ભારત-પાકિસ્તાનના સંબંધો વિશે દુનિયા જાણે છે. આઝાદી બાદથી બંને દેશ વચ્ચે સતત અણબનાવ ચાલી રહ્યો છે. પરંતુ, પાકિસ્તાનના ભૂતપૂર્વ આર્મી ચીફ અને પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફના પરિવારના નામે હજુ પણ એક જમીન ભારતમાં આવેલી છે. એમ કહીં શકાય કે પરવેઝ મુશર્રફનો ભારતમાં તેમની આખરી મિલકત આવેલી છે. પરંતુ, હવે આ પહેલેથી જ જાહેર કરેલી દુશ્મન સંપત્તિની ટૂંક સમયમાં જ હરાજી કરવામાં આવશે. હરાજી બાદ જમીન ખરીદનારના નામે, પરવેઝ મુશરફની જમીન ટ્રાન્સફર થઈ જશે અને મુશર્રફનો ભારત સાથેનો છેલ્લો સંબંધ પણ સમાપ્ત થઈ જશે.
આ જમીનની હરાજી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. પરંતુ, પરવેઝ મુશર્રફના પરિવારના નામે રહેલી આખી જમીનની હરાજી કરવાને બદલે ટુકડે ટુકડે જમીનની હરાજી કરવામાં આવશે. પહેલા અડધી જમીનની હરાજી કરવામાં આવશે. ત્યાર બાદ બાકી રહેલી જમીનની હરાજી કરવામાં આવશે. ઉતરપ્રદેશના બાગપતના બરૌત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કોટાણા ગામ,પરવેઝ મુશર્રફનું પૈતૃક ગામ છે. જ્યાં હજુ પણ પરવેઝ મુશર્રફના પરિવારના નામે કેટલીક જમીન અસ્તિત્વમાં છે.
ઉત્તર પ્રદેશના પ્રશાસને આ જમીનને દુશ્મનની મિલકત જાહેર કરી હતી. તેની હરાજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ હરાજીની પ્રક્રિયા, આગામી 5 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફના નામની જમીન અહીં વેચાઈ ચૂકી છે. પરંતુ, તેમના ભાઈ જાવેદ મુશર્રફ અને પરિવારના અન્ય સભ્યોના નામે લગભગ 10 વીઘા જમીન વેચાવાની બાકી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પરવેઝ મુશર્રફના પિતા મુશર્રફુદ્દીન અને તેમની માતા બેગમ ઝરીન યુપીના કોટાણા ગામના રહેવાસી હતા. બંનેએ અહીં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને દિલ્હી જઈને સ્થાયી થયા હતા. બંનેએ ત્યાં સ્થાવર મિલકતો વસાવી હતી. મુશર્રફ અને તેમના ભાઈ જાવેદ મુશર્રફનો જન્મ વર્ષ 1943માં થયો હતો. 1947માં ભારત અને પાકિસ્તાનના વિભાજન બાદ મુશર્રફુદ્દીન પોતાના પરિવાર સાથે પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. દિલ્હીની સાથે તેમની પાસે કોટાણામાં પણ જમીન હતી. જે પહેલા જ વેચાઈ હતી. પરંતુ હજુ પણ 10 વીઘા જમીન તેના ભાઈ અને બાકીના પરિવાર વચ્ચે વેચવાની બાકી હતી.
કોટાણામાં તેમની હવેલી પણ હતી, જે તેમના પિતરાઈ ભાઈ હુમાયુના નામે હતી. જેને 15 વર્ષ પહેલા પ્રશાસન દ્વારા દુશ્મન મિલકત જાહેર કરવામાં આવી હતી. હવે હરાજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે. પરવેઝ મુશર્રફની જમીન બાંગર અને ખાદરમાં નોંધાયેલી હતી. બાંગર જમીન એ જમીન કહેવાય છે જે નદી કિનારેથી દૂર હોય છે. આ જમીન પૂર માટે સંવેદનશીલ નથી. જ્યારે ખાદરની જમીન નદી પાસે આવેલી હોય છે જે પૂરથી પ્રભાવિત થવા માટે સંવેદનશીલ હોઈ શકે છે.
સપ્ટેમ્બરમાં યોજાનારી જમીનની હરાજીમાં બાંગર જમીનની પ્રથમ હરાજી કરવામાં આવશે. જે 5 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થશે. આ માટે જમીન માટે 37.5 લાખ રૂપિયાની બોલી લગાવવામાં આવી છે.
Published On - 2:24 pm, Sun, 1 September 24