Gujarati Video: TV9 એ ખોલેલી પોલ બાદ વેન્ટિલેટર મુદ્દે સિવિલ હોસ્પીટલ તંત્રની ધુળ કાઢતું ગાંધીનગર, આબરૂ બચાવવા વેન્ટિલેટરને ચઢાવ્યા કવર
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ધૂળ ખાતા વેન્ટીલેટર મુદ્દે Tv9ના અહેવાલ બાદ પ્રશાસન હરકતમાં આવ્યુ છે. ગાંધીનગરથી સિવિલ સત્તાધિશો પાસે ખૂલાસો માગવામાં આવ્યો છે. પીએમ કેર દ્વારા આવેલા 100થી વધુ વેન્ટીલેટરને ધૂળ ખાઈ રહ્યા છે અને ભંગારની જેમ એક ઓરડામાં ખડકી દેવામાં આવ્યા છે. જો કે Tv9ના અહેવાલ બાદ પોલ ખૂલતા વેન્ટીલેટરને કવર ચડાવવામાં આવ્યા છે.
સુરત સિવિલ હોસ્પિટલમાં પીએમ કેરમાં આવેલા વેન્ટીલેટરની દુર્દશા બતાવતો Tv9 અહેવાલ પ્રસારિક કર્યા બાદ તંત્ર હરકતમાં આવ્યો છે. આ અહેવાલની ગાંધીનગર સુધી નોંધ લેવાઈ છે અને ગાંધીનગરથી સિવિલના સત્તાધિશો પાસે ખૂલાસો માગવામાં આવ્યો છે. સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ પાસે જવાબ માગવામાં આવ્યો છે. નવી સિવિલમાં ચાલતી લોલમલોલનો Tv9 પર અહેવાલ પ્રસારિત થયો હતો. ત્યારે બેદરકારીની પોલ ખૂલ્યા બાદ સિવિલ સત્તાધિશો હરકતમાં આવ્યા છે અને વેન્ટીલેટરને કવર ચડાવી દેવામાં આવ્યા છે. હાલ વેન્ટીલેટર જ્યા રાખવામાં આવ્યા છે ત્યા પણ સાફ સફાઈ કરવામાં આવી છે.
100 થી વધુ વેન્ટીલેટર્સ ધૂળ ખાતી હાલતમાં સામે આવ્યા
આ અગાઉ 100થી વધુ વેન્ટીલેટર્સ ભંગારમાં મુકાયા હોય તેમ એક ઓરડામાં ખડકી દેવાયા હતા. તેના પર ન તો કોઈ કવર ચડાવવામાં આવ્યુ હતુ કે ન તો તેની સાફસફાઈ થતી હતી. દરેક વેન્ટીલેટર પર ધૂળ બાજી ગઈ હતી. જોકે આવા દૃશ્યો બાદ પણ સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ લુલો બચાવ કરી રહ્યા હતા કે દરેક વેન્ટીલેટર ચાલુ કન્ડીશનમાં છે અને સમયાંતરે તેની સફાઈ કરવામાં આવે છે. ત્યારે સૌથી મોટો સવાલ એ પણ છે કે નિયમિત વેન્ટીલેટની સફાઈ થતી હોય તો તેના પર બાજેલી ધૂળ શું એક દિવસમાં ચડી ગઈ હતી?
વેન્ટીલેટરની દુર્દશા મુદ્દે ગાંધીનગરથી મગાયો ખૂલાસો
સુરતની સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારી સામે આવી હતી. કોરોનાના કપરા કાળમાં લોકોના જીવ બચાવવામાં મદદરૂપ થનાર વેન્ટીલેટર સિવિલ હોસ્પિટલમાં ધૂળ ખાતા જોવા મળ્યા હતા. વેન્ટીલેટર જે વોર્ડમાં મુકવામાં આવ્યા હતા તે વોર્ડમાં પણ ખુબ જ ગંદકી જોવા મળી હતી એટલું જ નહી વેન્ટીલેટર પર કવર ચડાવવાની તસ્દી પણ લેવામાં આવી ન હતી. પરિણામે આ વેન્ટીલેટર ખરાબ થઇ જવાની પુરેપુરી શક્યતા હતી. દરમ્યાન આ અહેવાલો પ્રકાશમાં આવતા હોસ્પિટલ તંત્ર દોડતું થયું છે. આ મામલે હોસ્પિટલના તંત્ર પાસેથી ગાંધીનગરથી ખુલાસો પણ માંગવામાં આવ્યો છે
પોલ ખૂલ્યા બાદ સફાળુ જાગ્યુ હોસ્પિટલ તંત્ર
ગાંધીનગરથી ખૂલાસો મગાયા બાદ હોસ્પિટલ તંત્ર સફાળું જાગ્યું છે. જે જગ્યાએ વેન્ટીલેટર ધૂળ ખાતી હાલતમાં પડ્યા હતા તે વોર્ડની હવે સાફ સફાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત કવર મંગાવીને વેન્ટીલેટરને ચડાવી દેવામાં આવ્યા છે. વેન્ટીલેટર બીન ઉપયોગી પડી રહેવાના કારણે ખરાબ ન થાય તે માટે સિવિલ હોસ્પિટલના અલગ અલગ વોર્ડમાં વધારાના વેન્ટિલેટર ફાળવી વારા ફરતી ઉપયોગમાં લેવામાં આવે તે માટેની વિચારણા હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત આ ઘટનામાં સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા કિડની ઈન્ચાર્જ, ફાર્મસિસ્ટ અને સિક્યુરિટીને નોટિસ ફટકારવામાં આવી છે. અને તપાસ હાથ ધરાઈ છે. કોરોના જેવી મહામારીમાં જ્યારે ઓક્સિજન અને વેન્ટીલેટરની અછતને કારણે અનેક લોકોએ તેમના સ્વજનો ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે સિવિલ હોસ્પિટલની આ પ્રકારની બેદરકારી સામે તંત્ર શું પગલા લે છે તે જોવું રહ્યુ.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…