પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીના પરિણામ જાહેર થયાના 9 દિવસ બાદ પણ સરકારની રચના પર કોઈ સહમતિ બની શકી નથી. નવાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટોની પાર્ટી વચ્ચે ગઈકાલે શનિવારની બેઠક અનિર્ણિત રહી અને આગામી બેઠક સોમવારે બોલાવવામાં આવી છે. બિલાવલ રાષ્ટ્રપતિ પદ ઈચ્છે છે અને સત્તાની વહેંચણીના મુદ્દે વાતચીત ચાલી રહી છે.
પાકિસ્તાનમાં ચૂંટણીના પરિણામો જાહેર થયાને એક સપ્તાહથી વધુ સમય વીતી ગયો હોવા છતાં સરકારની રચના થઈ નથી. નવાઝ શરીફની પાર્ટી પીએમએલ-એન અને બિલાવલ ભુટ્ટો-ઝરદારીની પાર્ટી પીપીપી વચ્ચે સરકાર બનાવવા માટે વાટાઘાટો ચાલી રહી છે. પરંતુ તેના કોઈ ફળદાયી પરિણામો હજુ સુધી સામે આવ્યા નથી. સ્થાનિક મીડિયાએ રવિવારે અહેવાલ આપ્યો હતો કે, સત્તાની વહેંચણી પર બંને પક્ષો વચ્ચેની વાટાઘાટો અનિર્ણિત રહી છે પરંતુ બંને પક્ષો વાટાઘાટો આગળ પણ ચાલુ રાખવા સંમત થયા છે.
PML-N અને PPP વચ્ચે સત્તાની વહેંચણીના મુદ્દે શનિવારે બેઠક યોજાઈ હતી. જો કે આ બેઠકમાં કોઈ નિર્ણય લઈ શકાયો નથી. વાટાઘાટોને અંતિમ સ્વરૂપ આપવા માટે બંને પક્ષોએ સોમવારે ફરીથી બેઠક બોલાવી છે. પીએમએલ-એનના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને પક્ષોએ “મજબૂત લોકશાહી સરકાર”ની જરૂરિયાત પર સારી વાતચીત કરી હતી.
પીએમએલ-એન અને પીપીપીના સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “બંને પક્ષો દ્વારા આગળ મૂકવામાં આવેલ દરખાસ્તો પર સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી, અને વાટાઘાટોમાં પ્રગતિ થઈ છે, પરંતુ હાલની બાબતોને અંતિમ સ્વરૂપ આપવા માટે વધુ ચર્ચાની જરૂર છે,” એમ પીએમએલ-એન અને પીપીપીના સંયુક્ત નિવેદનમાં જણાવાયું છે. આગામી બેઠક સોમવારે નક્કી કરવામાં આવી છે. નવાઝ શરીફની આગેવાની હેઠળની પીએમએલ-એનએ શહેબાઝ શરીફને વડાપ્રધાન પદ માટે નામાંકિત કર્યા છે. ભુટ્ટો પરિવાર નવાઝ શરીફને વડાપ્રધાન બનાવવાના પક્ષમાં નથી.
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની, પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટી દ્વારા સમર્થિત ઉમેદવારોએ 8 ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીમાં 93 નેશનલ એસેમ્બલી બેઠકો જીતી હતી. જોકે, અન્ય પાર્ટીના સમર્થનના અભાવે તેઓ સરકાર બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. 265 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં નવાઝની પાર્ટીને 75 અને ભુટ્ટોની પાર્ટીને 57 બેઠકો મળી હતી. આ સિવાય મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ્સ-પાકિસ્તાને 17 બેઠકો જીતી છે, જે સંભવિત શાહબાઝ સરકારનો ભાગ હશે.