વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં અને યાત્રીઓની સુવિધાઓ સાથે ઉધના સ્ટેશનનું અપગ્રેડેશન કરવામાં આવશે
ભારતીય રેલવે દ્વારા દેશના મુખ્ય સ્ટેશનોને આધુનિક અને વિશ્વ કક્ષાના સ્ટેશનોમાં રૂપાંતરિત કરવાનું કામ ઝડપી ગતિએ કરવામાં આવી રહ્યું છે. સ્ટેશનનું આવા પ્રકારનું અપગ્રેડેશન વેપાર અને વાણિજ્યને જરૂરી પ્રોત્સાહન પુરૂં પાડશે અને ઉધનાને એક મુખ્ય વેપાર અને વ્યાપારિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે.
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ, સમગ્ર દેશમાં 1275 રેલવે સ્ટેશનોને અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે નિશ્ચિત કરવામાં આવ્યા છે, જેમાંથી 87 રેલવે સ્ટેશન ગુજરાતમાં છે. અધ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સવલતો સાથે ઉધના રેલવે સ્ટેશનનું નવ નિર્માણ નવી નોકરીઓના સર્જન સાથે અર્થતંત્ર પર ખાસ પ્રભાવ પડશે.
વડાપ્રધાનના વિઝનને અનુરૂપ, ઉધના રેલવે સ્ટેશનનો નવો દેખાવ અને લેઆઉટ રેલવે સ્ટેશનને એક મહત્વપૂર્ણ સ્થાન તરીકે બદલવા અને “નવા ભારતની નવી રેલ” બનવા માટે ડિઝાઈન કરાયેલ છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ વાસ્તુકલાની સાથે સાથે પ્રબંધન પાસાઓના સંદર્ભમાં તેની આંતરરાષ્ટ્રીય અપીલના આધારે અલગ દેખાઈ આવવાનો છે. આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર ઉધના રેલવે સ્ટેશનના પુનઃવિકાસની કલ્પના કરવામાં આવી છે.
કામ 24 મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે
પશ્ચિમ રેલ્વેના મુખ્ય અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ, ઉધના રેલવે સ્ટેશનને રૂ. 223.6 કરોડના સ્વીકૃત ખર્ચે આધુનિક સ્ટેશન તરીકે પુનઃ વિકાસ કરવામાં આવી રહ્યું છે અને આ કામ 24 મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. હાલ આ કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે. આ માટે એન્જિનિયરિંગ ખરીદ એન્ડ નિર્માણ (EPC) કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જોકે આ બાબતે સાઈટ સર્વે, જિયો ટેકનિકલ અન્વેષણ અને માટી ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે.
પ્લીન્થ બીમ અને કોલમનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે
પશ્ચિમ તરફના હાલના આરપીએફ ક્વાર્ટર્સ તોડી પાડવામાં આવ્યા છે અને નવા ક્વાર્ટર્સનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગ્રાઉંડફ્લોરના સ્લેબનું કામ પૂર્ણ થતાં રૂફ સ્લેબનું પ્રગતિમાં છે. પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) કાઉન્ટરો ખસેડવામાં આવ્યા છે અને નવી PRS કાર્યરત કરવામાં આવી છે. ખાસ કરીને પૂર્વ બાજુના સ્ટેશન બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર સુપર સ્ટ્રક્ચર કોલમ વર્ક, સ્લેબ વર્ક અને સીડીની સાથે સાથે લિફ્ટ વોલનું કામ પ્રગતિ પર છે. આ સાથે સબ સ્ટેશન બિલ્ડીંગના પ્લીન્થ બીમ અને કોલમનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે. આ ઉપરાંત, પૂર્વ બાજુએ સરક્યુલેટીંગ એરિયામાં રોડ અને પાર્કિંગ માટે લેવલીંગ,ખોદકામ અને ડબલ્યુએમએમ ને પાથરવાનું કામ પ્રગતિમાં છે. નવા ફૂટ ઓવર બ્રિજના પાયાનું કામ પણ પ્રગતિમાં છે.
પ્લેટફોર્મ ઉપર પર્યાપ્ત કોન્કોર્સ કે વેઈટીંગ સ્પેસ પણ હશે
રેલવે સ્ટેશનની પૂર્વ અને પશ્ચિમ બંને બાજુએ નવા સ્ટેશન બિલ્ડીંગના વિકાસની દરખાસ્ત છે. પૂર્વ અને પશ્ચિમ બાજુઓ પરના સ્ટેશન બિલ્ડીંગોને એફઓબી દ્વારા એકબીજા સાથે જોડવામાં આવશે અને ઉત્તમ કનેક્ટિવિટીની સુવિધા માટે ટ્રેક અને પ્લેટફોર્મ પર એક એર કોનકોર્સ પણ હશે. પ્લેટફોર્મ પર વધુ ભીડ ન થાય તે માટે પેસેન્જર સુવિધાઓ સાથે પ્લેટફોર્મ ઉપર પર્યાપ્ત કોન્કોર્સ કે વેઈટીંગ સ્પેસ પણ હશે. કોન્કોર્સનું ક્ષેત્ર 2440 ચોરસ મીટરમાં ફેલાયેલો હશે. નવા સ્ટેશન સ્ટેશનને આવા પ્રકારના વાસ્તુશિલ્પ પરિવેશ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે જે સુનિશ્ચિત કરશે કે સમગ્ર સ્ટેશન સંકુલ યોગ્ય અગ્રભાગ, ફિનિશ, રંગો, સામગ્રી, બનાવટ અને સમગ્ર દેખાવ અને અનુભવ દ્વારા એકીકૃત થીમ રજૂ કરે છે. મુખ્ય સ્ટેશન બિલ્ડીંગની પૂર્વ તરફ સરક્યુલેટીંગ એરિયામાં એક ક્લોક ટાવર હશે જે ઉધના સ્ટેશનનું આઈકોનિક પ્રતીક હશે. પશ્ચિમ તરફના અગ્રભાગની થીમ ઉધના શહેરના પરિવેશ (surroundings) જેવી જ હશે.
ઉધના વ્યૂહાત્મક રીતે ગુજરાતના મુખ્ય શહેરી કેન્દ્ર જેમ કે સુરત, વડોદરા, અમદાવાદ અને ગાંધીનગર નજીક છે. ઉધના રેલ માર્ગ દ્વારા ગુજરાત રાજ્યના પ્રમુખ નગરો અને નાના શહેરોની સાથે સાથે દેશના વિવિધ ભાગો સાથે સારી રીતે જોડાયેલ છે. સ્ટેશનનું આવા પ્રકારનું અપગ્રેડેશન વેપાર અને વાણિજ્યને જરૂરી પ્રોત્સાહન પુરૂં પાડશે અને ઉધનાને એક મુખ્ય વેપાર અને વ્યાપારિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે.
(વિથ ઈનપુટ – દર્શલ રાવલ)
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…