સુરત (Surat) શહેરમાં ઉનાળો (Summer) શરુ થતા જ પાણીની પારાયણ પણ શરુ થઇ ગઇ છે. વેસુ વિસ્તારમાં આવેલા ઈડબ્લ્યુએસ આવાસમાં છેલ્લા એક મહિનાથી પાણીની સમસ્યાથી (Water Crisis) લોકો હાલાકી ભોગવી રહ્યા છે. હાલાકી એટલી બધી વધી ગઇ કે આજે મહિલાઓએ વોર્ડ ઓફિસમાં ભારે હોબાળો મચાવ્યો હતો. ભર ઉનાળામાં પાણીના અભાવે હાલાકીનો સામનો કરી રહેલી મહિલાઓ દ્વારા વોર્ડ ઓફિસની બહાર જ માટલા ફોડીને મનપાના રેઢિયાળ તંત્ર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. મહિલાઓના વિરોધના પગલે એક તબક્કે વાતાવરણ ઉગ્ર બની ગયુ હતુ.
સુરતના વેસુ ખાતે મહાનગર પાલિકા દ્વારા નિર્મિત ઈડબ્લ્યુએસ આવાસ ભગવાન ગૌતમ બુદ્ધ નગરમાં છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી પાણીની સમસ્યા છે. ખુબ જ ઓછા પ્રેસરથી પાણી આવવાની ફરિયાદો સ્થાનિકો દ્વારા ઘણા સમયથી કરવામાં આવી હતી. અલબત્ત, પીવાના પાણીના અભાવે મહિલાઓ દ્વારા અત્યાર સુધી આસપાસના વિસ્તારમાં આવેલા શોપિંગ સેન્ટરમાંથી પાણી ભરીને જેમ તેમ કરીને ચલાવવામાં આવતુ હતુ. જો કે, હવે શોપિંગ સેન્ટર દ્વારા સ્થાનિક મહિલાઓને પાણી ભરી જવાનો ઈન્કાર કરાતાં આવાસમાં વસવાટ કરતાં પરિવારોની હાલત ભારે કફોડી થઇ છે.
આજે વહેલી સવારે ગૌતમ બુદ્ધ નગરના રહીશોએ એકઠાં થઈને વેસુ ખાતે આવેલ વોર્ડ ઓફિસમાં મનપાના વહીવટી તંત્ર વિરૂદ્ધ હલ્લો બોલાવ્યો હતો. અવાર નવાર ફરિયાદ કરવા છતાં હાઈડ્રોલિક વિભાગની લાપરવાહીને પગલે સ્થાનિકોને હાલાકી ભોગવવી પડે છે. સ્થાનિકોની સમસ્યા મામલે આંખ આડા કાન કરતા આખરે રોષે ભરાયેલી મહિલાઓએ આજે વોર્ડ ઓફિસની બહાર જ માટલાઓ ફોડીને સૂત્રોચ્ચાર કર્યા હતા. જેના પગલે અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.
વેસુ ઈડબ્લ્યુએસ આવાસમાં છેલ્લા એક મહિનાથી ઓછા પ્રેસરથી પાણી આવતું હોવાની ફરિયાદ વચ્ચે આજે પાણી સમિતિના ચેરમેન રાકેશ માળીએ કહ્યું હતું કે, સંભવતઃ આવતીકાલે આ સમસ્યાનો નિકાલ આવી જશે. હાઈડ્રોલિક વિભાગના અધિકારીઓને આ સંદર્ભે તેઓએ સૂચના આપી દીધી છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-