે સોમાલિયાના ચાંચિયાઓથી કોઈ જહાજને બચાવવાનું આ પ્રથમ ઓપરેશન છે.
In a remarkable display of #Jointness & #Integration, an IAF C-17 aircraft executed a precision Airborne Drop of two Combat Rubberised Raiding Craft (CRRC) boats, along with Indian Navy MARCOS in Arabian Sea in support of ongoing anti piracy Op Sankalp.
Flying for almost 10 hrs… pic.twitter.com/DEMgvZQI1N
— Indian Air Force (@IAF_MCC) March 17, 2024
યમનના હુતી બળવાખોરો દ્વારા રાતા સમુદ્રમાં માલવાહક જહાજો પર વધતા હુમલાને પગલે નૌકાદળે વ્યૂહાત્મક જળમાર્ગોની દેખરેખ માટે 10 થી વધુ યુદ્ધ જહાજો તૈનાત કર્યા છે. નેવીએ કહ્યું કે INS કોલકાતાએ બુધવારે સવારે રૂએનને અટકાવ્યું હતું અને ડ્રોન દ્વારા સશસ્ત્ર ચાંચિયાઓની હાજરીની પુષ્ટિ કરવામાં આવી હતી. તેમણે વધુમાં કહ્યું કે ચાંચિયાઓએ ડ્રોનને તોડી પાડ્યું અને ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
આ પછી, માર્કોસ કમાન્ડોને C-17 એરક્રાફ્ટ દ્વારા ચાંચિયાઓના કબજામાં રહેલા વેપારી જહાજમાં ઉતારવામાં આવ્યા, જેમણે જહાજને કબજે કરી અને ચાંચિયાઓને પકડી લીધા અને રુએનના 17 ક્રૂ મેમ્બર્સને મુક્ત કરવામાં આવ્યા. 40 કલાક સુધી ચાલેલા આ ઓપરેશનમાં ભારતીય નૌકાદળના સતત દબાણ અને સુઆયોજિત કાર્યવાહીને કારણે સોમાલિયાના તમામ 35 ચાંચિયાઓએ આત્મસમર્પણ કર્યું હતું.