Breaking News: ભારે વરસાદથી ખેતી-બાગાયત પાક ક્ષેત્રે થયેલા નુકસાન અંગે તાકીદે સરવે હાથ ધરાશેઃ જીતુ વાઘાણી
પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે મુખ્યમંત્રીના નિર્દેશ મુજબ ખેતીવાડી અને બાગાયત પાકોને થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્રને ઝડપથી સર્વે પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં તાજેતરના અતિવૃષ્ટિ અને પૂર જેવી પરિસ્થિતિથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને પુનઃવસનની કામગીરીને વધુ વેગ આપવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ વલસાડથી મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું કે વલસાડ અને નવસારી જિલ્લાના અસરગ્રસ્ત વેપારીઓ, લારી-ગલ્લા ધારકો અને દુકાનદારોને પણ સરકાર આર્થિક પુનઃવસન સહાય આપશે.
તેમણે જણાવ્યું કે અમદાવાદ અને સુરતમાં જે ધોરણે વેપારીઓને સહાય આપવામાં આવી રહી છે, તે જ ધોરણે હવે વલસાડ અને નવસારી જિલ્લાના અસરગ્રસ્ત વેપારીઓને પણ સહાય આપવામાં આવશે. ભારે વરસાદ અને પૂરના કારણે નાના વેપારીઓને થયેલા નુકસાનમાંથી બહાર લાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું.
ખેડૂતોના નુકસાનનો તાત્કાલિક સર્વે શરૂ થશે
પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે મુખ્યમંત્રીના નિર્દેશ મુજબ ખેતીવાડી અને બાગાયત પાકોને થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્રને ઝડપથી સર્વે પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે. સર્વે પૂર્ણ થયા બાદ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પ્રવર્તમાન ધારા-ધોરણો મુજબ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવશે. સહાયની રકમ અને અન્ય વિગતો અંગેની સત્તાવાર જાહેરાત સર્વે પૂર્ણ થયા બાદ કરવામાં આવશે.
દરેક અસરગ્રસ્ત સુધી પહોંચવાનો સરકારનો સંકલ્પ
જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે કુદરતી આપત્તિની આ વિકટ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દરેક અસરગ્રસ્ત નાગરિક સુધી મદદ પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. રાહત, પુનઃસ્થાપન અને આર્થિક પુનઃવસનની કામગીરી દરેક તબક્કે કરવામાં આવશે અને જરૂરિયાતમંદ લોકોને જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે.
આગામી બે દિવસ સાવચેતી રાખવા અપીલ
રાજ્યમાં આગામી બે દિવસ કેટલાક વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ યથાવત રહેવાની આગાહીને ધ્યાનમાં રાખીને તેમણે નાગરિકોને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી હતી. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને નદીકાંઠાના વિસ્તારોમાં વસતા નાગરિકોને સાવચેત રહેવા અને જરૂર પડે ત્યારે સ્થળાંતર માટે તૈયાર રહેવા અનુરોધ કર્યો હતો.
સ્વૈચ્છિક સંસ્થાઓ અને બચાવ દળોને બિરદાવ્યા
પ્રવક્તા મંત્રીએ કપરા સમયમાં રાહત અને બચાવ કામગીરીમાં જોડાયેલી સ્વૈચ્છિક સંસ્થાઓ, જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, NDRF, SDRF તેમજ સ્થાનિક નાગરિકોના સહયોગની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે સૌના સંયુક્ત પ્રયાસોથી અનેક લોકોના જીવ બચાવી શકાયા છે અને રાહત કામગીરી વધુ અસરકારક રીતે આગળ વધી રહી છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે વરસાદથી અસરગ્રસ્ત દરેક વર્ગને જરૂરી સહાય અને પુનઃવસનની પ્રક્રિયા ઝડપી ગતિએ પૂર્ણ કરવામાં આવશે, જેથી સામાન્ય જનજીવન શક્ય તેટલું વહેલું ફરી પૂર્વવત થઈ શકે.
Red alert in Ahmedabad : બે દિવસ શાળા-કોલેજ બંધ, અધિકારી-કર્મચારીઓની રજા રદ્દ, વર્ક ફ્રોમ હોમ માટે કમિશ્નરની અપીલ
